મનોરંજન જગતમાં સુનિલ ગ્રોવર અને કપિલ શર્માની એક અલગ જ ઓળખ છે. આજે સુનિલ ગ્રોવરનો જન્મદિવસ છે. સુનિલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ 1977ના રોજ હરિયાણાના સિરસામાં એક પંજાબી પરિવારમાં થયો હતો. સુનિલ ગ્રોવર કપિલ શર્મા સાથે ‘કૉમેડી નાઈટ્સ વિથ કપિલ’માં ગુથ્થી અને ધ કપિલ શર્મા શોમાં ડૉક્ટર મશહૂર ગુલાટીના પાત્રમાં દર્શકોનું મનોરંજન કરતા હતા. પરંતુ એક ઝઘડા બાદ આ બંને ક્યારેય પણ સાથે જોવા મળ્યા નહિ.
આખરે શું થયું હતું બંને વચ્ચે?
વર્ષ 2017માં કપિલ અને સુનિલ વચ્ચે એવો ઝઘડો થયો કે આજ સુધી બંને એકબીજા સાથે વાત કરતા નથી. હવે કપિલ એકલો જ ‘ધ કપિલ શર્મા શો’ ચલાવી રહ્યો છે. આખરે બંને વચ્ચે શું થયું હતું, ચાહકોને આજ સુધી ખબર નથી. બંનેએ ક્યારેય એકબીજા પર ખરાબ ટિપ્પણી કરી નથી.
અહેવાલો અનુસાર, ફ્લાઇટમાં કપિલ અને સુનીલ વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઇ હતી. ‘ધ કપિલ શર્મા’ શોની ટીમ ફ્લાઇટમાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન કપિલ નશામાં હતો. કપિલના ડ્રિન્ક કરવા દરમ્યાન જ્યારે કેબિન ક્રૂએ જમવાનું પીરસ્યું તો ટીમના બાકીના સભ્યોએ તો ખાવાનું શરૂ કરી દીધું. પછી શું હતું કપિલ આના પર ભડકી ગયો.
સુનિલે કપિલને સમજાવવાની કોશિશ કરી તો કપિલ એમના પર બૂમાબૂમ કરવા લાગ્યા. કપિલ ઉભા થયા અને પોતાના જૂત્તા ઉઠાવીને સુનિલ ગ્રોવરને ફેંકીને માર્યું. સુનિલ આ દરમ્યાન કપિલને સમજાવવાની કોશિશ કરતા રહ્યાં.
જોકે, આ પછી કપિલે પણ આ લડાઈ વિશે વાત કરી હતી. એક ઈન્ટરવ્યુમાં કપિલે કહ્યું હતું કે, કોઈએ કહ્યું કે મેં જૂતા ફેંકીને માર્યા, કોઈએ કહ્યું કે મેં વહેલા ખાવાનું ખાવા અંગે નારાજગી વ્યક્ત કરી. જ્યારે સુનિલે ક્યારેય આવા આક્ષેપો કર્યા નથી. આ બધી બનાવટી વાતો હતી જે કોઈ ત્રીજા વ્યક્તિએ ફેલાવી હતી.
આ ફિલ્મોમાં જોવા મળ્યા સુનિલ
સુનિલે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1998માં ફિલ્મ પ્યાર તો હોના હી થા થી કરી હતી. આ પછી સુનિલ ગ્રોવર ધ લીજેન્ડ ઓફ ભગત સિંહ, મૈં હૂં ના, ગજની, જિલા ગાઝિયાબાદ, ગબ્બર ઇસ બેક, બાગી અને ભારતમાં જોવા મળ્યા. હવે તે વેબ સિરીઝ તાંડવ અને સનફ્લાવરમાં પણ કામ કરી ચુક્યા છે.