પ્રશ્ન : મારી વય 54 વર્ષની છે અને મને ઘૂંટણમાં બહુ દુખાવો થાય છે. શું મારા ખોરાક અને જીવનશૈલીમાં ફેરફાર કરીને આ દુખાવો મટાડી શકાય છે કે પછી ઓપરેશન જ કરાવવું જોઇએ? એક મહિલા (અમદાવાદ)
ઉત્તર : ઘૂંટણમાં દુખાવો થવાની સમસ્યા બહુ પીડા આપે છે. તમારા દુખાવાનું કારણ જાણવા માટે કોઇ સારા ડોક્ટરની સલાહ લો. જો સમસ્યા બહુ ગંભીર ન હોય તો ખોરાક અને જીવનશૈલીમાં પરિવર્તન કરવાથી ફાયદો થાય છે. આ સમસ્યાનું કારણ અનિયમિત જીવનશૈલી, જંકફૂડ, મેંદાનું અતિ સેવન, ખોરાકમાં સાકરનું વધુ પ્રમાણ, વધતું વજન, બેઠાડું જીવન વગેરેને ગણી શકાય.
કેટલીકવાર આંબલી કે ખટાશવાળા પદાર્થો વધારે પ્રમાણમાં લેવાથી પણ સાંધાઓમાં દુ:ખાવાની સમસ્યા સર્જાઈ શકે છે. જેમ- જેમ વ્યક્તિની ઉંમર વધતી જાય છે, તેમ તેમ શરીરમાં સ્થૂળતા પણ ઘણી વખત વધતી જતી હોય છે. આ સ્થૂળતાના કારણે સમગ્ર શરીરનું વજન ઘૂંટણ ઉપર આવે છે ને ઘૂંટણમાં ભયંકર દુ:ખાવો ચાલુ થઈ જાય છે.
પરિણામે દર્દીને ઊઠવા બેસવામાં, પલાઠી વાળવામાં તેમજ ચાલવામાં પણ ખૂબ જ પીડા થાય છે. ઘણીવખત હાજત જવાના સમયે પણ દર્દી ઉભડક બેસી શકતો નથી અને ઘૂંટણમાં અસહ્ય દુ:ખાવો થતો જોવા મળે છે. મોટી ઉંમરે સ્ત્રીઓમાં મોનોપોઝના સમય દરમિયાન શરીરમાંથી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ખૂબ ઘટી જવાથી વજન વધવું, પગમાં સોજા આવવા વગેરે જેવી સમસ્યાઓને કારણે પણ ઘૂંટણની સમસ્યા વધી જાય છે.
આ સમસ્યા શરીરમાં વાયુ વધી જવાનાં કારણે થાય છે જેના કારણે દર્દીએ પણ વાયડા આહારનો ત્યાગ કરવો, ચોળા, પાપડી, તુવેર, મઠ, રીંગણ, બટાટા વેગેરે વાયુકર આહાર છે જેથી તેની પરેજી ખૂબ જરૂરી છે. આ સિવાય નિયમિત ફિઝિયોથેરાપીની સારવાર લેવાથી પણ ફાયદો થાય છે.
પ્રશ્ન : મારી બહેન બહુ આઝાદ મિજાજની છે. તેને પ્રી-મેરિટલ જાતીય સંબંધોમાં કંઇ અયોગ્ય નથી લાગતું. શું આ યોગ્ય છે? એક મહિલા (સુરત)
ઉત્તર : પ્રી-મેરિટલ જાતીય સંબંધો એટલે લગ્ન પહેલાના જાતીય સંબંધો. આ આમ તો વ્યક્તિગત પસંદગીની વાત છે પણ એના દૂરગામી પરિણામ આવી શકે છે એક સર્વેમાં જાણવા મળ્યું છે જે લોકો ઓછી ઉંમરમાં લગ્ન વગર જાતીય સંબંધ બાંધે છે, તેમના લગ્નજીવનમાં ટૂંક સમયમાં જ અસંતોષ, વિવાદો, અસુરક્ષા અને ડિવોર્સ જેવી પરિસ્થિતિ ઉભી થાય એવી શક્યતા વધી જાય છે.
લગ્ન પહેલા જાતીય સંબંધ બાંધવામાં અનેક માનસિક સમસ્યા પણ સર્જાય છે. હકીકતમાં એક સંબંધમાં બંધાયા પછી કોઈ બીજી વ્યક્તિ સાથે સંબંધમાં બંધાવું અઘરું છે, કારણ કે બીજા સંબંધમાં તમે જાણતા-અજાણતા પહેલા સંબંધોને શોધતા હો છો. એક સંબંધ તૂટયા બાદ સંબંધો ઉપરથી વિશ્વાસ તૂટી જાય છે. મહિલાઓને તેનો પાર્ટનર તેને છોડીને ન જતો રહે ને? એવી ચિંતા સતાવવા લાગે છે. તમે તમારી બહેનને આ વાત સારી રીતે સ્પષ્ટ શબ્દોમાં સમજાવી શકો છો.