પ્રશ્ન : હું એક વર્કિંગ વુમન છું. હું સતત વ્યસ્ત રહું છું. મારા પતિ મારી સ્થિતિ સમજે છે અને આ કારણે મને ઘરકામમાં હંમેશા મદદ કરે છે. અત્યાર સુધી એકલા હતા ત્યાં સુધી કોઇ ખાસ સમસ્યા નહોતી પણ મારા સસરાના અવસાન પછી મારા સાસુ અમારી સાથે રહેવા આવ્યા છે અને તેમને મારા પતિ મને ઘરકામમાં મદદ કરે એ બિલકુલ નથી ગમતું. તેમની આવી માનસિકતાને કારણે અમારા ઘરમાં વાતાવરણ તંગ રહે છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન કરવા માટે મારે શું કરવું જોઇએ? એક મહિલા (રાજકોટ)
ઉત્તર : પુરુષોનું કામ પૈસા કમાવી લાવવાનું અને સ્ત્રીઓનું કામ ઘર ચલાવવાનું. આવી બીબાંઢાળ માનસિકતામાંથી આજનો પુરુષ બહાર આવી ગયો છે. પત્ની વર્કિંગ હોય કે ન હોય, ઘરનાં કેટલાંક કામોની જવાબદારી પુરુષો હોંશે-હોંશે ઉપાડી લે છે. ઘરનાં કામોમાં મદદ કરવાથી પરિવાર સાથે વધુ સારું તાદાત્મ્ય કેળવી શકે છે. સમય જેમ-જેમ આગળ વધે છે તેમ-તેમ સમાજ અને લોકોના વિચારોમાં ફરક આવે છે.
આનું મોટું ઉદાહરણ એટલે પરિવારમાં પુરુષની ભૂમિકા. આજથી આશરે 70-80 વર્ષ પહેલાં પુરુષોની જવાબદારી ઘરમાં કમાયેલા પૈસા આપવા સુધી જ સીમિત હતી, પણ હવે આ આખી સમાજ-વ્યવસ્થા બદલાઈ ગઈ છે. પહેલાં ઘરની સ્ત્રીઓ એક ગૃહિણી તરીકે માત્ર ઘરનાં કામકાજ સંભાળતી હતી, પણ હવે જેટલી ફ્રીડમથી વ્યવસાયિક ક્ષેત્રે અને બહારનાં કામોમાં પાવરધી થવા લાગી છે એટલી જ મુક્તતાથી પુરુષોએ પણ ઘરનાં કામોને પોતાની જવાબદારી ગણીને સ્વીકારી લીધાં છે.
જોકે પરિવારના વડીલો માટે આ ફેરફારનો સ્વીકાર જ્યારે થોડો મુશ્કેલ બને છે ત્યારે આ સ્થિતિ ઉભી થાય છે. તમે અને તમારા પતિ મળીને તમારા સાસુને સમજાવી શકો છો કે ઘરની સ્ત્રીનું આ બધે પહોંચી વળવું ઘણી વાર સમયના દૃષ્ટિકોણથી અઘરું હોય છે તેથી આજની ફાસ્ટ લાઇફમાં પુરુષનું ઘરની સ્ત્રી સાથે ઊભા રહી કામ કરાવવું એ સમયની માગ છે. તમે તમારા સાસુને સમજાવામાં તમારા પતિની મદદ પણ લઇ શકો છો. બની શકે કે માતા તરીકે સાસુ તમારા પતિની વાતને વધારે સારી રીતે અને હકારાત્મક લાગણીથી સમજી શકે. જો તમારા પતિ ઘરમાં કામ કરાવે છે તો તમે પણ તમારા પતિને ઘરનો આર્થિક બોજ ઉઠાવવાામાં મદદ કરો છો એ હકીકત તમારા સાસુ સમજી જશે તેમની માનસિકતા ચોક્કસ બદલાશે.
પ્રશ્ન : હું એક યુવક સાથે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં છું. હવે મારો બોયફ્રેન્ડ લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો છે. મારી પારિવારિક સ્થિતી અને જવાબદારી એટલી બધી છે કે હું બીજા બેથી ત્રણ વર્ષ સુધી લગ્ન કરી શકું એમ નથી. આ સંજોગોમાં મારો બોયફ્રેન્ડ મારી પરિસ્થિતિ સમજવાને બદલે મને ધમકી આપી રહ્યો છે કે જો હું આવનારા બેથી ત્રણ ‘શુભ’ મહિનાઓમાં લગ્ન નહીં કરું તો તે મારી સાથે બ્રેકઅપ કરી લેશે. મારે શું નિર્ણય લેવો જોઇએ? એક યુવતી (સુરત)
ઉત્તર : તમારી સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી થઇ ગઈ છે. આ સ્થિતિમાં યોગ્ય નિર્ણય લેતા પહેલાં શાંતિથી તમારી જવાબદારીઓનું અને પ્રાથમિકતાઓનું મૂલ્યાંકન કરો. તમારી પાસે બે વિકલ્પ છે. એક વિકલ્પ બોયફ્રેન્ડ સાથે લગ્ન છે અને બીજો વિકલ્પ પારિવારિક જવાબદારી નિભાવવાનો છે. તમે લાંબા સમયથી એક રિલેશનશિપમાં હો એટલે તમને આ મામલે ગંભીર હો એ સ્વાભાવિક છે.
હકીકતમાં આદર્શ પરિસ્થિતિ એ છે કે તમારો બોયફ્રેન્ડ સારી રીતે તમારી જવાબદારીઓ સમજે અને તમારા પર લગ્નનું કોઇ પણ દબાણ કરવાને બદલે તમારી જવાબદારી નિભાવવામાં તમારો સાથ આપે. તમે મોકળા મનથી આ વાતની તમારા બોયફ્રેન્ડ સાથે ચર્ચા કરો. આ સિવાય જો તમારે લગ્ન કરવા જ પડે એમ હોય તો લગ્ન પછી પણ તમે પારિવારિક જવાબદારીઓ નિભાવી શકો છો.
જો તમે લગ્ન પછી પણ પિયરપક્ષની પારિવારિક જવાબદારી નિભાવવા ઇચ્છતા હો તો આ વાતની તમારા બોયફ્રેન્ડ અને તેના પરિવાર સાથે ખાસ સ્પષ્ટતા કરી લો જેથી લગ્ન પછી કોઇ સમસ્યા ઉભી ન થાય. આ તમામ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી આખરે જે સ્થિતિનું નિર્માણ થાય એમાં લાંબા ગાળાનો વિચાર કરીને બહુ સમજી વિચારીને નિર્ણય લો કારણ કે આ એક નિર્ણય તમારું આખું જીવન બદલી શકે છે.