મારે બે છોકરાઓ સાથે ભૂતકાળમાં અફેર હતું, હવે બીજાં સાથે સગાઇમાં એ વિઘ્નો નાખશે તો?

GUJARAT

મને તો તમારી કૉલમ યૌવનની સમસ્યા બહુ જ ગમે છે. તેનો મોટો ફાયદો એ થયો છે કે હું ખુદ મૂંઝાઈ રહું છું ત્યારે તેમાંથી મને આ કૉલમ દ્વારા છુટકારો અપાવશો.

સર, હું એસ.એસ.સી.માં હતી ત્યારથી મને એક બોયફ્રેન્ડ સાથે લવ થઈ ગયો હતો. એ કૉલેજમાં બીજા વર્ષમાં આવી ત્યાં સુધી ચાલ્યો અને પછી એણે મારે બીજા ફ્રેન્ડ્સ હોવાથી શંકાઓ કરતા બ્રેકઅપ થઈ ગયું. એ પછી મને અમારા જ ગ્રૂપના મારા બોયફ્રેન્ડના ફ્રેન્ડ સાથે લવ થઈ ગયો. એ તો બહુ જ વિચિત્ર નીકળ્યો!

એણેે તો મારી સાથે શારીરિક સંબંધ માણવા જ લવ કર્યો હોવાનું એણે મને સ્પષ્ટ કહેતા મેં એની સાથે સંબંધ તોડી નાંખ્યો અને પછી મેં કોઈ અફેરમાં નહીં પડવા નિર્ણય લીધો, પરંતુ થોડા સમયમાં જ મારું ગ્રેજ્યુએશન પૂરું થતાં જ મારા ફેમિલીએ મારા માટે એક છોકરો શોધી કાઢયો છે. એ મને ગમી ગયો છે.

સગાઈ નક્કી થતાં અમે બંને ફરવા ગયાં ત્યારે મને એણે મારે અગાઉ કોઈ અફેર હતું કે કેમ? એવું પૂછતાં મેં ના પાડતા એણે ખુશ થતાં કહ્યું, બહુ સરસ. મને કોઈ અફેરવાળી છોકરીમાં રસ નથી. તેં જો અફેર હતું એમ કહ્યું હોત તો હું સગાઈ તોડી નાખત.

તેની આ વાત સાંભળી મને ખૂબ ડર લાગવા માંડયો છે. મારે તો બબ્બે લવ અફેર હતાં. ક્યાંક એને ખબર પડી જશે તો? એ સગાઈ તોડી નાંખશે તો? મારું શું થશે? મારે શું કરવું એ મને જલદી જણાવવા કૃપા કરશો.

માશા (નામ બદલ્યું છે),

તારો ઈ-મેઈલ વધુ પડતો લાંબો હતો, એટલું જ નહીં તેં એમાં તારા બન્ને એક્સ બોયફ્રેન્ડ્સે તારી સાથે જે શારીરિક હરકતો કરી હતી તેનું ખૂબ જ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. તે વાંચતા તું સામાન્ય સ્પર્શ, આલિંગન વગેરેને પણ સેક્સ માને છે! એવું જણાય છે. તારા ફર્સ્ટ બોયફ્રેન્ડે તો તારા બીજા ફ્રેન્ડ્સ સાથેની ફ્રેન્ડશિપને કારણે શંકાઓ દર્શાવી જેના કારણે તમારું બ્રેકઅપ થયું તે તારા માટે બહુ સારું થયું!

બાકી શંકા-કુશંકાઓ સાથે લગ્નજીવન આગળ વધી શકત નહીં. એ તૂટી જ જાત એટલે તે પહેલાં જ જે થયું તે સારું થયું. કહી શકાય તારો બીજો બોયફ્રેન્ડ તો સાવ વિચિત્ર નીકળ્યો. એણે તો સીધી જ વાત કરી કે એને તો તારી સાથે શારીરિક સંબંધ માણવામાં જ રસ છે ! સારું થયું કે પહેલેથી જ ખબર પડી ગઈ!

જોકે તારો નેચર જોતા તું એને સરન્ડર તો ના જ થઈ હોત! પરંતુ હવે આ પરિસ્થિતિમાં તારા મૂળ પ્રશ્ન પર આવીએ તો તું વિચારે છે એમ તારો ફિયાન્સ તો તેની ફિયાન્સીને અગાઉ કોઈ સાથે અફેર હતું તે ચલાવી જ ના લે એવો છે. જ્યારે તારે તો બબ્બે સાથે અફેર હતું, એટલે તને ડર છે કે એને ગમે ત્યાંથી ખબર પડી જાય તો?

એટલું જ નહીં ક્યાંક તારા બન્ને એક્સ બોયફ્રેન્ડમાંથી કોઈ તારા ફિયાન્સને તારી સાથે અફેર હોવાની વાત કહી દે તો? અને ધારો કે તારો બીજો બોયફ્રેન્ડ તારી પાસે આવીને ફિઝિકલ રિલેશન્સ માટે દબાણ કરે અને તું સરન્ડર ન થાય તો તારા ફિયાન્સને તમારા રિલેશન્સ વિશે જણાવી દેવા ધમકી આપે તો?

આ ભયસ્થાન જોતાં તું ડરે એ સ્વાભાવિક છે, પરંતુ તારે જરાય ડરવાની જરૂર નથી. તારો ફર્સ્ટ બોયફ્રેન્ડ આવી બદમાશી કરે એમ નથી. જોકે એ શકી સ્વભાવનો છે એટલે તને તેના પર ભરોસો ન જ હોય, પરંતુ તે એમ કશું જ કરશે નહીં. જ્યારે તારા માટે બીજો એક્સ બોયફ્રેન્ડ માથાનો દુખાવો બની શકે, પરંતુ તે જાણે છે કે જે ગર્લ તેને લવ અફેર વખતે જ સરન્ડર ન થઈ એ હવે તો ન જ થાય!

એને બ્લેકમેઈલ કરવા જતા ખુદ ફસાવાનો ભય તેને લાગશે જ! આમ સીધી રીતે વિચારતા બન્નેમાંથી કોઈ જ તારી સગાઈ તોડવા પ્રયાસ નહીં જ કરે. આમ છતાં માની લઈએ કે બન્ને કે કોઈ એક એવો પ્રયાસ કરે તો તારે તેઓ તારા ફ્રેન્ડ્સ હોવાનો સ્વીકાર કરીને કહેવાનું કે તેઓની નિયત સારી ન હતી એટલે જ તું તેઓ સાથે રિલેશનમાં આગળ વધી ન હતી.

તેં જ તેઓને રિજેક્ટ કર્યા હતા એવું કહી શકે. આમ છતાં તે શંકા કરે અથવા તારી સાથેની સગાઈ તોડવાની વાત કરે તો તું તરત જ તેને તું ના પાડી કહે જે કે આવો શંકાશીલ, નેરો માઈન્ડેડ ફિયાન્સ તને મંજૂર જ નથી. તું જ સામેથી રિલેશન તોડી રહી છે એવું કહેશે એવો જ એ ઢીલો થઈ જશે.

પોતાની ભૂલ સ્વીકારશે અને ધારો કે તેમ ન થાય તો તારે પોતે સગાઈ તૂટે એવી પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર જ રહેવું, પરંતુ હમણાં કે પછી ડરવું તો નહીં જ! એ નહીં તો બીજો યુવક મળી જ રહેશે. તારામાં કોઈ જ ખામી નથી એટલે આવી બધી ચિંતા છોડી દે અને મોજથી રહે.

Leave a Reply

Your email address will not be published.