પ્રશ્ન : હું 38 વર્ષની મહિલા છું. છેલ્લા કેટલાક સમયથી મારું માસિક નિયત સમય કરતા મોડું આવે છે. આવું કેમ થતું હશે? એક મહિલા (સુરત)
ઉત્તર : માસિકમાં વિલંબ થવાનાં ઘણાં કારણો હોય છે. વધારે પડતી માનસિક તાણ પણ માસિકની અનિયમિતતા માટે જવાબદાર હોઈ શકે. નિષ્ણાત તબીબો કહે છે કે જે યુવતીઓ હંમેશાં માનસિક તણાવ હેઠળ રહેતી હોય તેમને વાળ ખરવા, રાત્રે ઊંઘ ન આવવી, ત્વચામાં પરિવર્તન આવવું, વજન વધ-ઘટ થવું જેવી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આનું કારણ એ છે કે આપણા મગજના જે ભાગમાં હોર્મોન્સ પેદા થતાં હોય છે તેના ઉપર માનસિક તણાવની ઘેરી અસર પડે છે. તેને કારણે હોર્મોન્સ પેદા થવામાં અડચણ આવે છે.
આનાં પરિણામે માસિક પણ અનિયમિત થાય છે. કોઈક કેસમાં માસિક આવવાનું બંધ થઈ જાય એવું પણ બને. બહેતર છે કે આવી સ્થિતિમાં ટેન્શનને અંકુશમાં લેવામાં આવે. કેટલીક વખત વધારે કસરત કરવાથી પણ માસિકમાં વિલંબ થઇ શકે છે. જ્યારે કસરત વધારે પ્રમાણમાં કરવામાં આવે ત્યારે તેમાં ભરપૂર ઊર્જાનો વપરાશ થાય છે.
આવી સ્થિતિમાં શરીર સ્વયં પોતાનું ઓછું જરૂરી જણાતું કાર્ય અટકાવી દે છે. શરીરની આવી પ્રતિક્રિયામાં માસિકનો સમાવેશ પણ થાય છે. જોકે મહત્ત્વની વાત એ છે કે જો સંબંધિત યુવતી કસરતનું પ્રમાણ ઓછું કરી નાખે તો તેનું માસિક અગાઉની જેમ નિયમિત થઈ જાય છે. ચોક્કસ પ્રકારની દવાઓ પણ માસિકના સમયને બદલી નાખે છે.
તેવી જ રીતે જે મહિલાઓની કામની શિફ્ટ વારંવાર બદલાતી હોય તેમને પણ માસિકની અનિયમિતતા નડે છે. તમે લાઇફસ્ટાઇલ અને ભોજનની આદતોમાં ફેરફાર કરી જુઓ. આટલું કરવાથી તમારી સમસ્યામાં ચોક્કસ રાહત મળશે.
જો આમ છતાં તમારી સમસ્યા ઓછી ન થાય તો કોઇ સારા ડોક્ટરને કન્સલ્ટ કરો. ઘણીવાર હોર્મોન્સનાં સ્તરમાં વધારો-ઘટાડો થવાની આવી સમસ્યા થતી હોય અને દવાની મદદથી સારવાર કરીને સમસ્યા દૂર કરી શકાય છે.
પ્રશ્ન : નમસ્તે સર, છોકરાઓને છોકરીઓમાં રસ હોય છે, પરંતુ સર મને છોકરીઓ કરતાં છોકરાઓમાં રસ છે. હું મારી જાતને ગે માનવા તૈયાર નથી. મારે છોકરીઓમાં રસ લેવો છે, તે માટે મારે શું કરવું જોઇએ. પ્લીઝ મને મદદ કરો, હું ખૂબ જ પરેશાન છું.
જવાબ : દરેક છોકરાને છોકરીમાં જ રસ હોય તેવું તમે માનો છો, ઘણા છોકરાઓ તેવા પણ હોય છે જેને છોકરાઓમાં રસ હોય. તેમાં કંઇ ખોટું પણ નથી. કારણ કે આ એક લાગણીનો વિષય છે, જ્યારે તમે પરાણે જે રીતે છોકરીમાં રસ લેવાની વાત કરી રહ્યા છો તે ખોટી રીત છે, તેમ તમારે ન કરવું જોઇએ. તમે ગે છો તો તેમાં કોઇ શરમની વાત નથી, પણ જો તમે કોઇ છોકરી સાથે રસ વિના સંબંધ જોડશો તો તમે તેનું અને તમારું જીવન ખરાબ કરી રહ્યા છો, તેથી તમે સ્વીકારી લો કે તમને છોકરીઓમાં રસ નથી.