વંદન ગભરાટમાં ધૂ્રજતો હતો, ”આંટી, તમેં મારી પર વિશ્વાસ નહીં કરો. તમે મારા પર દહેજ માંગવાના, તેની હત્યા કરવાના. તેને ત્રાસ આપવાના આરોપ મૂકી જેલ ભેગો કરશો. મારા પર કેસ ચલાવશો.”
વંદનનાં પહેરેલાં કપડાંની બગડેલી હાલત અને વિખરાયેલા વાળ જોઇને સ્પષ્ટ દેખાતું હતું કેમ તે જબરી પરેશાનીમાં હતો.
”આવ, પહેલાં તું કશું ખાઇ પી લે. પછી બેસીને શાંતિથી વાત કરીશું,” આમ કહીં મેં જોરથી દરવાજો ખખડાવ્યો.
સોનલ દરવાજા પાછળ ઊભી હતી. દરવાજો ખોલી તે એકબાજુ ઊભી રહી ગઇ.
”પતિ સાથે શું આવું વર્તન કરાય? ઝટપટ ચા-નાસ્તો બનાવી લાવ.” મેં કહ્યું.
વંદનથી નાસ્તો નહોતો કરી શકાતો. તે કહે, ”આંટી, મારા ઘરનાં લોકો ખૂબ જ પરેશાન છે. મમ્મી પપ્પા પણ સાથે આવવાનાં હતાં.” તેનો સ્વર રુંધાઇ ગયો.
”સોનલ,” મેં દીકરી તરફ નજર કરી કહ્યું,
”તું પણ કંઇક બોલ.”
”મમ્મી, મેં તો તને બધું કહ્યું જ છે.”
”શું?”
”મેં આનાથી બધો સંબંધ તોડી કાઢ્યો છે.”
”સાત ફેરાના સંબંધ આટલા સહેલાઇથી નથી તોડી શકાતા.”
”મમ્મી, તું નકામો ઉપદેશ શા માટે આપે છે? આ બધી કહેવાની વાત છે. હકીકતમાં સંબંધ સૂતરના કાચા તાંતણા જેવા હોય છે. જરા અમથો ઝાટકો લાગતાં તૂટી જાય છે.”
દીકરીની વાતમાં કટાક્ષ સંભળાયો. વંદન સામે મારી ગરદન શરમથી ઝૂકી ગઇ. તે વિચારતો હશે. ‘માં એવી દીકરી.’ જ્યારે મા પતિને નિભાવી ન શકી તો દીકરી કેવી રીતે નિભાવશે.
”આંટી, મેં તમાચો માર્યોં છે, ભૂલ કરી છે અને ભૂલની માફી માગવા તૈયાર છું, પરંતુ જે પરિસ્થિતિમાં એ ઝઘડો થયો ત્યારે મારી જગાએ તમે હોત તો પણ તમે એમ જ કરત.” વંદન ગુસ્સામાં બોલ્યો, ”હું ફરના કોટનો વિરોધી નથી. પરંતુ મારે ઘરનાં બીજા લોકો માટે પણ ભેટ લાવવાની હતી. ત્રણ હજારનો કોટ ખરીદી લઉં તો બીજા ખર્ચ ક્યાંથી પૂરા કરી શકું. હું વધુ પૈસા લઇને તો ગયો નહોતો. કોટ તો હું તેને અહીં પણ અપાવી શકું છું. સોનલે હોટલના રૂમમાં જે ધમાલ કરી તેનાથી મને ગુસ્સો ચડયો અને મેં તેને તમાચોં માર્યો. આ ભૂલની હું માફી માગી ચૂક્યો છું.”
”સોનલ, ભૂલ તારી પણ છે. તે ઝઘડો વધાર્યોં હતો શા માટે? વંદનની આર્થિક મુશ્કેલી તારે સમજવી જોઇતી હતી.”
હું પુત્રી-જમાઇ વચ્ચે જજ બની ગઇ હતી.
”મમ્મી, તું પણ તેનો પક્ષ લેવા લાગી.” સોનલ ગુસ્સામાં બોલી, ”એને કહી દો અહીંથી ચાલ્યો જાય. હું તેની સાથે જવાની નથી.”
દીકરીની હઠ જોઇ મને ગુસ્સો આવ્યો. વંદન સામે મારું અપમાન હું સહન ન કરી શકી. સોનલ પર મારો હાથ ઉપડી ગયો.
સોનલ થોડીવાર સુધી તેના ગાલ પંપાળતી રહી પછી બોલી, ”મમ્મી, તે મને મારી….”
”હા, અને હજુ તું નહીં માને તો વધુ મારીશ. કારણ કે હું મા છું અને કોઇપણ મા પોતાની દીકરી ખોટો નિર્ણય લે તે જોઇ શકતી નથી. તારે વંદન સાથે જવું જ પડશે, અત્યારે જ….. ” સોનલ. મને એકીટશે તાકતી રહી. અને પછી ચૂપચાપ બેગ ઉઠાવી મારી સાથે બોલ્યા ચાલ્યા વિના વંદન સાથે ઘર બહાર નીકળી ગઇ.
મેં દરવાજો બંધ કર્યોં અને લગભગ ફસડાઇ પડી. કાશ, મારી મા. એ પણ મારી સાથે આમ જ કર્યું હોત. અને પતિ સાથે જવા માટે મજબૂર કરી હોત તો આજે હું મારી જાતને એકલી ન અનુભવત.
અચાનક ફોન રણકી ઊઠયો. મેં રિસીવર ઉઠાવ્યું તો ઋષભનો અવાજ સંભળાયો. ”દીકરીના લગ્ન કર્યા અને મને બોલાવ્યો પણ નહીં?”
ઋષભના સ્વરમાં નરી વેદના હતી. જેમાં એક બાપના દિલનું દર્દ ભળ્યું હતું. સોનલને બેહદ ચાહતા હતા. તેને છુપાઇને જોઇ પણ આવતા.
”ઋષભ, મારાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ. મારે તમને જરૂર બોલાવવા જોઇતા હતા. મારાથી અસંખ્ય ભૂલો થઇ છે, પરંતુ ફરી ભૂલ કરવામાંથી બચી ગઇ છું. મેં વંદન અને સોનલને ભેગા કરીને એક સારું કામ કર્યું છે.”
ઋષભ કશું સમજી શક્યો કે નહીં તેની ખબર નહીં પરંતુ કહે, ”મારો ધંધો ઘણો સારો ચાલે છે. એક મોટું મકાન ખાલી પડેલ છે. તું અહીં આવીને રહે તો કેવું? મારા પૈસા પર તારો પણ હક છે જ.”
”ના, હું અહીં બરાબર છું. હું નથી ઇચ્છતી કે તારી બીજી પત્ની, બાળકો મારા કારણે તારા વિરોધી બની જાય, પરંતુ મને તારી મિત્રતાનો પ્રસ્તાવ સ્વીકાર્ય છે. તું જ્યારે ઇચ્છે ત્યારે મારી પાસે આવી થોડા દિવસ રહી શકે છે.” આ શબ્દો સાથે મારા પરનો કંઇ કેટલાંય વર્ષોનો ભાર ઊતરી ગયો.