મને માસિક વધુ પડતું આવે છે જેના લીધે મારા શરીરમાં લોહી ઓછું થઇ જાય છે

GUJARAT

પ્રશ્ન : હું 28 વર્ષની યુવતી છું અને ડેસ્ક જોબ કરું છું. મારે આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરવાનું હોય છે જેના કારણે મને પીઠનો દુખાવો થઇ ગયો છે. મને યોગ કરવાથી મળતા પરિણામ પર બહુ વિશ્વાસ છે. શું એવું કોઇ આસન છે જે કરવાથી પીઠના દુખાવામાં રાહત મળે છે? એક યુવતી (રાજકોટ)

ઉત્તર : જો તમને યોગાસન કરવામાં રસ હોય તો પીઠના દુખાવામાં રાહત મેળવવા માટે નિયમિત રીતે પરિવૃત ઉત્કટાસન કરી શકો છો. આ આસનને ઘણા લોકો રિવોલ્વ્ડ ચેર પોઝ નામથી પણ ઓળખે છે. આ ઉત્કટાસનનું ટ્વિસ્ટેડ વેરિએશન છે. પરિવૃત ઉત્કટાસનનું નામ સંસ્કૃત ભાષાથી લેવામાં આવ્યું છે. આ આસન કરવા માટે સૌથી પહેલા એક ખુરશી અને ઈંટ લો. ખુરશીની સામેની તરફ નીચે ઈંટ રાખો.

ખુરશી પર બેસો અને હાથને ખોળામાં રાખો. આ દરમિયાન તમારા પગ મજબૂતીથી ઈંટ પર ટકેલા રહે તેનું ધ્યાન રાખો.શ્વાસ લો અને પોતાના હાથ જોડીને નમસ્તે કરવાની મુદ્રામાં લઈને આવો. હવે શ્વાસ છોડતા શરીરને ડાબી તરફ વાળો અને તમારા જમણા હાથની કોણીને તમારા ડાબા ઘૂંટણની નજીક મૂકો. આ દરમિયાન તમારા હાથ છાતીની સામે જ નમસ્કારની મુદ્રામાં રહેશે.

હવે તમે આ મુદ્રામાં ઓછામાં ઓછા 10 સેકન્ટ સુધી રહો અને શ્વાસ લેતા રહો. બાદમાં પરત તે જ પોઝિશનમાં આવો અને બીજી સાઈડથી આ આસન કરો. આ આસનથી પીઠના દુખાવામાં રાહત મળે છે પરંતુ કેટલાક લોકોએ આ આસન કરતા પહેલા થોડી સાવચેતી રાખવી જોઈએ. જેમને માથાનો દુખાવો અને અનિદ્રાની સમસ્યા છે જેમણે આ આસન કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લેવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ આ આસન ન કરે. આસન કરતી વખતે શરીર સાથે બળજબરી ન કરો. આ આસન થોડું અઘરું છે. તેથી જ્યારે પણ ટ્રાય કરો ત્યારે કોઈ યોગ ટ્રેનરની મદદ લો અને એ કરતા પહેલાં ડોક્ટર સાથે વાત કરો.

પ્રશ્ન : મારી વય 35 વર્ષની છે અને મારે બે સંતાનો છે. મને દર મહિને છ સાત દિવસ માસિક ચાલું રહે છે. જેના કારણે શરીરમાં લોહીનું પ્રમાણ પણ ઓછું થઇ ગયેલ છે. મારી સોનોગ્રાફીમાં બેથી વધારે ફાઇબ્રોઇડની ગાંઠ બતાવેલ છે. મારા ડોક્ટરે તાત્કાલીક ગર્ભાશય કાઢી નાખવાની સલાહ આપી છે. મેં સાંભળ્યું છે કે આવું ઓપરેશન કરાવ્યા પછી જાતીય જીવન માણવામાં તકલીફ પડે છે. શું આ વાત સાચી છે? એક મહિલા (વડોદરા)

ઉત્તર : તમારી ઉંમરની સ્ત્રીઓની જો સોનોગ્રાફી કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓમાં આ પ્રકારની ફાઇબ્રોઇડની ગાંઠો જોવા મળતી હોય છે અને જેના કારણે માસિક સ્ત્રાવ વધારે પડતો આવતો હોય છે. ઘણી વખત ગર્ભાશયનાં ઓપરેશન ખોટી રીતે કરવામાં આવે છે. પરંતુ અમુક કિસ્સાઓમાં ગર્ભાશય દૂર કરવું આવશ્યક પણ હોય છે. વધુ પડતા માસિક સ્ત્રાવ માટે હવે ઓપરેશન વગરના ઇલાજ પણ શક્ય છે.

ગર્ભાશયનાં ઓપરેશન દરમિયાન ઘણી વખત ગર્ભાશયની સાથે ઓવરી (અંડાશય) પણ દૂર કરવામાં આવે છે અને આના કારણે સમાગમ વખતે યોનિમાર્ગમાં પુરતી ભિનાશ થતી નથી. આમ થવાથી સમાગમ વખતે દુખાવો સ્ત્રીને થાય છે અને ચરમસીમા અનુભવાતી નથી. માટે શક્ય હોય ત્યાં સુધી ડોક્ટર જોડે બીજા વિકલ્પોની ચર્ચા કરવી જોઇએ. આપની ઉંમર ખૂબ જ નાની છે. ગર્ભાશય ને જો ઓવરી સાથે દુર કરવામાં આવશે તો ખૂબ જ નાની ઉંમરમાં મેનોપોઝના લક્ષણો દેખાઇ શકે છે. આ મામલે એક કરતા વધારે ડોક્ટર્સના અભિપ્રાય લઇને જ કોઇ નિર્ણય લેવો હિતાવહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *