પ્રશ્ન : મારી ઉંમર ચોવીસ વર્ષની છે અને મારી પત્નીની ઉંમર ત્રેવીસ વર્ષની છે. મારા લગ્ન થયા ને હજુ માંડ મહિનો થવા આવ્યો છે. મારો સવાલ એ છે કે અમારે બંનેને બે વર્ષ સુધી બાળક જોઇતું નથી.
કોલમમાં અગાઉ મેં વાંચ્યું છે કે 18 દિવસ પછી સેક્સ કરવાથી ગર્ભ રહેતો નથી. અમે પતિ-પત્નીએ માસિકના 12મા દિવસે સેક્સ માણેલું. જોકે, મને એવું લાગે છે કે મારી પત્નીને ગર્ભ રહી ગયો છે,
કારણ કે તેને પેટમાં સખત દુ:ખાવો થાય છે. મને હવે એ વાતની ચિંતા થઈ રહી છે કે જો મારી પત્નીને ગર્ભ રહી ગયો હોય તો તેને દૂર કરવા માટે શું કરવાનું? શું ડોક્ટર પાસે ગયા વગર જ ગર્ભ પડી જાય તેવી દવા મારી પત્ની લઈ શકે ખરી? પ્લીઝ, અમને આ બાબતે માર્ગદર્શન આપશો?
ઉકેલ : સૌ પ્રથમ તો આપ માસિકની તારીખ સુધી રાહ જુઓ. જો સાતેક દિવસ ઉપર ચઢી ગયા હોય તો પેશાબની તપાસ અચૂક કરાવી લો. આના માટે કોઈપણ મેડિકલની શોપમાં જઈને તમે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટની કિટ માંગો. આશરે 50 રૂપિયાની આસપાસમાં આ કિટ તમને મળી જશે. જો તેમાં પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે તો સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર પાસેથી ચેકઅપ કરાવી લો.
હા, હવે તો એવી દવાઓ ઉપલબ્ધ છે કે જેનાથી શરૂઆતના દિવસનો ગર્ભ દૂર કરી શકાય છે. પરંતુ આ બધી દવા સ્ત્રીરોગ નિષ્ણાતની દેખરેખ નીચે જ લેવી પડે. જો આપ ગર્ભ ના જ ઇચ્છતા હોવ તો તમે નિરોધનો ઉપયોગ કરી શકો છો અને નિરોધ માફક ના આવતો હોય તો ગર્ભનિરોધક ગોળી પણ આપની પત્ની લઇ શકે છે. આ ગોળીઓ નિયમિત લેવાથી સો ટકા અસરકારક નીવડે છે
અને હવે તેની વર્ષો પહેલાં જેવી આડઅસર પણ જોવા નથી મળતી. આ બન્ને પણ જો માફક ના આવે તો ત્રીજો રસ્તો પણ છે અને તે છે સંભોગ પૂર્વે સ્ત્રીના યોનિમાર્ગમાં મૂકવાની દવા. તમારી થોડી સમજફેર થયેલી લાગે છે.
મેં ક્યારેય એમ નથી લખેલું કે માસિકના અઢારમા દિવસ પછી સંબંધ રાખવાથી બાળક નથી રહેતું. મેં લખ્યું છે કે આ દિવસો રિલેટિવલી ગર્ભ ના રહે તેવા દિવસો હોય છે. મતલબ કે માસિકના બારમા દિવસથી સોળમા દિવસમાં જાતીય સંબંધ રાખવાથી બાળક રહેવાની શક્યતાઓ મહિનાના બીજા દિવસો કરતાં ખૂબ વધારે રહેલી હોય છે. જો કોઈને માસિક અનિયમત રહેતું હોય તો તેમનામાં આ નિયમ લાગુ પડતો નથી.