લોભામણી અને બ્યુટી પાર્લર તથા દોસ્તી કરોગે જેવા નામથી જાહેરાત આપી NRI યુવતીઓ સાથે મિત્રતા, ચેટીંગ અને રૂબરૂ મુલાકાત કરવાના નામે રૂપિયા ખંખેરતા મહિલા સહિત બે મહારાષ્ટ્રીયનને સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યા છે. સુરતના યુવકને NRI છોકરીઓ સાથે મુલાકાત કરાવી બે કલાક વાત કરવાની લાલચ અને ખુશ રાખવાની 69,410ની રોકડ ગૂગલ-પેથી પડાવી કરાયેલી છેતરપિંડીનો કેસ પણ ઉકેલાય ગયો છે.
સુરત સાયબર ક્રાઇમ ની ટીમના હાથે પકડાયેલ બે આરોપી સુષ્મા રમેશ ચલીયા સેટી અને રામઆશિષ સિયારામ પાસવાન દ્વારા ખરેખરના ખેલ કર્યા છે. માત્ર સુરત નહીં, વડોદરા, અમદાવાદ, મુંબઇ , બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ અને દિલ્હી સુધી બન્ને ઠગે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું છે. 11થી 18 નવેમ્બર 2020 દરમિયાન આ ઠગબાજોએ બાબુભાઇ નામના ઈસમને NRI યુવતીઓ સાથે મુલાકાત બાદ બે કલાક વાત કરવાની અને ખુશ રાખવાની કિંમત પેટે 25 થી 30 હજાર નક્કી કર્યા હતા. ત્યારબાદ ગેટ પાસે, ગેસ્ટ હાઉસ બુકીંગ જેવા અલગ-અલગ ચાર્જ ગણાવી એમની પાસેથી રૂપિયા 69,410 ગુગલ-પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. જે બાબતે 2 માર્ચ 2021ના રોજ સાયબર ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી રામઆશિષ અને સુષ્મા શેટ્ટી 20-30 હજારમાં ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવાના બહાને અલગ-અલગ ચાર્જ ગણાવીને પણ છેતરપિંડી કરતા હતા.
આરોપી રામઆશિષ સિયારામ પાસવાન દ્વારા અલગ-અલગ બેંકોના કુલ-11 બેંક એકાઉન્ટો ગુનામાં ઉપયોગ કર્યા હોવાનું સામે આવ્યું છે. અલગ-અલગ બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાં 1,67,04,000ના ટ્રાન્જેકશન થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રામઆશિષ સિયારામ પાસવાને વર્ષ-2009થી આ પ્રકારના ગુના આચરતો આવ્યો હોવાની કબૂલાત કરી છે. પકડાયેલા રામઆશિષ સિયારામ પાસવાન દ્વારા સુરત, વડોદરા, અમદાવાદ મુબઇ, બેંગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ તથા દિલ્હીમાં ન્યૂઝ પેપરો મારફતે જાહેરાત આપી લોકોને ફસાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
બન્ને ઠગબાજો પાસેથી 6 મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યા છે. અલગ-અલગ બેંક એકાઉન્ટની ચેકબુક નંગ- 9, ATM કાર્ડ નંગ-5, આરોપીઓ અલગ-અલગ ન્યુઝ પેપરમાં આઈએસઓ રજીસ્ટર્ડ કોમલ બ્યુટી પાર્લર મેલ, ફિમેલ, કોલેજ ગર્લ, હાઉસ વાઇફ, મોડલ્સ એન્જોય આવક 20,000-30,000 રોજના, ગેરેન્ટેડડ સર્વીસ તમારા શહેરમાંના નામે જાહેરાત આપતા હતા. હાલ તો જાહેરાત આપનાર અને લોકોને છેતરી ભાગી જનારા ખુદ આરોપી તરીકે સરેજાહેર થઈ ગયા છે.