પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે.. Board Exam ની બીકે આપઘાત

DHARMIK

ગુજરાતમાં હાલ ધોરણ 12 અને 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ઘણીવાર પ્રયાસ કર્યા વગર જ પરીક્ષાના ભયથી નાસીપાસ થઈ જતા હોય છે અને ન કરવાનું કરી બેસતા હોય છે. પરીક્ષા તો દર વર્ષે આવશે પણ તમારૂ જીવન એકવાર જશે તો પરત નહીં આવે પણ માસૂમ વિદ્યાર્થીઓ પરીક્ષાના ભયના ઓથારમાં આ વાત ભૂલી જાય છે. આવી જ ઘટના રાજકોટમાં ઘટી છે.

રાજકોટમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીએ પરીક્ષામાં નાપાસ થવાના ભયથી જીવન ટુકાવી દીધુ છે. ચોટીલાના ખેરાણા ગામમાં ધોરણ 12ની પરીક્ષાઓની તૈયારી કરતી વિદ્યાર્થીનીએ બોર્ડ એક્ઝામના પ્રથમ જ દિવસે ઝેરી દવા પીને મોત વહાલું કરી લીધુ હતુ. દીકરીના આમ નાસીપાસ થઈ જવાથી પરિવારનું આક્રંદ ભલભલાને રડાવી મૂકે તેવું હતુ.

ચોટીલાના ખેરાણા ગામે રહેતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે 28મી માર્ચ 2022ના સવારે ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે 10 દિવસની સારવાર બાદ તેનું ગઈકાલે મોડી રાત્રે મોત નીપજ્યું હતું. સગીરા એક ભાઈની એકની એક બહેન હતી. પિતા ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૃતક સણોસરામાં આવેલી મોડલ શાળામાં ધો.12માં અભ્યાસ કરતી હતી.

પરીક્ષાનું પહેલું પેપર હતું, એ જ દિવસે સવારે ઊઠી પરીક્ષામાં નાપાસ થઈશ તો એવા ડરથી ઝેરી દવા પીધી હતી અને ત્યાર બાદ પિતાને કહ્યું હતું કે પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે, જેથી પરિવારે સગીરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ત્યાં તેની સારવારમાં ગઈકાલે મૃત્યુ નીપજ્યું હતું. તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ચોટીલા પોલીસે કાર્યવાહી આદરી છે.

ધોરણ 10 અને 12માં 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. તો રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95 હજાર 982 રેગ્યુલર વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રીપીટર 11 હજાર 984 પરીક્ષાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. CCTV કેમેરા સહિતની કડક વ્યવસ્થાઓ વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષા સવારનાં 10થી બપોરનાં 1:15 વાગ્યા દરમિયાન લેવાઈ રહી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજાશે.

Leave a Reply

Your email address will not be published.