નોકરીની લાલચ આપી પરિણીતાને હોટલમાં બોલાવી દુષ્કર્મ, વીડિયો પણ ઉતાર્યો

GUJARAT nation

સુરતના સરથાણા વિસ્તારમાં એક પરિણીતાને હીરા મેનેજરે નોકરીની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આટલું જ નહીં, હીરા મેનેજરે મહિલાના વીડિયો અને ફોટા પાડીને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવા અંગે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 40 વર્ષની પરિણીતાને નોકરીની જરૂર હોવાથી તે વરાછા વિસ્તારના સુદામ ચોક ખાતે રહેલા નિલેશ લાઠીયા સાથે એક વર્ષ પહેલા સંપર્કમાં આવી હતી. નિલેશ પરિણીતાને ઊંચા પગારે નોકરી આપવાનું વચન આપતાં બન્ને વચ્ચે મિત્રતા થઈ હતી. એક દિવસ નિલેશે પરિણીતાને સરથાણા વિસ્તારમાં આવેલી હોટલના રૂમમાં લઈ ગયો હતો. જ્યારે ઊંચા પગારે નોકરી આપવાની વાત કરીને શારીરિક અડપલા કરી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન આરોપીએ મહિલાના બિભત્સ ફોટા અને વીડિયો પણ ઉતારી લીધા હતા.

થોડા દિવસો બાદ નિલેશ પરિણીતાને આ ફોટા અને વીડિયો વાયરલ કરવાની તેમજ તેના સંતાનોને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો. આવી રીતે બ્લેકમેઈલ કરીને મહિલાને અનેક વખત અલગ-અલગ જગ્યાઓ પર લઈ જઈને દુષ્કર્મ આચરતો રહ્યો. આટલુ જ નહી, તેણે પરિણીતાને કોઈ નોકરી પણ અપાવી નહતી.

આખરે વારંવારની ધમકી અને ત્રાસથી કંટાળીને પરિણીતાએ સરથાણા પોલીસ મથકમાં નિલેશ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે નરાધમ નિલેશની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *