મારી દીકરી રોજ રાત્રે મોડા આવવા લાગી છે,હું એને પૂછું તો એ મને…..

Uncategorized

પ્રશ્ન : હું 23 વર્ષનો યુવક છું. મારી સમસ્યા એ છે કે હું બહુ જ શરમાળ છું અને મને લોકો સાથે અને ખાસ કરીને છોકરીઓ સાથે સંવાદ સાધવામાં બહુ સમય લાગે છે. મારી આ સ્વભાવગત મર્યાદાને કારણે મને નોકરીના સ્થળે પણ તકલીફ પડે છે. આ કારણે હું મિત્રો પણ નથી બનાવી શક્યો. મારી આ સમસ્યા દૂર કરવા માટે મારે શું કરવું જોઇએ? એક યુવક (સુરત)

ઉત્તર : આ આખી પરિસ્થિતિમાં સૌથી સારી વાત એ છે કે તમે તમારી મર્યાદાથી સારી રીતે માહિતગાર છો. જ્યારે વ્યક્તિ પોતાની મર્યાદાને સારી રીતે સમજતી હોય છે ત્યારે એમાંથી નીકળવાનું કારણ સરળ થઇ જાય છે.

આ સમસ્યા દૂર કરવા તમારે જ પ્રયાસો કરવા પડશે. જો તમે છોકરીઓ સાથે વાત કરવામાં વિશેષ શરમ અને સંકોચ અનુભવતા હો તો એ માટે તમારી માનસિકતા અને કેટલાક અંશે ઉછેર જવાબદાર હોઇ શકે છે.

છોકરો કે છોકરી ટીનએજમાં પ્રવેશ કરે એ પછી ઘણા કિસ્સાઓમાં પેરેન્ટ્સ તેમને વિજાતીય મિત્ર હોય તો ટોકે છે અને વાતચીત કરતા રોકે છે. આના કારણે લાંબા ગાળે મનમાં એક ગ્રંથિ બંધાઇ જાય છે અને યુવાન થયા પછી પણ તેઓ વિજાતીય પાત્ર સાથે સ્વસ્થતાપૂર્વક સંવાદ નથી સાધી શકતા.

જો તમારા મનમાં પણ આવી કોઇ ગ્રંથિ હોય તો દૂર કરો. તમારી સમસ્યાના ઉકેલ માટે કોઈ દવા નથી પણ સ્વભાવમાં બદલાવ કરવાના સતત પ્રયાસો જ એકમાત્ર વિકલ્પ છે. તમે નિયમિત રીતે મિત્રો સાથે વાતચીત કરો. ધીરે ધીરે તમારો સંકોચ દૂર થશે.

પ્રશ્ન : કોલેજમાં ભણતી મારી દીકરી રોજ રાત્રે મોડી ઘરે આવે છે. એને પૂછીએ ત્યારે એ કહે છે કે એની બહેનપણીઓ સાથે હતી. જોકે મને લાગે છે કે એ ખોટું બોલે છે. મારે મારી દીકરીને કેવી રીતે સમજાવવી? એક મહિલા (નવસારી)

ઉત્તર : કોલેજમાં ભણતી યુવતી આમ પુખ્યવયની હોય છે પણ તેને દુનિયાનો પ્રત્યક્ષ અનુભવ નથી હોતો. આ કારણોસર તમને તમારી દીકરીની ચિંતા થાય એ સ્વાભાવિક છે. સામા પક્ષે તમારી વધારે પડતી ઉલટતપાસથી અકળાઇને દીકરી ખોટું બોલવાનું શરૂ કરી શકે છે. આ મામલામાં ગુસ્સે થવાના બદલે કે પછી અકળાઇ જવાના બદલે સમજદારીથી કામ લેવાની જરૂર છે.

સૌથી પહેલાં તો દીકરીની તમામ બહેનપણીઓના ફોનનંબર અને સંપર્કની વિગતો હાથવગી રાખો. તમારી દીકરી રોજ રાત્રે મોડી ઘરે આવે છે અને એ પોતાની બહેનપણીઓની સાથે હોવાનો ખોટો જવાબ આપતી હોય તો એ ચિંતાનો વિષય છે. દીકરી જ્યારે સારા મૂડમાં હોય ત્યારે તેની સાથે આ મુદ્દે સંવાદ સાધો. તમે આ અંગે તમારી દીકરીને પ્રેમથી સમજાવીને પૂછો અને એને જણાવો કે દીકરી મોડી રાત સુધી બહાર રહે તે માતા-પિતા માટે ચિંતાજનક છે.

આ મુદ્દો માત્ર ચિંતાજનક નથી પણ સલામતી માટે પણ ગંભીર છે. તમે દીકરીને દુનિયાના સારા અને નરસા પાસાની માહિતી આપો અને સાથે સાથે તેના પર વિશ્વાસ પણ રાખો. જો તમને તમારી દીકરીની સતત ચિંતા થતી હોય તો તમારી માનસિક શાંતિ માટે એક વાર એની બહેનપણીઓને પણ પૂછી જુઓ પણ એ ખ્યાલ રાખજો કે આ રીતે તમારી દીકરી વિશે પૃચ્છા કરીને એનાં મિત્રવર્તુળમાં એની કે તમારી છાપ ન બગડે.

Leave a Reply

Your email address will not be published.