માસિક આવવાના 1 અઠવાડિયા પેહલા મારુ શરીર ખુબ ભારે ભારે થઇ જાય છે,તો શું આ કોઈ બીમારીના લક્ષણ હશે ???

GUJARAT

પ્રશ્ન : મારી ગાયનેકોલોજિસ્ટે મારી બાર વર્ષની દીકરીને એચપીવી રસી મૂકાવવાની સલાહ આપી છે. શું આ રસી મૂકાવવાની જરૂરી છે અને એનાથી મારી દીકરીને ફાયદો થશે ખરો? એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : મહિલાઓને થતું સર્વિકલ કેન્સર (ગર્ભાશયનું કેન્સર) મુખ્યત્વે હ્યુમન પેપિલ્લોમા વાયરસ (એચપીવી) ઇન્ફેક્શનથી થાય છે. ભારતીય મહિલાઓમાં આ પ્રકારનું કેન્સર સૌથી વધુ થાય છે અને દુનિયાભરની મહિલાઓમાં કુલ કેન્સરમાં બીજું સૌથી વધારે જોવા મળતું કેન્સર છે. સર્વિકલ કેન્સરને અટકાવવા માટે કેટલીક પદ્ધતિઓ હોવા છતાં રસી દ્વારા નિવારણ સૌથી વધુ અસરકારક વિકલ્પ બન્યો છે.

સર્વિકલ કેન્સર એવા પ્રકારનું કેન્સર છે, જે સર્વિક્સ એટલે કે ગર્ભાશયનાં નીચેનાં ભાગનાં કોષોમાં થાય છે. એચપીવી રસી આ રોગ સામે રક્ષણ આપે છે. આ રસી સામાન્ય રીતે નવથી ચૌદ વર્ષની વય દરમિયાન અને જો ત્યારે શક્ય ન બને તો જાતીય જીવનની શરૂઆત પહેલાં આપવામાં આવે છે. સંશોધન પછી જાણવા મળ્યું છે કે આ રસી ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે અસરકારક છે. આ એ સમય દરમિયાન રોગપ્રતિકારક ક્ષમતામાં કોઈ ઘટાડો દર્શાવતી નથી.

આ સુરક્ષાકવચ લાંબો સમય પણ જળવાઈ રહે એ એવું બની શકે છે. જોકે આ વિશે કોઇ સત્તાવાર તારણ જાહેર નથી થયું. એચપીવી ભાગ્યે જ કોઈ આડઅસરો ધરાવે છે અને સંપૂર્ણપણે જોઈએ તો સામાન્ય રીતે આ અસરો હળવી હોય છે. એચપીવી રસી કોઈ પણ સમયે લઈ શકાશે. આ રસી લેવાનો અર્થ એ નથી કે, મહિલાઓ પેપ પરીક્ષણ ન કરાવે તો ચાલે. આ નિયમિતપણે સર્વિકલ કેન્સર માટે ફરજિયાત પરીક્ષણ છે. સર્વિકલ કેન્સરનું વહેલાસર નિદાન એની અસરકારક સારવારની ચાવી છે. પ્રાથમિક તબક્કામાં સર્વિકલ કેન્સરનું નિદાન કરવા વ્યક્તિએ 21 વર્ષની વયથી અથવા જાતિય સંબંધો બાંધવાનાં શરૂઆતનાં ત્રણ વર્ષની અંદર પેપ ટેસ્ટ નિયમિતપણે કરાવવા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જ્યાં સુધી તમારી દીકરીને રસી આપવાના નિર્ણયની વાત છે તો ડોક્ટરની સલાહ યોગ્ય છે અને એ મુજબ જ નિર્ણય લેવો જોઇએ.

પ્રશ્ન : હું 25 વર્ષની યુવતી છું. મને આમ તો કોઇ સમસ્યા નથી પણ માસિકના અઠવાડિયા પહેલાં મને એમ લાગે છે કે મારું શરીર બહુ ભારે થઇ ગયું છે. મને કોઇ મોટી બીમારી તો નહીં હોય ને? એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : માસિક આવતાં પહેલાં સ્ત્રીને શરીરમાં થતાં પરિવર્તનો પરેશાન કરતાં હોય છે. આને પ્રીમેન્સ્ટ્રુઅલ સીન્ડ્રોમ (PMS) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શરીરનું વજન વધી ગયેલું લાગે છે અને સ્વભાવ પણ ચીડિયો થઇ જાય છે. પ્રીમેન્ટ્રુઅલ ફેરફાર થવાને કારણે શરીરમાં પાણીનો ભરાવો થયેલો રહે છે. માસિકના એકાદ અઠવાડિયાં પહેલાંથી જ શરીર ભારે લાગવા માંડે છે. આનું કારણ શરીરમાં થતા હોર્મોન્સના ફેરફાર છે. શરીરમાં અમુક પ્રકારના વિટામિનની ખામી અથવા ઊણપ હોય તો પણ વધુ તકલીફ પડતી હોય છે.

જો વધારે પડતું મીઠું ખાવાની ટેવ હોય તો પણ પીએમએસના લક્ષણો વધુ જોવા મળતાં હોય છે. રોજિંદી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને પણ આ સમસ્યાને નિયંત્રણમાં રાખી શકાય છે. આ સંજોગોમાં જે પ્રમાણે સમય મળે તે પ્રમાણે કસરત કરવાની શરૂ કરી શકાય છે. યોગ અથવા એરોબિક્સ પણ કરી શકાય છે. રોજિંદા ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું કરવાથી પીએમએસની સમસ્યા અને ખાસ કરીને વોટર રીટેન્શન ઓછું રહે છે.રોટલી, ભાખરી, ભાત વગેરેમાં મીઠું નાખવું નહીં. માસિકના અઠવાડિયાં પહેલાં રોજના બેથી ત્રણ ફળ ખાવ. આહારમાં બને એટલા જાડા લોટનો ઉપયોગ કરો. દિવસમાં દસ-બાર ગ્લાસ પાણી પીઓ. તળેલા, ગળ્યા અને જંકફૂડથી દૂર રહો. આટલું કરવાથી તમારી સમસ્યા હળવી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *