પ્રશ્ન : મારી સગાઇ થઇ ગઇ છે અને લગ્ન આવતા વર્ષે લેવાના નક્કી થયાં છે. મારા ભાવિ પતિ મને મળવા આવે છે અને અમે ઘણી વાર બહાર ફરવા જઇએ છીએ. થોડા સમયથી એ મને હોટલમાં રૂમમાં એકાંતમાં મળવાનો આગ્રહ કરે છે. હું એમને ના કહું તો એ નારાજ થઇ જાય છે. એમને કેવી રીતે સમજાવવા?
એક યુવતી (જામનગર)
ઉત્તર : તમારા ભાવિ પતિ તમને મળવા આવે અને તમે બંને બહાર ફરવા જાઓ તેમાં કંઇ ખોટું નથી. જોકે તમે જે કહો છો કે તમારા પતિ થોડા સમયથી તમને હોટલમાં જવાનું કહે છે તે વિશે વિચારવા જેવું ખરું કેમ કે લગ્ન પહેલાં આના માટે હોટલમાં જવું યોગ્ય નથી.
એ નારાજ થઇ જાય તો તેની ચિંતા ન કરો. તેમને સમજાવો કે આ રીતે લગ્ન પહેલાં મળવાનું યોગ્ય નથી અને છતાં જો એ વધારે આગ્રહ રાખે અને નારાજ રહે તો થોડા સમય માટે બહાર મળવાનું બંધ કરી દો.
પ્રશ્ન : મારી કોલેજનો એક યુવાન મને ખૂબ ગમે છે, પણ એ બીજી યુવતીને પ્રેમ કરે છે. મેં એ યુવતીને અન્ય યુવાનો સાથે ફરતાં જોઇ છે. મેં આ અંગે એ યુવાનને વાત કરી, તો એ માને છે કે હું એનો પ્રેમ મેળવવા માટે ખોટું બોલું છું. મારે શું કરવું?
એક યુવતી (અમદાવાદ)
ઉત્તર : તમે તમને ગમતા યુવાનને દુ:ખ ન થાય એ માટે એને સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ તમારા માટે જો આવી ગેરસમજ ધરાવતો હોય તો પછી એ તમારા પ્રેમ કે લાગણીને યોગ્ય નથી એમ માની લો.
કોઇ પણ યુવતી જાણીજોઇને અન્ય યુવતીની બદનામી ન કરે અથવા પોતાનો પ્રેમ મેળવવા માટે આવી કોઇ ખોટી વાત ન કહે. જો એ ન માનતો હોય તો પછી એને કહેવાનો કે સમજાવવાનો પ્રયત્ન ન કરશો.