ઓલિમ્પિક-2036ને હોસ્ટ કરવા ગુજરાત સજ્જ, અમદાવાદમાં તૈયારી શરૂ!

GUJARAT

ટોક્યો ઑલિમ્પિકમાં છેલ્લા કેટલાક દિવસો ભારત માટે સારા રહ્યાં છે. બૉક્સિંગ બાદ હવે હૉકીમાં પણ મેડલ આવી ગયું છે. હવે એવી આશા બંધાઈ છે કે, આ વખતે ભારત મેડલ મેળવવામાં લંડન ઓલિમ્પિકનો રેકોર્ડ તોડી દેશે અને 6થી વધુ મેડલ પોતાના નામ પર કરશે. ઑલિમ્પિકની રમતો વચ્ચે આ વખતે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે.

કેન્દ્રીય નાણાં મંત્રાલયે ગુજરાતના અમદાવાદમાં બની રહેલા સ્પોર્ટ્સ કૉમ્પલેક્સ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓલિમ્પિક-2036ની તૈયારીઓ અંતર્ગત અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કૉમ્પલેક્સ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી ઑલિમ્પિક-2036 માટે કોઈ દેશના નામની વિચારણા કરવામાં આવી નથી, પરંતુ ભારત તેના માટે દાવેદારી નોંધાવી શકે છે.

હકીકતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર દ્વારા એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે. જેમાં નારણપુરામાં બની રહેલા સ્પોર્ટ્સ કૉમ્પલેક્સ અંગે જાણકારી આપવામાં આવી છે. આ વીડિયોમાં સ્પોર્ટ્સ કૉમ્પલેક્સમાં સ્વિમિંગ, ટેનિસ સહિત અન્ય રમતો માટે સ્ટેડિયમ બની રહ્યાં છે. આ ઉપરાંત લોકોને રોકાવા માટેની વ્યવસ્થા પર કરવામાં આવી રહી છે. જેથી એક જ ઠેકાણે તમામ સુવિધા ઉપલબ્ધ થઈ શકે.

જણાવી દઈએ કે, વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પણ અમદાવાદમાં જ આવેલું છે. એવામાં જો ઓલિમ્પિક માટે ભારત તરફથી દાવેદારી કરવામાં આવે, તો અમદાવાદ શહેરનું નામ સૌથી ઉપર આવી શકે છે.

વર્ષ 2020ની ઓલિમ્પિક આ વખતે 2021માં રમાઈ રહી છે. જે જાપાનના ટોક્યોમાં યોજાઈ રહી છે. જે બાદ આગામી ત્રણ 2024, 2028 અને 2032ની ઓલિમ્પિક ક્રમશ: પેરિસ, લૉસ એન્જલસ અને બ્રિસ્બેનમાં રમાવાની છે. જે બાદ 2036, 2040 અને 2044 ઓલિમ્પિક માટે બિડિંગ કરવામાં આવશે. જેમાં ભારત પોતાનું ભાગ્ય અજમાવી શકે છે. અત્યાર સુધી ભારતમાં કોઈપણ ઓલિમ્પિકનું આયોજન નથી કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ના ચીફ નરેન્દ્ર બત્રાએ કહ્યું હતું કે, 2036 અથવા 2040ના ઓલિમ્પિક અમદાવાદના સરદાર વલ્લભભાઈ સ્પોર્ટ્સ સંકુલમાં યોજાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *