મોદી સરકારનો મોટો નિર્ણય, 2022 સુધી મળશે લોકોને ફ્રીમાં અનાજ

nation

કેન્દ્ર સરકારે ગરીબોના પક્ષમાં મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની મુદત હવે માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. આ યોજનાની સમયમર્યાદા ડિસેમ્બરમાં જ સમાપ્ત થઈ રહી હતી, જે અંતર્ગત લગભગ 80 કરોડ લોકોને રાશન આપવામાં આવે છે. કેબિનેટની બેઠક બાદ સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશન આપવાની યોજના માર્ચ 2022 સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત તેમણે કૃષિ કાયદાને પાછો ખેંચવાની દરખાસ્તને મંજૂરીની પણ માહિતી આપી હતી.

આ યોજના હેઠળ દરેક પરિવારને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. આવતા વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારનું આ પગલું ઘણું અસરકારક સાબિત થઈ શકે છે. જો કે અગાઉ સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ યોજનાને આગળ વધારવાની કોઈ દરખાસ્ત નથી અને પછી આ મુદ્દાને લઈને વિરોધ પક્ષો દ્વારા ભારે હોબાળો થયો હતો. હવે બુધવારે પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ યોજનાને આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશના 80 કરોડ ગરીબોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો મનપસંદ દાળ મફત આપવામાં આવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા તમામ રેશનકાર્ડ ધારકોને હાલના રાશનની સરખામણીમાં 2 ગણું રાશન આપવામાં આવે છે. પરિવારમાં પ્રોટીનનું પ્રમાણ સુનિશ્ચિત કરવા માટે દર મહિને 1 કિલો કઠોળ પણ આપવામાં આવે છે. PMGKAY નો લાભ એવા લોકોને પણ આપવામાં આવી રહ્યો છે જેમની પાસે રેશન કાર્ડ નથી, જોકે આ યોજનાનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ હોવું ફરજિયાત છે.

જો આ યોજનાના લાભાર્થીઓને મફત અનાજ મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય અથવા તો અન્ય કોઈ સમસ્યા પડે તો તેના માટે સરકારે ટોલ ફ્રી નંબરો (1800-180-2087, 1800-212-5512 અને 1967) આપ્યા છે. જેના પર કોઈપણ વ્યક્તિ ફરિયાદ કરી શકે છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકાર સત્રની શરૂઆતમાં સંસદમાં આ ત્રણ કાયદાઓને પાછી ખેંચવા સંબંધિત બિલ લાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેને પસાર કરાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે આ ત્રણેય કાયદાઓને પાછા ખેંચવા સંબંધિત બિલ પાસ કરાવવાની સરકારની પ્રાથમિકતા છે.

Leave a Reply

Your email address will not be published.