મોબાઈલ પર આવતાં અજાણ્યા નંબર પર માહિતી આપતા પહેલા ચેતજો

GUJARAT

આજકાલના જમાનામાં મોટાભાગના મોબાઈલ ધારકો પર અજાણ્યા ઈસમો દ્વારા સંપર્ક કરી મોબાઈલ ધારકને વિશ્વાસમાં લઈ તેમના બેંકની વિગતો જાણી લીધા બાદ ખાતામાંથી લાખો રૂપિયાની ઓનલાઈન ઉપાડ કરી છેતરવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે 20 દિવસ અગાઉ હિંમતનગર તાલુકાના ગઢા ગામના એક ખેડૂત સાથે પણ બે અજાણ્યા શખ્સોએ મોબાઈલ પર સંપર્ક કરી તેમના ખાતામાંથી અંદાજે રૂા.1.14 લાખથી વધુનો ઓનલાઈન ઉપાડ કરી લીધી હોવાની ફરિયાદ શુક્રવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી છે.

આ અંગે ગઢા ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતા નોમાનભાઈ ઉસ્માનભાઈ ડોડિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.22 જાન્યુઆરીના રોજ તેમના મોબાઈલ પર અજાણ્યા શખ્સોના 8391૦12618 અને 9692462૦77 પરથી ફોન આવ્યો હતો. જેમાં આ શખ્સોએ નોમાનભાઈ ડોડિયા સાથે વાત કરીને તેમને વિશ્વાસમાં લઈ લીધા હતા અને તેમના બેંકની વિગતો મેળવવા માટે આ અજાણ્યા શખ્સોએ એનિડેસ્ક તથા યુના નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઓટીપી મેળવી લીધો હતો.

ત્યારબાદ આ શખ્સોએ નોમાનભાઈના ક્રેડિટ કાર્ડમાંથી પ્રથમ તબક્કે રૂા.50 હજાર અને તેમના જ ડેબીટ કાર્ડમાંથી રૂા.64,969ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જે બદલ નોમાનભાઈ ડોડિયાએ બંને મોબાઈલ નંબરના આધારે શુક્રવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત મોબાઈલ નંબર ધરાવતા બે શખ્સોએ થોડા સમય અગાઉ દોલગઢ ગામના ખેડૂત સાથે પણ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *