એલન મસ્કે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદ્યું છે. આ ડીલ 44 અબજ ડોલરમાં કરવામાં આવી છે અને તેની સાથે 2013થી પબ્લિક ચાલતી કંપની હવે ખાનગી બની જશે. ટ્વિટરના વેચાણ સાથે જ લોકો કંપનીના હાલના CEO પરાગ અગ્રવાલની વિદાય વિશે અંદાજાઓ લગાવી રહ્યા છે. જોકે આવું થશે કે નહીં તે અંગે કોઈ નક્કર માહિતી નથી.
પરાગ અગ્રવાલને શું મળશે?
જો રિપોર્ટ્સનું માનીએ તો ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલની વિદાય થાય છે તો તેમને 4.2 કરોડ ડોલર (અંદાજે રૂ.321.6 કરોડ) મળશે. રિસર્ચ ફર્મ ઈક્વિલરના જણાવ્યા અનુસાર જો વર્તમાન સીઈઓ પરાગ અગ્રવાલને કંપનીના વેચાણના 12 મહિનાની અંદર ટ્વિટરમાંથી કાઢી મૂકવામાં આવે છે, તો તેમને લગભગ $4.2 કરોડ મળશે.
પરાગની વિદાયની ચર્ચા કેમ થઈ રહી છે?
આપને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતથી જ એલન મસ્ક ટ્વિટર ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એપ્રિલની શરૂઆતમાં તેમણે કંપનીમાં 9.2% હિસ્સો ખરીદ્યો હતો અને હવે આખી કંપની તેમની માલિકીની છે. 14 એપ્રિલના રોજ સિક્યોરિટી ફાઇલિંગમાં મસ્કે જણાવ્યું હતું કે તેમને ટ્વિટરના વર્તમાન મેનેજમેન્ટ પર વિશ્વાસ નથી.
આ સિવાય મસ્ક છેલ્લાં કેટલાક સમયથી ટ્વિટરની પોલિસી પર સતત સવાલો ઉઠાવી રહ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કંપનીના વેચાણ બાદ પરાગ અગ્રવાલને કાઢી શકે છે.
ટ્વિટરે મૌન સેવ્યું
ઈક્વિલરે તેના અહેવાલમાં પરાગ અગ્રવાલની એક વર્ષની બેઝ સેલરી અને તેના ઈક્વિટી એવોર્ડના એક્સીલેરેટેડ વેસ્ટિંગના આધારે આ રકમનો અંદાજ લગાવામાં આવ્યો છે. ટ્વિટરના પ્રતિનિધિએ ઇક્વિલરના અંદાજ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
આપને જણાવી દઈએ કે પરાગ અગ્રવાલને ગયા વર્ષે નવેમ્બરમાં ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. ટ્વિટર પ્રોક્સી અનુસાર વર્ષ 2021 માટે તેમનું કુલ કંપનસેશન $3.04 કરોડ હતું, તેમાંથી મોટાભાગે સ્ટોક એવૉર્ડ તરીકે મળ્યું હતું.