સુરતના રાંદેર ટાઉનમાં આવેલી આયશા પેલેસમાં રહેતો અને કલરકામ અને વેલ્ડિંગનું કામ કરતો ઈસમ ગુમ થયા બાદ અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે હવે ખુલાસો થયો છે કે, પતિ દ્વારા જ પોતાનું અપહરણ થયું હોવાનનું નાટક રચ્યું હતું અને એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.
મુબારક હુસેન રહીમ ચૌધરી ગત 5 ઓગસ્ટના રોજ બપોરે ઘરેથી કામરેજ કલરકામની જગ્યા જવાનું કહીને નીકળ્યો હતો. સાંજે સાત વાગ્યે તેને પત્ની સાથે ફોન પર કામરેજની જગ્યા જોઈ લીધી હોવાની પણ વાત કરી હતી. દરમિયાન રાત્રિના સાડા નવ વાગ્યા બાદ મુબારકના મોબાઇલ પરથી પત્નીને એક હિંદી ભાષામાં મેસેજ આવ્યો હતો. જે મેસેજમાં “આપકે હસબન્ડ હમારે કબજે મેં હૈ, હમને ઉનકો કિડનેપ કીયા હૈ, હમે એક લાખ રૂપિયે ચાહિયે, પુલીસ કો ખબર કી તો આપ કા હસબન્ડ આપ કો જિંદા નહી મિલેગા, પાંચ દિન કા ટાઇમ દેતા હું. ચાલાકી કી તો હસબન્ડ કી લાશ હી મિલેગી, પૈસે હસબન્ડ કે એકાઉન્ટ મેં ડાલને હૈ” એવી ધમકી આપી 1 લાખ રૂપિયાની ખંડણી મંગાઇ હતી. ત્યારબાદ પતિનો મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયો હતો.
આ ઘટના બાદ પરિવાર રાંદેર પોલીસ મથકે દોડી આવતાં જ રાંદેર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણે મામલાને ગંભીરતાપૂર્વક લઇ તેની શોધખોળ હાથ ધરી હતી. કામરેજ વિસ્તારના સીસીટીવી ફૂટેજમાં રાત્રિના 10 વાગ્યે મુબારક ઘલા પાટિયા પાસેથી બાઇક પર બિનધાસ્ત જતો દેખાઈ આવે તો મુબારકની અપહરણની આશંકા ખોટી જણાઈ અપહરણના મેસેજ બાદ તેનું બિનધાસ્ત ફરવું પોલીસને શંકાસ્પદ લાગ્યું હતું. દરમિયાન તે બાઇક ઉપર અંકલેશ્વર તરફ જતો દેખાયો હોવાની માહિતી વચ્ચે રાંદેર પોલીસે રવિવારે રાત્રે અગિયાર વાગ્યાથી અંકલેશ્વરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું અને એક હોટેલની બહાર બાઈક દેખાઇ આવી હતી અને નજર કરી તો ભાઈ પરિવાર, પત્ની અને પોલીસની ઊંઘ હરામ કરીને નજીકના બાંકડા પર સુતેલા હતા.
આ યુવાનના મોટા ભાઇ કતારમાં નોકરી કરે છે, ત્યાંથી તેને સાત મહિના પહેલા 80 હજાર રૂપિયા મોકલાવ્યા હતા અને ઘરે મદદરૂપ થવા કહ્યું હતું, પરંતુ લોકડાઉનમાં નવરાધૂપ રહેલા આ યુવાને તે રૂપિયા ખર્ચી નાખ્યા હતા, ભાઈને શુ જવાબ આપશે? તેની ચિંતામાં પોતાનું અપહરણનું તરકટ કર્યું હતું. જોકે પિતા એક લાખ રૂપિયા આપી દે તો આ જ રૂપિયા પરત ઘરે આપી દેવાનો પ્લાન રંગારાએ ઘડ્યો હતો.