પ્રશ્ન : હું 24 વરસની અપરિણીત યુવતી છું. હું કોલેજમાં ભણું છું. ચાર વર્ષથી હું એક 37 વરસના પુરુષના પ્રેમમાં છું. તે પરિણીત છે અને તેને તેર વર્ષની એક પુત્રી પણ છે. તે મને ઘણો પ્રેમ કરે છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી. મારે તેની સાથે લગ્ન કરવા છે. તેનો પરિવાર હોવાથી તે મારી સાથે ઘણી ઓછી વાત કરે છે. પરંતુ મેં તેને મારો સર્વસ્વ માન્યો છે. યોગ્ય સલાહ આપવા વિનંતી. એક યુવતી (રાજકોટ)
ઉત્તર : તેને પત્ની અને સંતાન હોવાથી આ પુરુષ તેમને છોડીને તમારી સાથે લગ્ન કરે એ શક્ય નથી અને શા માટે તમે કોઈનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો છો? મારી સલાહ માનવાના હો તો આ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકી તમારા જીવનમાં આગળ વધી જાવ.
અને કોઈ યોગ્ય જીવન સાથી શોધી લગ્ન કરી લો. આ સંબંધમાં તમારું કોઈ ભવિષ્ય નથી. તમારા સવાલ પરથી લાગે છે કે તમારી સાથે આગળ સંબંધ વધારવાનો આ પુરુષનો ઇરાદો નથી. આથી લાગણીવેડા છોડીને તમારા ભવિષ્યનો વિચાર કરો
પ્રશ્ન : મારા પતિ કામમાં બહુ વ્યસ્ત રહે છે. તેમની રજાનો અડધો દિવસ તો ફોન પર જ પસાર થાય છે. આની અસર અમારા પારિવારિક જીવન પર પડી રહી છે. હું મારા લગ્નજીવનને કઇ રીતે બચાવી શકું? એક મહિલા (મહેસાણા)
ઉત્તર : જો તમારા પતિ અત્યંત વ્યસ્ત જીવનને કારણે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફ વચ્ચે તાલમેલ ન જાળવી શકતા હોય એના કારણે લગ્નજીવનમાં સમસ્યા ઉભી થઇ શકે છે. આ સંજોગોમાં પત્ની જ સમાજદારી દાખવીને રસ્તો કાઢી શકે છે. આ સંજોગોમાં પતિ પર અકળાવાને બદલે તેના પર વધારે ધ્યાન આપો. નાની મોટી કૌટુંબિક પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે તેમની સલાહ લો.
ક્રમશ: તેમના વર્તનમાં ચોક્કસ બદલાવ આવશે. પતિ જો બહુ વ્યસ્ત હોય તો જ્યારે નવરાશનો સમય હોય ત્યારે તેમની પાસે સમસ્યાઓનું પોટલું ખોલીને બેસી ન બેસો. આ સમયનો ઉપયોગ તમારા વ્યક્તિગત સંબંધોને મજબૂત બનાવવા માટે કરો. આટલું કર્યા પછી તમારી વચ્ચેની સમસ્યાઓ ચોક્કસ ઓછી થશે.