પ્રશ્ન : મેં મારા પ્રેમી સાથે અનેક વાર સાથ માણ્યો છે. એનું કહેવું છે કે આપણા લગ્ન થવાના હોવાથી મારે ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ મને ડર લાગે છે કે જો કંઇ અજુગતું બન્યું તો? મારે એને કેવી રીતે સમજાવવો? એક યુવતી (રાજપીપળા)
ઉત્તર : પહેલી વાત તો એ કે આમાં માત્ર તમારો પ્રેમી જ નહીં, તમારો પણ દોષ છે કેમ કે આપણે ત્યાં લગ્ન પહેલાં શારીરિક સંબંધ માણવાનું ઉચિત મનાતું નથી, ત્યારે તમે તો એની સાથે અનેક વાર સંબંધ માણ્યો છે. જો એ એમ કહેતો હોય કે તમારાં બંનેના લગ્ન થવાના હોવાથી સાથ માણવામાં કંઇ વાંધો નથી અને તમે એની વાત માની લેતાં હો તો બીજું કંઇ કહેવા-કરવાનું રહેતું જ નથી.
તમને ચિંતા થાય એ સમજી શકાય એમ છે કે કંઇ અજુગતું બન્યું તો સ્વાભાવિક રીતે જ દુનિયા અને ઘરના લોકો તમારો જ વાંક કાઢવાના. તમે એને સમજાવો અને પહેલાં લગ્ન કરી લેવા માટે તૈયાર કરો.
તમારું ભવિષ્ય તમારા વર્તમાન પર આધારિત છે. તમે જે કંઇ પણ કરો છો એની અસર ચોક્કસપણે તમારા આવનારા ભવિષ્ય પર પડે છે. તમે એક પણ વાર વિચાર્યું છે કે જો તમારો પ્રેમી તમારી સાથે લગ્ન કરવાની ના પાડી દેશેે તો તમે શું કરશો? તમારે વાસ્તવિકતાની જમીન પર રહીને મક્કમ નિર્ણય લેવાની જરૂર છે.
પ્રશ્ન : હું સંયુક્ત પરિવારમાં રહું છું. મારા એક વર્ષ પહેલાં જ લગ્ન થયાં છે. મારી સમસ્યા એ છે કે મારું ઘર બહુ નાનું છે જેના કારણે મને મારી પત્ની સાથે શાંતિથી એકાંત માણવા નથી મળતું. મારા ઘરના લોકો મારી સમસ્યા જ નથી સમજતા અને આ વાતની અસર અમારા અંગત જીવન પર પડી રહી છે. માત્ર આ કારણોસર હું અલગ રહેવા જવા નથી ઇચ્છતો. મારે શું કરવું જોઇએ? એક યુવક (અમદાવાદ)
ઉત્તર : સંયુક્ત પરિવારમાં કેટલીક વાર એકાંત માણવા ન મળે એ બનવાજોગ છે. આવા સંજોગોમાં તમારે બંનેએ એકાંત માણવા માટે સમજદારી દાખવવાની જરૂર છે. એના માટે જુદા રહેવા જવાની જરૂર નથી. તમે સંયુક્ત પરિવારમાં રહો છો એ વાત સાચી પણ તમારું પણ અંગત જીવન છે.
તમે પત્નીને સમજાવો અને જ્યારે અનુકૂળતા હોય ત્યારે તમે સમજીને એકાંત માણશો અને પત્નીને ઇચ્છા થાય ત્યારે એને યોગ્ય પ્રતિભાવ આપશો તો પત્ની નારાજ નહીં થાય કે અલગ રહેવા જવાનો દુરાગ્રહ નહીં રાખે. આ રીતે તમે પરિવાર સાથે રહી શકશો. આ સિવાય તમે સમયાંતરે પત્ની સાથે નાનકડા વેકેશન પર જઇને તેની સાથે અંગત સમય પસાર કરી શકો છો. આ રીતે તમે સંયુક્ત પરિવારમાં રહીને પણ તમારા અંગત જીવન સાથે સંતુલન સાધી શકો છો.