પર્વોનો રાજા ગણાતા દીપોત્સવી પર્વ પુષ્યનક્ષત્ર સાથે શરૂ થશે

GUJARAT

હિન્દુ સમુદાયમાં ભારે મહાત્મ્ય ધરાવતા અને પર્વોનો રાજા ગણાતા દીપોત્સવી પર્વની ઉજવણીને લઇને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આ વખતે ગુરૂ પુષ્ય નક્ષત્ર હોવાથી પુષ્યનક્ષત્રની ખરીદી સાથે દિવાળીનો ઝગમગાટ શરૂ થઇ જશે. ગુરૂવારે પુષ્યનક્ષત્રની સાથે જ દેવઉઠી એકાદશી સુધી દીપોત્સવી પર્વની રોનક દેખાશે.

પુષ્ય નક્ષત્રનું મહત્ત્વ
યંત્ર, મંત્ર, તંત્ર, પૂજા, જાપ, અનુષ્ઠાન માટે પુષ્ય નક્ષત્ર શ્રેષ્ઠ જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, પુષ્યનક્ષત્રમાં ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો. શાસ્ત્ર અનુસાર પુષ્યનક્ષત્રમાં ધનની દેવી લક્ષ્મીજીનો પ્રાદુર્ભાવ થયો હતો એવું માનવામાં આવે છે. શનિ મહારાજ અને ગુરુ મહારાજના કારણે આ નક્ષત્રમાં કરેલા કાર્યો સ્થિર થાય છે.

શાસ્ત્રો પ્રમાણે ધન સંપત્તિ ચલિત હોય છે. કોઇની પાસે રહેતી નથી, પરંતુ પુષ્યનક્ષત્રમાં કરેલી ખરીદી ચીરસ્થાયી બને છે. આ નક્ષત્રમાં કરવામાં આવેલા કાર્યો ફળીભૂત થાય છે. યંત્ર, મંત્ર, તંત્ર, પૂજા, જાપ અને અનુષ્ઠાન માટે પુષ્યનક્ષત્ર શ્રેષ્ઠ ગણાય છે. આ નક્ષત્રમાં લક્ષ્મીજીની ઉપાસના અને શ્રીયંત્રની ખરીદી સમૃદ્ધિ લાવે છે.

દિવાળી પર્વ સૌથી મોટું પર્વ હોવાની સાથે જ બજારમાં ઉત્સાહ, ઉમંગ, ઉન્માદ દેખાય છે. દીપોત્સવી પર્વની આ રોનક ગુરૂવારે પુષ્યનક્ષત્રની સાથે જ શરૃ થઇ જશે. 28મીએ ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગ સોના, ચાંદી, ચોપડાની શુકનવંતી ખરીદી થશે.ચોપડા ખરીદી સહિતના શુભ કાર્યો સાથે શરૂ થતો દીપોત્સવી પર્વ દેવઉઠી એકાદશી સાથે પૂર્ણ થશે. દેવઉઠી એકાદશીની ઉજવણી હિન્દુ ચાતુર્માસ પણ પૂરા થઇ જશે. તેમજ તે દિવસે તુલસી વિવાહ સાથે માંગલિક પ્રસંગોના શ્રીગણેશ થશે.

પુષ્યનક્ષત્રથી દેવઉઠી એકાદશી સુધીના 19 દિવસમાં 10 પર્વોની વણઝાર જોવા મળશે. તેમાં રમા એકાદશી, વાઘ બારસ, ધનતેરસ, દિવાળી, નૂતન વર્ષથી માંડીને ભાઇબીજ જેવા સ્નેહ-પ્રેમના સંબંધરૂપી પર્વોની પણ રોનક દેખાશે.28મી ઓક્ટોબર ગુરૂવારે પુષ્યનક્ષત્રમાં નવા વર્ષ માટેના યંત્ર, ચોપડા, સામગ્રી નોંધાવવાનો શ્રેષ્ઠ અવસર છે. પછી પર્વની હારમાળા સર્જાશે. શહેરમાં દીપોત્સવી પર્વનો ઝગમગાટ આ દિવસોમાં સ્પષ્ટ જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.