મને પિરિયડમાં અસહ્ય દુખાવો થાય છે ઘરમાં કહું તો પણ કોઈ સાંભળતા નથી,હું શું કરું

GUJARAT

પ્રશ્ન : હું 32 વર્ષનો પુરુષ છું અને છેલ્લા છ મહિનાથી મારા મિત્રની બહેનને ડેટ કરી રહ્યો છું. તેની વય 21 વર્ષ છે. આમ, અમારી વચ્ચે 11 વર્ષ જેટલો તફાવત છે. મારી ગર્લફ્રેન્ડ આમ તો સમજદાર છે પણ મને લાગે છે કે તે વધારે પડતી પઝેસિવ છે.

તેનો એવો આગ્રહ હોય છે કે અમે મિત્રો સાથે હોઇએ તો પણ મારે તેને જ અટેન્શન આપવાનું. ક્યારેક લાગે કે આ બાલિશતા છે તો ક્યારેક લાગે કે ખોટી પઝેસિવનેસ છે જે અત્યારે પણ મને તકલીફ આપે છે તો આગળ જતાં એનું શું? શું મારે આ સંબંધ આગળ વધારવો જોઇએ? એક પુરુષ (અમદાવાદ)

ઉત્તર : તમારી સમસ્યા સમજી શકાય એવી છે. તમારા અને તમારા પાર્ટનરની વય વચ્ચે મોટો તફાવત છે એટલે બંનેનું માનસિક સ્તર અલગ અલગ હોય એ સ્વાભાવિક છે. હવે જ્યારે સંબંધોની શરૂઆતમાં જ જ્યારે પાર્ટનરને ઇર્ષા આવતી હોય તો સમજવું કે હજી તમારા સંબંધમાં ઊંડાણ નથી આવ્યું. પ્રેમ કદી પ્રતિબંધો નથી લાદતો. આપણે માનીએ છીએ કે પઝેસિવનેસ એ પ્રેમનું લક્ષણ છે, પણ દરેક વખતે એવું નથી હોતું.

પઝેસિવનેસ શરૂમાં જેટલી સુંવાળી લાગે એટલી જ પાછળથી ગુંગળાવનારી હોઈ શકે છે. હજી રિલેશનને છ જ મહિના થયા છે. એવામાં તેને બધું જ અટેન્શન જોઈતું હોય એ સમજી શકાય છે, પરંતુ તે બૌદ્ધિક ચર્ચા માટે પણ બીજા કોઈને બદલે તેની સાથે જ વાત કરવી જોઈએ એવી દલીલ કરે છે એ જરાય યોગ્ય નથી.

કોઈ પણ સંબંધ ત્યારે જ ખીલે જ્યારે બન્ને વચ્ચે ઓપનનેસ હોય. બંધિયારપણું સંબંધને મારી નાખે છે. તમારે હજી આ સંબંધમાં વિચારવાની જરૂર છે અને આંખ બંધ કરીને આગળ વધવાની જરૂર નથી. ગો સ્લો. શરૂઆતમાં આવેલો પ્રેમની ઉત્કટતાનો ઊભરો સીઝવા દો. એ પછી પણ જો તમને લાગે કે પાર્ટનર ઇનસિક્યૉરિટી કે ઇર્ષામાંથી બહાર નથી આવતો તો ફેરવિચારણા જરૂરી બની જાય છે.

પ્રશ્ન : મને પીરિયડ્સમાં અસહ્ય પેઇન થાય છે. હું મારી મમ્મીને આ ફરિયાદ કરું છું પણ તેઓ ગંભીરતાથી જ નથી લેતા. તેઓ કહે છે કે આ તો નોર્મલ છે. શું આ વાત સાચી છે? એક યુવતી (વડોદરા)

ઉત્તર : માસિક કુદરતી છે અને એ દરમિયાન થોડો દુખાવો થાય છે પણ હદથી વધારે થતી તકલીફ નોર્મલ ગણી શકાતી નથી. આ પ્રકારનો નજીવો દુખાવો માસિકના એક દિવસ પહેલાંથી શરૂ થાય અને એક દિવસ સુધી ચાલે. જોકે દુખાવો વધુ હોય, અસહ્ય હોય, દવાઓ લેવી પડે એવી હાલત થઈ જાય કે પછી દવાઓ ખાવાથી પણ ખાસ ફાયદો ન જણાય તો આ બધી અવસ્થા નોર્મલ ન ગણી શકાય.

માસિક આવે ત્યારે દરેક સ્ત્રી તેનું રોજિંદું કામ કરી શકે એટલી ક્ષમતા ધરાવે એ જ હેલ્ધી ગણાય. જો એ ન કરી શકતી હોય તો એનો અર્થ એ કે કંઈક બીજી તકલીફ છે. મોટાભાગે આ સમસ્યા માટે હોર્મોન્સની ઊથલપાથલ જવાબદાર હોય છે જેને દૂર કરીને સારું રિઝલ્ટ મળી શકે છે. આ સિવાય શરીરમાં પોષણની કમી હોય તો પણ આ તકલીફ થતી હોય છે.

ઘણી વાર સ્ત્રીને એન્ડોમેટ્રિઓસિસની તકલીફ હોય એટલે કે ગર્ભાશયની અંદર રહેલો ટિશ્યુ એની બહાર સુધી આવી જાય છે અને ફેલાતો જાય છે. આ સિવાય ઓવરીમાં ગાંઠ હોય, ગર્ભાશયમાં ગાંઠ હોય કે સ્ત્રીના ગર્ભાશય સાથે સંકળાયેલા જ્ઞાનતંતુઓ વધુ સંવેદનશીલ હોય તો આ પ્રકારની તકલીફ થઈ શકે છે. આ પ્રોબ્લેમ નાની ઉંમરમાં પણ થઈ જતો હોય છે. આ માટે ડૉક્ટરને મળવું જરૂરી છે. પેઇનથી ભાગવા ગોળીઓ વાપરો એના કરતાં એક વખત ડોક્ટરને મળો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *