મારો પુરુષ ખૂબ જ બુદ્ધિમાન છે. તેને રાજકારણ તેમજ ઐતિહાસિક બનાવો વિશે ચર્ચા કરવી ગમે છે. પરંતુ મારો શોખ તેના કરતા ભિન્ન જ છે. મને ફેશન, સૌંદર્ય, સામાજિક બનાવો જેવા વિષયો પર વધુ રસ છે. ઇતિહાસ અને રાજકારણમાં રસ ન હોવાને કારણે હું તેની ચર્ચામાં સહભાગી થઈ શકતી નથી. આટલું ઓછું હોય તેમ તે મને વારંવાર કહ્યા કરે છે કે તેની ભૂતપૂર્વ સ્ત્રી-મિત્ર તેની સાથે આ વિષયોમાં ચર્ચા કરી શકતી હતી. મને આ વાત સાંભળી ખૂબ જ દુ:ખ થાય છે. મને મદદ કરવા વિનંતી.
એક કન્યા (કરમસદ)
એ વાત સારી છે કે તેની ભૂતપૂર્વ સ્ત્રી મિત્ર સાથે તેના મનગમતા વિષયની ચર્ચા કરી શકતો હતો. પરંતુ એનાથી અગત્યની કોઈ વાત જરૂર હશે. જેમાં તેઓ એક મત થઈ શક્યા નહીં અને આ કારણે તેમનો સંબંધ વિચ્છેદ થયો.
આ વિષયોની ચર્ચા ડિનર ટેબલ પર બાજુમાં બેઠેલી વ્યક્તિ સાથે ઠીક છે પરંતુ પ્રેમી સાથે આ વિષયની ચર્ચા નિરસ છે. આથી હું તમને સમજાવી અન્ય વિષય તરફ તેનું ધ્યાન વાળવાનો પ્રયત્ન કરવાની સલાહ આપું છું. એ જો તમને અણસમજુ સમજતો હોય તો બીજી વાતો દ્વારા તમારી સમજણ શક્તિનો પરિચય કરાવો.
મારી ઉંમર ૧૯ વર્ષની છે. મારા કાકાનો છોકરો મને બહુ ગમે છે. તે મારા કરતા બે વરસ મોટો છે. હું એને ઘરે જાઉં છું ત્યારે તે મારી સાથે શારીરીક છૂટછાટ લે છે. મને પણ તેની આ વર્તણૂંક ગમે છે અને હું તેનોે પ્રતિકાર કરતી નથી. એક વખત આવેશમાં ને આવેશમાં અમે શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા. પરંતુ હમણાં હમણાં મને ખબર પડી છે કે તેને એક અન્ય યુવતી સાથે પણ પ્રેમ છે. હું તેને ભૂલી શકું તેમ પણ નથી. હવે મારે શું કરવું તે સમજ પડતી નથી યોગ્ય સલાહ આપવા વિનંતી.
તમારી ઉંમર ખૂબ જ નાની છે. આ ઉંમરમાં યુવકો પરત્વે આકર્ષણ થાય તે સ્વાભાવિક છે. આને પ્રેમમાં ખપાવી ન શકાય અને તમારી વાત પરથી લાગે છે કે તમારો પિત્રાઈ ભાઈ તમારા બંને સાથે સંબંધ રાખવા માગે છે અને આ પરથી તેની લાગણીનો ખ્યાલ આવી શકે છે.
અને સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પિત્રાઈ ભાઈ-બહેનો વચ્ચેનો સંબંધ સમાજ પસંદ કરતો નથી. આ ઉપરાંત તબીબી દ્રષ્ટિએ વિચાર કરીએ તો ભવિષ્યમાં ઘણી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આથી આગળ કેવા પગલાં લેવા તે તમારે જ નક્કી કરવાનું છે.