હિંદુ પંચાગ અનુસાર મહાશિવરાત્રિ વ્રત મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે કરવામાં આવે છે. આ વ્રતને અર્ધરાત્રિ વ્યાપિની ચૌદશની તિથિએ કરવું જોઈએ પછી ભલેને આ તિથિ પૂર્વા (તેરસયુક્ત) હોય કે પરા તિથિ હોય. નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે.
આ દિવસે ભોલેનાથ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ વર્ષે, મહાશિવરાત્રિનો તહેવાર 18 ફેબ્રુઆરી 2023, શનિવારના રોજ આવશે. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રિનો દિવસ શ્રેષ્ઠ છે. આ વર્ષે મહાશિવરાત્રિના દિવસે શનિ ગ્રહ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં હશે. આવો દુર્લભ સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે.
આ ઉપરાંત મહાશિવરાત્રિ પર અનેક શુભ યોગ બની રહ્યા છે. આ શુભ યોગોમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે વિધિ-વિધાન અનુસાર તેમની પૂજા કરવાથી અને મંત્રોના જાપ કરવાથી ઘણો ફાયદો થશે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
પંચાક્ષર સ્તોત્રનું મહત્વ
એવું માનવામાં આવે છે કે પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. પંચાક્ષર સ્તોત્રનો પાઠ કરવાથી વ્યક્તિનું અકાળ મૃત્યુ ટાળે છે, તેને કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. મહાશિવરાત્રિના દિવસે જે વ્યક્તિ પંચાક્ષરનો પાઠ કરે છે તેના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે.