મામા-ફઈબાના પવિત્ર સંબંધને સનકી પ્રેમીએ લાંછન લગાવ્યું, સગીરાને જંગલમાં લઈ ગયો, પોલીસની ટીમે આખી રાત શોધ કરી

GUJARAT

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામમાં એકતરફી પાગલ પ્રેમીએ પોતાના જ મામાની દીકરીનું અપહરણ કરી મામાના પરિવારજનો પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને ફરાર થઈ ગયો હતો. પરિયાના માથાભારે સુનિલ પટેલ નામનો યુવક તેના જ મામાની દીકરી સાથે એક તરફી પ્રેમમાં ભાન ભૂલ્યો હતો. અને મામાના ઘરે જઈ મામી અને મામા પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અને મામાની સગીર દીકરીનું અપહરણ કરીને લઈ ગયો હતો. 150 થી વધુ પોલીસના કાફલાએ રાતભર જંગલમાં સગીરાને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.

યુવક સગીરાને અપહરણ કરીને જંગલમાં લઈ ગયો
બનાવમાં સગીરાની માતા અને તેના કાકાને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે પારડીની મોહન દયાલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સગીરા અને તેનું અપહરણ કરનાર આરોપી સુનિલ પટેલ અને તેના અન્ય એક સાથી મહેન્દ્ર પટેલની શોધખોળ કરવા માટે તપાસ હાથ ધરી હતી.

જોકે આરોપી સુનિલ પાસે તિક્ષ્ણ હથિયારો હતાં, તેથી સગીરાનો જીવ જોખમમાં હોવાથી વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાની ગંભીરતા જાણીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે આરોપી સગીરાને લઈ અને પરિયા ગામના છેવાડે આવેલા જંગલ વિસ્તારમાં ફરાર થઈ ગયો હતો. આથી તેને શોધવા વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસકર્મીઓ મળી 150 થી વધુ પોલીસ કર્મીઓની ટીમએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસે રાતભર જાગીને જંગલ ખૂંધીને સગીરાને શોધી કાઢી
રાતભર પોલીસના કાફલાએ પરિયા અને આસપાસના વિસ્તારની વાડી, ઝાડી અને જંગલ વિસ્તાર ખૂંદી વળ્યા હતા. રાતના સમયે આરોપી અને સગીરાની શોધખોળ કરવા પોલીસ દ્વારા નાઇટ વિઝન ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જોકે રાતભર ચાલેલા સર્ચ ઓપરેશનમાં વહેલી સવારે પોલીસને સફળતા મળી હતી અને સગીરા હેમખેમ છુટકારો કરવામાં પોલીસને સફળતા મળી હતી. જોકે પોલીસ કાફલા દ્વારા રાત ભર સર્ચ ઓપરેશન કરતા આરોપીઓએ સગીરાને એકલી મુકી દીધી હતી અને ફરાર થઈ ગયો હતો. આથી પોલીસે સગીરાનો કબજો લઈ તેને મેડિકલ કરાવવા અને સગીરાની પૂછપરછ પોલીસે હાથ ધરી હતી.

સનકી પ્રેમીએ વલસાડ પોલીસને દોડતી કરી
આરોપીઓને શોધવા પોલીસે દિવસે પણ પરિયાના વાડી અને જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું. આ ઘટનામાં મામા ફઈબાના ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધને પણ એક તરફી સનકી પ્રેમીએ લાંછન લગાવ્યું હતું. મળતી માહિતી મુજબ, આ સનકી પ્રેમી તેની મામાની દીકરી સાથે એકતરફી પ્રેમમાં હોવાનો બંને પરિવારોને છેલ્લા એક વર્ષથી જાણ હતી.

તેમ છતાં ભોગ બનનાર સગીરાના પરિવારજનો આ અંગે સમાજમાં લોકલાજ જવાના ડરે ચૂપ રહ્યા હતા. આથી આ માથાભારે પ્રેમીની હિંમત વધી હતી. એક વર્ષથી સુનિલ પરિવારને અવાર નવાર ધમકીઓ આપતો હતો. તેમ છતાં પણ પરિવારજનો ચૂપ રહેતા હતા. તેનું ગંભીર પરિણામ આવ્યું હતું. આખરે સનકી પ્રેમીના આતંકે જિલ્લાભરની પોલીસને દોડતી કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *