મેં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું છે હવે મારે કેટલા સમય બાદ સમાગમ કરવું જોઈએ ??

GUJARAT

પ્રશ્ન : મારી વય 37 વર્ષની છે અને મેં હમણાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું છે. મારે એ જાણવું છે કે આ ઓપરેશનના કેટલા દિવસ પછી જાતીય સંબંધ બાંધી શકાય? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : સામાન્ય રીતે સ્ત્રીના માસિક આવવાનાં પહેલા 14 દિવસમાં આ ઓપરેશન કરવામાં આવે છે. જેથી જ્યારથી ઓપરેશન થાય ત્યારથી જ મોટે ભાગે બીજા ગર્ભનિરોધક સાધનોનો પ્રયોગ જરૂરી રહેતો નથી. બાકી જો તકલીફ ના હોય અને ઇચ્છા હોય તો ઓપરેશનના સાતથી આઠ દિવસ પછી પણ જાતીય સંબંધ રાખી શકાય છે. સ્ત્રી નસબંધી એ સ્ત્રીને ગર્ભવતી થતી અટકાવવા માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. આ માટે એક નાનું ઓપરેશન કરવું પડે છે.

આમાં ઓપરેશન દ્વારા સ્ત્રીની ફેલોપિયન ટ્યૂબને બંધ કરવામાં આવે છે અથવા કાપી નાખવામાં આવે છે. હકીકતમાં આ ટ્યૂબ દ્વારા જ ઇંડાં અંડાશયમાંથી ગર્ભાશય સુધી પહોંચે છે. નસબંધી કરાવ્યાં પછી ચેકઅપ માટે ડોકટર પાસે જવું જરૂરી છે અને ડોક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓનો કોર્સ પૂર્ણ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઓપરેશન પછી ઓછામાં ઓછા 7 દિવસ સુધી શારીરિક સંબંધો બનાવવાનું ટાળો. શારીરિક સંબંધ બાંધવાના મામલે ડોક્ટરની સલાહ લઇને જ કોઇ નિર્ણય લો.

પ્રશ્ન : હું 31 વર્ષની યુવતી છું. મારાં લગ્ન હજી નથી થયાં. મારા ઘરના લોકો મને પરણી જવા માટે પ્રેશર કરે છે અને કહે છે કે જો વય વધી જશે કે બાળકો થવામાં સમસ્યા થશે. હકીકત એ છે કે મારે લગ્ન ત્યારે જ કરવાં છે જ્યારે યોગ્ય જીવનસાથી મળે. જો હું મોડી પરણી અને પછી બાળકમાં કઈ તકલીફ પડી તો? પણ બાળકની ચાહમાં ગમે તેને તો પરણી શકું એમ નથી હું. મને મારી મિત્રએ એગ ફ્રીઝિંગ વિશે વાત કરી છે. શું આ વિકલ્પ સલામત છે? એક યુવતી (વડોદરા)

ઉત્તર : માતૃત્વ એક એવી અવસ્થા છે જેના માટે શારીરિક જ નહીં, માનસિક રીતે પણ રેડી હોવું ખૂબ જ જરૂરી છે. ક્યારેક એવું બનતું હોય છે કે જ્યારે તમે માનસિક રીતે સજ્જ થાઓ ત્યાં સુધીમાં તમારી શારીરિક સજ્જતા જતી રહે છે. આવા સમયે એગ ફ્રીઝિંગ જેવી ટેક્નોલોજી કામ લાગી શકે છે. એગ ફ્રીઝિંગ એ આજના સમયમાં ઘણા પ્રશ્નોનું નિરાકરણ સાબિત થઈ રહ્યું છે. કરિયર માટે, ભણતર માટે કે પછી યોગ્ય પાત્ર ન મળે એ માટે જ્યારે સ્ત્રીઓ બાળકનું પ્લાનિંગ મોડું કરે છે ત્યારે ફર્ટિલિટી સંબંધિત પ્રશ્નો આવી શકે છે.

યુવાન વયે સ્ત્રીનાં એગ એકદમ ફળદ્રુપ હોય છે. જો તમે એગ ફ્રીઝ કરાવો છો તો તમે મોટી ઉંમરે પણ સ્વસ્થ બાળક મેળવી શકો છો. એટલું જ નહીં, ફર્ટિલિટી સંબંધિત તકલીફો નહીં થાય. આ એકદમ સેફ ટેક્નિક છે માટે એમાં ગભરાવવા જેવું નથી. એગ ફ્રીઝિંગ ઘણા બધા કેસમાં વરદાન સાબિત થાય છે. આજકાલ નાની ઉંમરે સ્ત્રીઓને કેન્સર થવા લાગ્યું છે ત્યારે આ સ્ત્રીઓ ભવિષ્યમાં માતૃત્વના સુખથી વંચિત ન રહે એ માટે એગ ફ્રીઝિંગ વરદાન બને છે. આ ઉપરાંત અમુક સ્ત્રીઓને નાની વયે મેનોપોઝ આવી જાય છે. આ સંજોગોમાં પણ એગ ફ્રીઝિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે અને હકારાત્મક પરિણામ મેળવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *