પ્રશ્ન : મને પીરિયડ્સમાં અસહ્ય પેઇન થાય છે. હું મારી મમ્મીને આ ફરિયાદ કરું છું પણ તેઓ ગંભીરતાથી જ નથી લેતા. તેઓ કહે છે કે આ તો નોર્મલ છે. શું આ વાત સાચી છે? એક યુવતી (વડોદરા)
ઉત્તર : માસિક કુદરતી છે અને એ દરમિયાન થોડો દુખાવો થાય છે પણ હદથી વધારે થતી તકલીફ નોર્મલ ગણી શકાતી નથી. આ પ્રકારનો નજીવો દુખાવો માસિકના એક દિવસ પહેલાંથી શરૂ થાય અને એક દિવસ સુધી ચાલે.
જોકે દુખાવો વધુ હોય, અસહ્ય હોય, દવાઓ લેવી પડે એવી હાલત થઈ જાય કે પછી દવાઓ ખાવાથી પણ ખાસ ફાયદો ન જણાય તો આ બધી અવસ્થા નોર્મલ ન ગણી શકાય. માસિક આવે ત્યારે દરેક સ્ત્રી તેનું રોજિંદું કામ કરી શકે એટલી ક્ષમતા ધરાવે એ જ હેલ્ધી ગણાય.
જો એ ન કરી શકતી હોય તો એનો અર્થ એ કે કંઈક બીજી તકલીફ છે. મોટાભાગે આ સમસ્યા માટે હોર્મોન્સની ઊથલપાથલ જવાબદાર હોય છે જેને દૂર કરીને સારું રિઝલ્ટ મળી શકે છે. આ સિવાય શરીરમાં પોષણની કમી હોય તો પણ આ તકલીફ થતી હોય છે. ઘણી વાર સ્ત્રીને એન્ડોમેટ્રિઓસિસની તકલીફ હોય એટલે કે ગર્ભાશયની અંદર રહેલો ટિશ્યુ એની બહાર સુધી આવી જાય છે અને ફેલાતો જાય છે.
આ સિવાય ઓવરીમાં ગાંઠ હોય, ગર્ભાશયમાં ગાંઠ હોય કે સ્ત્રીના ગર્ભાશય સાથે સંકળાયેલા જ્ઞાનતંતુઓ વધુ સંવેદનશીલ હોય તો આ પ્રકારની તકલીફ થઈ શકે છે. આ પ્રોબ્લેમ નાની ઉંમરમાં પણ થઈ જતો હોય છે. આ માટે ડૉક્ટરને મળવું જરૂરી છે. પેઇનથી ભાગવા ગોળીઓ વાપરો એના કરતાં એક વખત ડોક્ટરને મળો.
પ્રશ્ન : મારી સમસ્યા એ છે કે મારા હજી એક મહિના પહેલાં જ લગ્ન થયાં છે. મને એવું લાગે છે કે હું પ્રેગ્નન્ટ થઇ ગઇ છું. હું હમણાં મા બનવા માગતી નથી તો મહેરબાની કરીને ગર્ભ ન રહે માટે જરૂરી દવા કે સલાહ આપશો. એક મહિલા (સુરત)
ઉત્તર : સૌ પ્રથમ આપ મહિનો પુરો થાય તેની રાહ જોવો. અને જો દસ એક દિવસ ઉપર ચઢી ગયા હોય અને પિરિયડ્સમાં ન થાવ તો પેશાબની તપાસ કરાવી લો. જો એમાં પ્રેગ્નન્સી રહેલ હોય તો ડોક્ટરની સલાહ મુજબ દવા લો. આ માટે ડોક્ટરની રૂબરૂ મુલાકાત લેવી જરૂરી છે. અત્યારે કોઇ જ દવા ના લેવી જોઇએ.
ગર્ભ ન રહે તે માટેની દવા સમાગમના 72 કલાકની અંદર લેવાની હોય છે, પણ હવે તે સમય જતો રહ્યો છે. આ દવાને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવ કહેવામાં આવે છે. તેથી અત્યારે આ દવા લેવાથી કોઇ જ ફાયદો થશે નહી. જો તમે હમણાં માતા ન બનવા ઇચ્છતા હો તો ભવિષ્યમાં સમાગમ વખતે તમારા માટે નિરોધનો પ્રયોગ ઉતમ રહેશે. તેનાથી ગર્ભ રહેવાની શક્યતા 99% રહેતી નથી.
સાથે સાથે જાતીય બીમારીઓથી પણ રક્ષણ મળશે. જો આપનાં લગ્ન થઇ ગયા હોય તો આ પતિ પત્ની સાથે મળીને કોઇ એક નિર્ણય પર આવી શકો છે. મારા મત મુજબ આપ ત્રણ કે પાંચ વર્ષ જે સમય માટે આપ મા બનવા નથી માગતા તેટલા સમય મર્યાદાની કોપર-ટી પહેરી શકો છો અથવા તો આપનાં પતિ કોન્ડોમનો પ્રયોગ કરે તો આપ બંને માટે સુરક્ષિત વિકલ્પ છે.