પ્રશ્ન : હું 27 વર્ષની યુવતી છું અને હાલમાં પ્રેગ્નન્ટ છું. ત્રણ મહિના પછી મારી ડિલિવરી છે. મારી મોટી બહેને પણ બે મહિના પછી દીકરાને જન્મ આપ્યો છે, પણ પ્રસૂતિ પછી તેને પૂરતું ધાવણ ન આવતા ભારે સમસ્યા થઇ હતી. શું મને પણ આવો જ કડવો અનુભવ થશે? પ્રસૂતિ પછી મને સારું ધાવણ આવે એ માટે શું આગોતરા ઉપાય કરવા જોઇએ? એક મહિલા (અમરેલી)
ઉત્તર : પૂરતું ધાવણ આવે તે માટે પ્રસૂતિનાં 4-5 મહિનાથી જ સ્તનની કાળજી રાખવી. ગાયનેકોલોજિસ્ટ પાસેથી સ્તનની ખાસ કરીને નિપલની તપાસ, તેની કાળજી, સાફ કરવાની પદ્ધતિ, હળવા હાથે મસાજ કેવી રીતે કરવો તે જાણી લેવું. આનાથી નિપલ કડક થવી, ચીરા પડવા જેવી શક્યતા ઘટશે. માતાએ આહારમાં દૂધની બનાવટો, લીલાં શાકભાજી, કઠોળ લેવા તેમજ સુપ, છાશ, જ્યૂસ, નાળિયેર પાણી તેમજ દૂધ નિયમિત રીતે પીવું. કુટુંબીજનો ખાસ કરીને માતા અથવા સાસુ, બહેન, પતિનો ઉષ્માપૂર્ણ વ્યવહાર માતાની બધી ચિંતા ઘટાડી દેશે.
તેઓ માટે આ છ મહિના માતાને શ્રેષ્ઠ સહકાર આપવાનો ઉત્તમ મોકો છે. આ સિવાય પ્રસૂતિ પછી બાળકને સતત સાથે રાખવું અને વારંવાર ચૂસાવવું. વધુ ચૂસવાથી દૂધવાહિનીઓ ખૂલશે તેમજ ધાવણ વધારતા અંત:સ્રાવો વધશે. માતાએ પોતે મનથી જ નક્કી કરવું કે મારે પહેલા છ મહિના ફકત ધાવણ આપવું જ છે, તો તેનામાં પૂરતો આત્મવિશ્વાસ આવશે, તો જ તે તેનાં શ્રેષ્ઠ પ્રયત્નો કરી શકશે. મૂંઝવણ હોય તો ડોક્ટરને પૂછી લેવું. અમુક આયુર્વેદિક દવાઓ તેમજ શતાવરીનું સેવન ધાવણ વધારવામાં ફાયદો કરે છે. સારા પરિણામ માટે માતા માટે પૂરતી ઊંઘ પણ જરૂરી છે.
શરૂઆતમાં ઓછું ધાવણ આવે તો પહેલા બે દિવસ દૂધ કે ડબ્બા આપવાની માન્યતા ખોટી છે. ધાવણ આપતી માતાઓએ વ્યસન, મસાલા, ફેમિલી પ્લાનિંગની ગોળીઓ, જંક ફૂડથી દૂર રહેવું. ડીપ બ્રિધિંગ જેવા પ્રાણાયામ અને પ્રસૂતિનાં ત્રણ માસ બાદ મત્સ્યાસન કે સર્વાંગાસન અંત:સ્રાવોનું પ્રમાણ સરખું રાખવામાં મદદરૂપ થાય છે. ગાયનેકની સલાહથી હળવી કસરત પણ કરી શકાય.
પ્રશ્ન : મારા સ્તનની સાઇઝ થોડી નાની છે જેના કારણે મારે શરમ અનુભવવી પડે છે. શું આ સાઇઝ વધારવા માટે કોઇ ઘરગથ્થુ ઉપચાર છે? એક યુવતી (સુરત)
ઉત્તર : બ્રેસ્ટની સાઇઝ કુદરતી હોય છે. એમાં બહુ ફેરફાર કરવાનું તો શક્ય નથી. સર્જરીની મદદથી જ એમાં મોટો ફેરફાર કરી શકાય છે. જોકે એવા કેટલાક ઘરગથ્થુ ઉપચારો છે જે અજમાવીને હકારાત્મક પરિણામ મેળવી શકાય છે. બ્રેસ્ટ સાઇઝ વધારવા માટે તમારે મૂળાને આહારમાં સામેલ કરવા જોઇએ. તેનાથી સ્તનમાં રક્તનો પ્રવાહ વધે છે અને રોજ મૂળા ખાવાથી બ્રેસ્ટ સાઇઝ વધે છે. આ સિવાય મેથીદાણાનો પ્રયોગ પણ ફાયદો કરે છે. મેથીદાણાને બે કલાક પાણીમાં પલાળી તેને ક્રશ કરી પેસ્ટ તૈયાર કરો. રોજ આ પેસ્ટ તમારા સ્તન પર લગાવો અને 15 મિનિટ બાદ સ્તન સાફ કરી લો.
મેથીદાણામાં ફાઇટોસ્ટેગ્રન્સ હોય છે, જે પ્રોજેસ્ટેરોન અને એસ્ટ્રોજનની માત્રા વધારે છે અને બ્રેસ્ટના આકારને વધારવાનું કામ કરે છે. બ્રેસ્ટ સાઇઝ વધારવા માટે એલોવેરા પણ મદદ કરે છે. એક બાઉલમાં 1 ચમચી એલોવેરા જેલ, ચપટી હળદર અને 1 વિટામિન E કેપ્સ્યૂલ ભેળવીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ હળવા હાથે મસાજ કરી બ્રેસ્ટ પર લગાવો. તેને 10-15 મિનિટ રહેવા દો. ત્યાર બાદ તેને નવશેકા પાણી વડે સાફ કરી લો. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા 2-2 નાની ચમચી એલોવેરા અને વિટામિન E મિક્સ કરી બ્રેસ્ટ પર લગાવો અને 4-5 મિનિટ રાખી ભીના કપડાથી સાફ કરી લો. આ ઉપાયથી ફાયદો થશે. આ સિવાય કેટલીક બ્રેસ્ટ એક્સરસાઇઝ પણ સ્તનની સાઇઝ વધારવામાં મદદ કરી શકે છે. આ એક્સરસાઇઝ નિયમિત રીતે થોડા સમય સુધી કરવાથી ફાયદો થાય છે.