સુરતના ગોડાદરા વિસ્તારમાં પતિ-પત્નીએ મળી શંકી પ્રેમી પર એસિડ અટેક કરવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમીને મોઢા અને પગના ભાગે ગંભીર ઇજા થઈ છે. જ્યારે ઝપાઝપીમાં આરોપી પતિ ઉપર પણ એસિડ ઉડતા તેને પણ ઇજા પહોંચી છે. હાલ સમગ્ર મામલે ગોડાદરા પોલીસએ ગુનો દાખલ કરીને પતિ-પત્નીની ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મહારાણા ચોક ખાતે આવેલા રાજ એમ્પાયર કોમ્લેક્સમાં ભાવેશ મેવાડા નામનો શખ્સ એમ આર ક્લોથિંગ નામની કપડાંની દુકાન ધરાવે છે. જ્યારે જ્યાં ભોગ બનનાર પ્રિન્સ શાહુ કપડાં લેવા અવારનવાર આવતો હોઈ, બન્ને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી. આ મિત્રતાના કારણે પ્રિન્સની ભાવેશના ઘરે અવરજવર થવા લાગી, જ્યાં ભાવેશની પત્ની સાથે પ્રિન્સની આંખો મળી જતાં પ્રેમ સબંધ બંધાયો હતો.
આથી પ્રિન્સ પણ ભાવેશની પત્ની જ્યારે દુકાન પર હોય, ત્યારે વધારે આવતો હોઈ આસપાસના દુકાનદારોને શક થયો હતો. પત્નીના આડાસબંધો અંગે આસપાસના દુકાનદારોએ ભાવેશને જાણ કરતાં બન્ને વચ્ચે ઝઘડા પણ થતા હતા.
આખરે ભાવેશે પોતાની પત્નીને કહ્યું કે, જો તારે પ્રિન્સ સાથે આડા સબંધ ના હોય, તો તેની પર એસિડ એટેક કરીને સાબિતી આપવી પડશે. આ માટે પતિએ પ્લાન પ્રમાણે છેલ્લા 15 દિવસથી પૂણા વિસ્તારમાંથી એસિડ લાવીને પોતાની દૂકાનમાં મૂકી રહ્યું હતું. જ્યારે પ્રિન્સ દુકાનમાં આવ્યો, ત્યારે જ પત્નીએ તેના મોઢા પર એસિડ ફેંકી દીધુ હતું. આ દરમિયાન પ્રિન્સ અને ભાવેશ વચ્ચે ઝપાઝપી થતાં તે પણ ઘાયલ થયો હતો.
હાલ તો એસિડ એટેકમાં ઘાયલ પ્રિન્સ અને ભાવેશને નજીકના શૉપિંગ સેન્ટરમાં આવેલી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસ હોસ્પિટલ આવી પહોંચી હતી અને પતિ-પત્નિની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ કરી લીધી છે.