હું ૨૬ વરસની છું. મારા લગ્ન થયે બે વર્ષ થયા છે. હું બી.એ.બી.એડ છું. પરંતુ નોકરી કરતી નથી. મારા સાસરિયાઓને હું ગમતી નથી. મારી પરિણીત નણંદ નોકરી કરે છે. અને તે રોજ અમારે ઘરે આવીને અમારી જિંદગીમાં દખલ કરે છે. અમારા ઘરમાં તેનું ઘણું વર્ચસ છે. મારા પતિને હું કહું છું તો તેઓ મારી વાત સાંભળતા નથી. મારા પતિ એકના એક પુત્ર હોવાથી અમે અલગ પણ રહી શકતા નથી. મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.
એક બહેન (મુંબઇ)
તમારી હાલત હું સમજી શકું છું. આ પરિસ્થિતિમાંથી છૂટવા માટે તમારે સૌ પ્રથમ કોઇ નજીકની સ્કૂલમાં નોકરી શોધવાની જરૂર છે. ઘર અને નોકરી બંને સંભાળી શકાય એ વાતનું પણ ધ્યાન રાખજો. આ કારણે તમે કામમાં વ્યસ્ત રહેશો અને ઘરના રાજકારણમાંથી પણ બચી શકશો. તેમજ તમારી સાસુની નજરમાં પણ તમારી કિંમત વધી જશે. આ ઉપરાંત તમારી નણંદની વિરુધ્ધ જશો તો પરિસ્થિતિ વધુ બગડી જશે. આથી તેને ખુશ રાખવાના પ્રયત્ન પણ કરો.
હું ૨૬ વરસની છું. છેલ્લા છ વરસથી મને એક છોકરા સાથે પ્રેમ હતો. પરંતુ હવે મને લાગે છે કે તે કદરૂપો છે અને મારે માટે લાયક નથી. તેને દારૂ પીવાની તેમજ ધુમ્રપાનની પણ આદત છે. મંે તેને સુધારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમા મને સફળતા મળી નથી. મારે તેની સાથે સંબંધ કેવી રીતે તોડવો તે જણાવવા વિનંતી.
એક બહેન (અમદાવાદ)
તમારે તમારા પ્રેમીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દેવું જોઇએ કે હવે તમને આ સંબંધ આગળ વધારવામાં રસ નથી. આમ કહ્યા પછી તેને મળવાનું છોડી દો અને તેના દબાણને વશ થતા નહીં. તે તમારો પીછો છોડે નહીં તો તમારા માતા-પિતાને આ વાતની જાણ કરી તેમને મામલો સંભાળવાનું સોંપી દો. એ વધુ પરેશાન કરે તો વડીલોની સલાહ લઇ પોલીસમાં ફરિયાદ કરો. પરંતુ મને નથી લાગતું કે મામલો આટલો બધો આગળ વધી જાય.