મેં એબોર્શન કરાવ્યું ત્યાર પછી મને ગર્ભ નથી રહેતો..હવે મારે શું કરવું જોઈએ

GUJARAT

પ્રશ્ન : હું મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતી 26 વર્ષીય યુવતી છું અને ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં છું. મારો બોયફ્રેન્ડ થોડો જુનવાણી છે. હું મારા અન્ય મિત્રો સાથે ગરબા રમવા જાઉં તો એને બિલકુલ નથી ગમતું અને તે મારી સાથે મોટો ઝઘડો કરે છે. ગયા વર્ષે તો તેણે બ્રેક-અપ કરી નાખવાની ધમકી પણ આપી દીધી હતી. મને તેનું આવું વર્તન બિલકુલ નથી ગમતું પણ સાથે સાથે હું તેને બહુ પ્રેમ કરતી હોવાથી ગુમાવવા પણ નથી ઇચ્છતી. મારે શું કરવું જોઇએ? એક યુવતી (સુરત)

ઉત્તર : તમે ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં હો તો એવું ધારી શકાય કે તમે એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા છો. તમારે સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે સંબંધ ગમે તેટલો ગાઢ હોય પણ બીજી વ્યક્તિના દબાણથી કોઇ વ્યક્તિના વિચાર અને સ્વભાવમાં બદલાવ લાવવો શક્ય નથી. આ બદલાવ જો વ્યક્તિ આપમેળે પરિસ્થિતિ સમજે તો જ આવી શકે છે.

જો તમે આટલી વાત સમજી જશો તો તમારી સમસ્યા હળવી થઇ જશે. જો તમારા બોયફ્રેન્ડનું માનસ બધી વાતમાં જુનવાણી હશે તો એને એ પોતે જ બદલી શકશે, તમે તો ક્યારેય નહીં બદલી શકો. રહી વાત તમારી સમસ્યાની તો જો આ સમસ્યા માત્ર નવરાત્રિમાં બીજા મિત્રો સાથે ગરબા રમવા જાઓ ત્યાં સુધી જ સિમિત હોય તો એનો ઉકેલ શક્ય છે. તમે બોયફ્રેન્ડને તમારી લાગણી જણાવીને તમારી સાથે આવવા માટે સમજાવી શકો છો અથવા તો સાથે મળીને શાંતિપૂર્વક અહમ્્ને વચ્ચે લાવ્યા વગર આ સમસ્યાનો ઉકેલ શોધી શકો છો.

જો માત્ર આ સમસ્યા જ હોય તો આ બહુ નાની સમસ્યા છે. તમે મળીને આટલી નાની વાતનો ઉકેલ ન લાવી શકતા હો અને સીધી બ્રેક-અપની ચર્ચા થતી હોય તો તમે ભલે ત્રણ વર્ષથી સ્ટેડી રિલેશનશીપમાં હો પણ બંનેએ આ સંબંધને થોડો સમય આપવાની અને એના પર હકારાત્મક રીતે કામ કરવાની જરૂર છે. જો થોડા સમય પછી પણ બોયફ્રેન્ડનાં વર્તનમાં બદલાવ ન આવે તો કોઈ નિર્ણય લેતા પહેલાં વિચારજો.

પ્રશ્ન : મારાં લગ્ન થયાં ત્યારે શરૂઆતમાં મને એક વાર ગર્ભ રહ્યો હતો, પણ એ વખતે મારા પતિએ સંતાનની ના કહેતાં મેં એબોર્શન કરાવી લીધું હતું. હવે ત્રણ વર્ષથી અમે સંતાનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ, પણ મને ગર્ભ નથી રહેતો. શું કરવું? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમે એબોર્શનનો નિર્ણય ડોક્ટરની સલાહ લઇને કર્યો હશે. ઘણીવાર એબોર્શન પછી ઇન્ફેક્શનને કારણે આવી સ્થિતિ ઉભી થતી હોય છે. તમે ગાયનેકોલોજિસ્ટને બતાવી જરૂરી ટેસ્ટ કરાવો. શક્ય છે કે તે પછી દવા કરાવવાથી તમે ગર્ભ ધારણ કરી શકો. સ્ત્રીનું માસિકચક્ર ચાલુ થાય તે પછી એક-બે વર્ષથી લઇને માસિક જતું રહે (મેનોપોઝ) ત્યાં સુધી ગર્ભધારણ કરવાની ક્ષમતા ધરાવે છે.

સ્ત્રીની ગર્ભધારણ ક્ષમતા 35 વર્ષની વય પછી ઝડપથી ઘટવા માંડે છે. જોકે, હવે આધુનિક સારવારની મદદથી સ્ત્રી કોઇ પણ ઉંમરે માતા બની શકે છે; પરંતુ આ સારવાર ખૂબ ખર્ચાળ અને અટપટી છે અને એની અનેક શારીરિક અને સામાજિક આડઅસરો પણ છે. જે સ્ત્રીને માસિકસ્ત્રાવ નિયમિતપણે આવતો હોય તેને બે માસિક વચ્ચેના ભાગમાં લગભગ બારમા દિવસથી અઢારમા દિવસની વચ્ચેના કોઇ પણ દિવસે સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે.

સ્ત્રીબીજ છૂટું પડે પછી 24થી 36 કલાક સુધીમાં અનુકુળ સંજોગોમાં સ્ત્રીબીજ અને પુરુષબીજનું મિલન થઇ જાય તો ગર્ભધારણ શક્ય બને છે. એક સ્ત્રીબીજને ફલિત કરવું એ સહેલું કામ નથી. બધું જ નોર્મલ હોય તેમ છતાં ગર્ભધારણ ન થાય એવું બને છે. પતિ-પત્ની પૂરેપૂરાં નોર્મલ હોય તો ક્યારેક સુહાગરાતે જ પત્ની ગર્ભધારણ કરી બેસે છે અને ક્યારેક એ જ પતિ-પત્ની એક-દોઢ વર્ષ સુધી પણ એ બાળકમાં નિષ્ફળ જાય છે.

ટૂંકમાં આખા મહિનામાં તમે દસ દિવસ સંબંધ બાંધશો તો પણ પ્રેગ્નન્સી ન રહે તેવું બને અને જો એક ચોક્કસ દિવસે માત્ર એક જ વાર સંબંધ બાંધવાથી પણ ગર્ભધારણ થઇ જાય એવું બને. કોઇ પણ કારણસર એક મહિનામાં સફળતા ન મળે તો બીજા મહિને કોશિશ કરવી જોઇએ. કુદરતી પ્રયત્નો પછી જો એક વર્ષ સુધી પ્રેગ્નન્સી ન રહે તો વંધ્યત્વની સારવાર કરાવવી જોઇએ.

Leave a Reply

Your email address will not be published.