પ્રશ્ન : મારા દીકરાને ઊંઘમાં ચાલવાની તકલીફ છે. તે રાત્રે એક રૂમમાં સૂતો હોય તો સવારે હોલમાં સૂતેલો જોવા મળે છે. નવાઇની વાત તો એ છે કે તેને પોતાની પણ યાદ નથી હોતું કે તે ક્યારે હોલમાં ચાલીને આવ્યો. આમ તો એ 17 વર્ષનો છે અને એને બીજી કોઇ તકલીફ નથી. જોકે એની આ સમસ્યાને કારણે અમારે રાત્રે ઘરમાં અંદરથી લોક મારવું પડે છે. તેને આવું શું કામ થતું હશે? એક મહિલા (સુરત)
ઉત્તર : ઊંઘમાં ચાલવાની સમસ્યાને સ્લીપવોકિંગ કહેવાય છે. ઘણી ફિલ્મોમાં આ તકલીફ બતાવાઈ છે. એમાં વ્યક્તિ ઊંઘમાં જ બેસવા કે ચાલવા લાગે છે. ઘણી વખત ઊંઘમાં ચાલવાની આદતના કારણે ગંભીર અકસ્માત પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં યોગ્ય સમયે આ બીમારીની સારવાર કરવામાં આવે તો રાહત થઈ શકે છે. લોકો ઘણી વખત ઊંઘમાં ચાલતી વખતે પોતાની જાતને નુકસાન પહોંચાડી દે એવી સ્થિતિમાં પહોંચી જાય છે.
આવી પરિસ્થિતિને સ્લીપ ટેરર તરીકે ઓળખવામાં આવે છે. સ્લીપવોકિંગની પરિસ્થિતિ વણસે ત્યારે એ સ્લીપ ટેરરના તબક્કામાં પહોંચી જાય છે. જો વ્યક્તિ સ્લીપ ટેરરના તબક્કામાં પહોંચી જાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો ઊંઘમાં ચાલવાની તકલીફ હજી પ્રારંભિક તબક્કામાં જ હોય તો કેટલાક પ્રયાસો કરવાથી એમાં રાહત મળે છે. જો આ સમસ્યા સતાવતી હો તો સુવાનો સમય સેટ કરવો અને પૂરતી ઊંઘ લેવાઈ જરૂરી છે.
આ સિવાય ચિંતાથી બચવું જોઈએ. યોગ-મેડિટેશન કરવા સહિતની પ્રવૃત્તિ જીવનશૈલીમાં સામેલ કરવી જોઈએ. દરરોજ કસરત કરવી અને ચાલવું જોઈએ તેમજ જેમ બને તેમ કોફીન હોય તેવા પદાર્થનું ઓછું સેવન કરવું જોઇએ. જો આટલા ઉપાયો કર્યા પછી પરિસ્થિતિમાં સુધારો ન થાય તો નિષ્ણાત ડોક્ટરની સલાહ ચોક્કસપણે લેવી જોઇએ કારણકે આજે તમને ભલે આ સમસ્યા નાની લાગે પણ એનાથી દૂરગામી નુકસાન પણ થઇ શકે છે.
પ્રશ્ન : મારી પત્નીને દરેક કામમાં મારી જ ભૂલ દેખાય છે અને તે નાની નાની વાતમાં રોવા લાગે છે. આના કારણે અમારી વચ્ચે કારણ વગર બહુ ઝઘડા થાય છે. આ સમસ્યાનો ઉકેલ શું છે? એક પુરુષ (સુરત)
ઉત્તર : તમારી પત્નીનાં આવાં વર્તન પાછળ કોઇ નક્કર કારણ ન હોય તો કોઇ માનસિક સ્થિતિ જવાબદાર હોઇ શકે છે. પતિ અને પત્ની બંનેની જવાબદારી અલગ અલગ હોય છે. બંનેનાં સ્ટ્રેસનાં કારણો અલગ અલગ હોય છે. જ્યારે બંને પોતપોતાનો સ્ટ્રેસ મેનેજ કરવાને બદલે એકબીજા પર ઢોળવાનો પ્રયાસ કરે છે ત્યારે કારણ વગર ઝઘડાઓ થાય છે અને માનસિક સમસ્યા ઉભી થાય છે.
પુરુષ આખો દિવસ ટ્રાફિકજામથી લઇને ઓફિસની ટીક ટીકમાંથી ઊંચો આવતો નથી. ઘણી વખત પુરુષોની અકળામણનું સોફ્ટ ટાર્ગેટ માત્ર ઘર સંભાળતી પત્ની જ હોઇ શકે છે. જો પત્ની હંમેશાં પતિનાં આવાં વર્તનનો ભોગ બનતી હોય તો તેની માનસિક પરિસ્થિતિ કથળી શકે છે. તમે પહેલાં તમારું વર્તન તપાસો. તમારું પત્ની સાથેનું વર્તન એવું તો નથી ને કે જેથી પત્નીને તે ઉપેક્ષિતા હોય એવી લાગણી થાય. જો તમારું વર્તન નોર્મલ હોય પણ આમ છતાં તમારી પત્ની આવું વર્તન કરતી હોય તો કોઇ મનોચિકિત્સકની સલાહ લેવી જોઇએ. લગ્નજીવનમાં આવી રીતે વારંવાર કારણ વગર ઝઘડા થતા રહે એ સુખી લગ્નજીવન માટે યોગ્ય નથી.