સવાલ : હું 28 વર્ષનો યુવક છું. મારા ટૂંક સમયમાં લગ્ન થવાનાં છે. હું લગ્ન પછી ફેમિલી પ્લાન કરવા ઇચ્છું છું અને બીજા ચારથી પાંચ વર્ષ સુધી પિતા બનવા નથી ઇચ્છતો. હું આ પ્લાનિંગ માટે કોન્ડોમનો ઉપયોગ કરવા ઇચ્છું છું પણ મારા મિત્રો એવુ ન કરવાની સલાહ આપી રહ્યાં છે. મને દરેક મિત્ર કોન્ડોમ વિશે એકબીજાથી વિરોધાભાસી વાતો કરી રહ્યાં છે. શું કોન્ડોમનો ઉપયોગ યોગ્ય છે? એક પુરુષ (અમદાવાદ)
જવાબ : તમારી સમસ્યાનું કારણ સામાજિક માનસિકતા છે. હકીકતમાં આજે પણ સમાજમાં સુરક્ષિત જાતીય સંબંધો વિશે ચર્ચા કરવામાં નથી આવતી જેના કારણે લગ્ન વખતે યુવકો અને યુવતીઓનાં મનમાં અનેક સવાલો હોય છે જેની સ્પષ્ટતા બહુ જરૂરી છે. કોન્ડોમ વિશે પણ અનેક ભ્રામક માન્યતા ફેલાયેલી છે જેની સ્પષ્ટતા જરૂરી છે. માન્યતા – એકસાથે બે કોન્ડોમનો ઉપયોગ વધારે સુરક્ષા આપે છે.
હકીકત – આ ખોટી માન્યતા છે. એકસાથે બે કોન્ડોમનો ઉપયોગ કરવાથી વધારે સુરક્ષા તો નહીં મળે પણ એ અસુવિધાજનક સાબિત થશે. એક સમયે એક કોન્ડોમનો ઉપયોગ જ યોગ્ય છે. માન્યતા – જો મારી પાર્ટનર કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હોય તો કોન્ડોમનો ઉપયોગ જરૂરી નથી. હકીકત – કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વણજોઇતા ગર્ભ સામે સુરક્ષા આપે છે પણ યૌનરોગો સામે નહીં.
સુરક્ષિત યૌન સંબંધો માટે કોન્ડોમનો ઉપયોગ જરૂરી છે. માન્યતા – કોન્ડોમના ઉપયોગથી જાતીય સુખની તીવ્રતા ઓછી થઇ જાય છે. હકીકત – આ એક ભ્રમણા છે. આવું નથી થતું. હાલમાં માર્કેટમાં કોન્ડોમના અલગ અલગ વિકલ્પ ઉપલબ્ધ છે અને તમે પસંદગીના વિકલ્પની પસંદગી કરી શકો છો. માન્યતા – કોન્ડોમ સહેલાઇથી ફાટી જાય છે. હકીકત – જો એનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો એવું નથી થતું. માન્યતા – કોન્ડોમની એક્સપાયરી ડેટ નથી હોતી. હકીકત – આ વાત ખોટી છે. કોન્ડોમની એક્સપાયરી ડેટ હોય છે એટલે એનો ઉપયોગ કરતી વખતે એક્સપાયરી ડેટ ખાસ ચકાસી લો. એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય એવા કોન્ડોમના વપરાશથી બળતરા કે ખંજવાળ જેવી સમસ્યા થઇ શકે છે.
સવાલ : હું 30 વર્ષની પરિણીત મહિલા છું. મારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે પણ હજી સંતાન નથી. મારા પતિ ટુરિંગ જોબમાં છે અને તેઓ મહિનામાં પંદર દિવસ બહારગામ હોય છે. મારી સમસ્યા એ છે કે હું મારા યોગ ટ્રેઇનર પ્રત્યે આકર્ષણ અનુભવું છું અને મને તેની સાથે સમય પસાર કરવો બહુ ગમે છે. અમે હજી લક્ષ્મણરેખા નથી ઓળંગી પણ અમે બંને સતત એકબીજાને મળવાનાં બહાનાં શોધતાં રહીએ છીએ. જોકે, હવે મને એ વાતનો ડર લાગી રહ્યો છે કે મારા પતિને અમારા સંબંધો પર શંકા થઈ તો હું શું કરીશ? એક મહિલા (અમદાવાદ)
જવાબ : તમારા લગ્નને સાત વર્ષ થઇ ગયા છે પણ હજી આ સ્થિતિ છે એ પરથી કહી શકાય છે આટલા સમય પછી પણ પતિ-પત્ની તરીકે તમારા સંબંધ હજી નક્કર નથી અને આ વાતનો સંતાન સાથે કોઇ સંબંધ નથી. હકીકતમાં સારા સંબંધોની એક ખાસિયત એ છે કે તમે જ્યારે કોઈ યોગ્ય વ્યક્તિ સાથે રિલેશનમાં હો ત્યારે બીજા કોઈ પ્રત્યે તમને આકર્ષણ નથી થતું. જોકે માનવમન થોડું અવળચંડુ છે. એવું નથી કે જીવનમાં લાઈફ પાર્ટનર સિવાય બીજા કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણનો અનુભવ થાય તો તમારા ચરિત્રતમાં સમસ્યા છે.
હકીકતમાં આકર્ષણ થવું એ કોઈ અજુગતી વાત નથી પણ મહત્ત્વનું એ છે કે તમે આ આકર્ષણને તમે કેવી લો છો. કોઈના પ્રત્યે લાગણી થતી હોય તો તેને છૂપાવવી મુશ્કેલ છેએવું ના વિચારશો કે બીજા કોઈ પ્રત્યે આકર્ષણ હોવાનો અર્થ એ છે કે તમને હવે તમારા લાઈફ પાર્ટનરમાં રસ નથી રહ્યો. તમારે એ સમજવાની જરુર છે કે તમે તમારા યોગ ટ્રેઇનરની નજીક હો ત્યારે તમને એક અલગ જ અહેસાસ કેમ થાય છે?
જ્યારે તમારા ઘરમાં બધું બરાબર ના હોય ત્યારે તેનો ફાયદો કોઈ બહારનો ના ઉઠાવી જાય તે પણ તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે તમે તે વ્યક્તિમાં જે કંઈ પણ જોઈ રહ્યા છો તે તેના વ્યક્તિત્વની એક બાજુ છે, તેની બીજી બાજુ તો તમે હજુ જોઈ જ નથી. તમે સાત-સાત વર્ષથી તમારા પતિ સાથે રહો છો એટલે તમે તમારા પતિના મૂડના અને સ્વભાવના દરેક પાસાથી માહિતગાર છો પણ તમે જે વ્યક્તિથી આકર્ષણ અનુભવો છો એનાં સંપૂર્ણ વ્યક્તિત્વથી માહિતગાર નથી. જો પતિ સાથેના તમારા સંબંધો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય અને તમારી વચ્ચે સંવાદની કમી હોય તો તમારે પહેલા તો તેને ઠીક કરવા જોઈએ, જેથી તમારે તે રિલેશનની બહાર બીજું કંઈ વિચારવાની જરૂરિયાત ઉભી ના થાય. આમ, દરેક પગલું માત્ર જોશથી નહીં પણ હોંશથી પણ ઉઠાવવું જોઇએ.