ચીન અને પાકિસ્તાનની મિત્રતા જગજાહેર છે પરંતુ જ્યારે વાત ચીનના આર્થિક હિતોની આવે તો તેઓ કોઇપણ ભોગે સમજૂતી કરતા નથી. પાકિસ્તાન તરફથી ઇકોનોમિક કોરિડોરના નિર્માણની ધીમી ગતિથી ચીની કંપનીઓ નારાજ થઇ ચૂકી છે. એક સેનેટ પેનલે પણ આ પ્રોજેક્ટ પર છેલ્લાં ત્રણ વર્ષમાં થયેલી ઝીરો પ્રગતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) ચીનનો અબજો ડોલરનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ સૌથી અગત્યનો છે. જો કે પાકિસ્તાનમાં CPEC પ્રોજેક્ટનો છડેચોક વિરોધ થઇ રહ્યો છે તો બીજીબાજુ કામની ગતિ ધીમી પડતા પાકિસ્તાનની એક સેનેટ પેનલે પણ ચિંતા વ્યકત કરી છે.
સેનેટની સ્થાયી સમિતિની અધ્યક્ષતા કરનાર સલીમ માંડવીવાલાએ કહ્યું કે ચીની સીપીઇસી પર કામની ગતિથી સંતુષ્ટ નથી અને છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન પોર્ટફોલિયો પર તેમને કોઇ પ્રગતિ દેખાતી નથી. તેમણે કહ્યું કે ચીનના લોકો ખૂબ જ નારાજ છે અને ચીની રાજદૂતે મને ફરિયાદ કરી છે કે તમે CPECને બરબાદ કરી દીધો છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં કોઇ કામ કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે CPEC ઓથોરિટીના ચીફ અસીમ સલીમ બાજવાએ 60 બિલિયન ડોલર્સના સીપીઇસી પ્રોજેક્ટને પાકિસ્તાન માટે લાઇફલાઇન ગણાવી હતી અને તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ પાકિસ્તાનને વધુ પ્રોગ્રેસિવ અને વિકસિત દેશોની યાદીમાં સામેલ કરી દેશે. જો કે બાજવાને હટાવીને ખઆલિદ મંસૂરને CPEC ઓથોરિટીના ચીફ બનાવ્યા છે.
CPEC મામલા પર પીએમ ઇમરાન ખાનના ખાસ સહાયક મંસૂર એ માંડવીવાલાનું પણ સમર્થન કર્યું અને કહ્યું કે ચીની કંપનીઓ સરકારની સંસ્થાનો અને તેમના કામની ગતિથી સંતુષ્ટ નથી. તેમણે કહ્યું કે તેઓ ગ્વાદર એરપોર્ટ પર કામની પ્રગતિથી ખુશ નથી. જો કે પેનલને આશ્વાસન આપ્યું કે હવે બધુ રિકવરી મોડ પર આવી ચૂકયું છે.
પાકિસ્તાનમાં આતંકી હુમલામાં 9 ચીની નાગરિકના મોત
ચીન પાકિસ્તાનમાં ધીમી ગતિથી ચાલી રહેલા કામને લઇ તો નારાજ છે જ સાથો સાથ સીપીઇસી પ્રોજેક્ટ સાથે જોડાયેલા કેટલાંક ચીની લોકોને પણ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. જુલાઇમાં જ ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક બોમ્બ બ્લાસ્ટમાં 13 લોકોના મોત થયા હતા જેમાંથી 9 ચીની નાગરિક હતા. ત્યારબાદ ચીને પોતાની એક સ્પેશ્યલ ટીમ પાકિસ્તાન મોકલી હતી. આ બ્લાસ્ટ એક બસમાં થયો હતો અને આ બાસમાં ચીનના એન્જિનિયર્સ અને કંસ્ટ્રકશન વર્કર્સના મોત થયા હતા.