પ્રશ્ન : હું નિયમિત રીતે ઘણા સમયથી એક્સરસાઇઝ કરી રહી છું પણ આમ છતાં મારું વજન ઘટી નથી રહ્યું. આવું કેમ થઇ રહ્યું હશે? એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : ઘણી વાર કસરત કરવા છતાં વજન ઘટતું નથી, પણ ઘણા લોકોને એ ખબર નથી હોતી વજન ઘટાડવા માટે કસરત કરવી જ પૂરતું નથી. તમારી ખાણી-પીણી અને જીવનશૈલીમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. યોગ્ય કસરત પસંદ કરી અને સવારના સમયે કસરત કરો. કસરત કરવા સાથે રોજની આઠ કલાકની પૂરતી ઊંઘ લો. તે સાથે પૂરતા પ્રમાણમાં પાણી પણ પીવાનું રાખો અને ખાવા-પીવામાં પણ ફેરફાર કરો.
ભોજનનો સમય નિશ્ચિત રાખવા સાથે પૂરતો નાસ્તો કરો. જંક ફૂડ વધારે ન ખાવ. વધારે કોલ્ડડ્રિંક્સનાં સેવનથી પણ વજન વધે છે, તેથી તે ઓછા પીઓ. તમારા ખોરાકમાં ફાઇબરયુક્ત ખાદ્યપદાર્થો (ફણગાવેલા કઠોળ, ફ્રૂટ, લીલાં શાકભાજી) વધારે લો. તે સાથે જ તમે ઝડપથી ખાતાં હો તો શરીરનો સંકેત મળતાં પહેલાં તો તમે વધારે કેલેરી લઇ ચૂક્યાં હો છો. આથી ઝડપથી ન ખાવ કેમ કે ઝડપથી ખાનારા લોકોમાં સ્થૂળતાની શક્યતા વધારે રહે છે. ભોજન ધીમેથી અને બરાબર ચાવીને ખાઓ. આનાથી શરીરમાં વજન ઘટાડનારા હોર્મોન્સનો સ્રાવ વધે છે અને તેથી વજન ઘટે છે.
પ્રશ્ન : મારી પત્નીને છેલ્લા ઘણા મહિનાથી માસિક નથી આવ્યું. મને લાગે છે કે એણે ગર્ભધારણ કર્યો છે, પણ એ કહે છે કે એને એવા કોઇ લક્ષણો જણાતા નથી. આ માટે માર્કેટમાં મળતી પ્રેગ્નન્સી કિટનો ઉપયોગ કરીને જાણી ન શકાય? એક યુવક (જામનગર)
ઉત્તર : તમારાં પત્નીને શક્ય છે કે ગર્ભધારણના લક્ષણોનો ખ્યાલ ન આવ્યો હોય. આ મુદ્દે તમારી જે ધારણા છે તે સાચી હોઇ શકે અથવા તો બીજી કોઇ શારીરિક સમસ્યા પણ આ માટે જવાબદાર હોઇ શકે છે. તમે તમારાં પત્નીને કહો કે તેઓ પોતાની રીતે કોઇ પણ નિર્ણય પર આવ્યાં વિના ગાયનેકોલોજિસ્ટને બતાવે અને ગાયનેકોલોજિસ્ટ તેમને માસિક ન આવવા પાછળનું કારણ તેમણે ગર્ભધારણ કર્યો છે કે અન્ય કારણ છે, તે તપાસ કરીને જણાવશે.
તમે કહો છો એ મુજબ પ્રેગ્નન્સી કિટ દ્વારા જાણી શકાય ખરું, પરંતુ તે અંગે અધિકૃત ન કહી શકાય. જો તમારે પરિસ્થિતિ વિશે સાચી માહિતી જોઇતી હોય તો તમારાં પત્નીને ગાયનેકોલોજિસ્ટ પાસે લઇ જાઓ. હકીકતમાં ઘણી વખત વધારે પડતો સ્ટ્રેસ માસિકના હોર્મોન્સને બદલી દે છે. તેના કારણે માસિક અનિયમિત થાય છે. આ સિવાય બર્થ કંટ્રોલ પિલ્સ ખાવાથી પણ માસિકમાં સમસ્યા થાય છે.
ગર્ભ નિરોધક ગોળી શરીરમાં ઈંડા બનવા દેતી નથી અને તેના કારણે માસિકમાં સમસ્યા ઉભી થાય છે. 8થી 9 કલાકની ઊંઘ ન કરવી પણ સ્ટ્રેસના હોર્મોન્સ વધારે છે અને તેનાથી માસિક ધર્મ પ્રભાવિત થાય છે. આ સિવાય જે મહિલાઓમાં રક્તની ખામી હોય છે અથવા તો જેને એનીમિયા હોય છે તેમને પણ માસિકમાં સમસ્યા ઉભી થાય છે.