લિંગની સાઇઝ વધારવી હોય તો શું કરવું?, લગ્ન પછી સેક્સ માણીએ ત્યારે પત્નીને લોહી નીકળવું જરૂરી છે?

GUJARAT

પ્રશ્ન : નમસ્તે સર, મારાં લગ્નને થોડો સમય જ બાકી છે. મારે મારા લિંગની સાઇઝ વધારવી હોય તો શું કરવું?

જવાબ : એ રીતે લિંગની સાઇઝ કોઇ દવાથી નથી વધતી હોતી. આવી દવાઓની કેટલીયે જાહેરખબર પેપરમાં આવતી હોય છે, પણ આ દવાઓ માત્ર પૈસા લેવાના કાર્ય સિવાય બીજું કશું જ નથી કરતી. રહી વાત પત્નીને સંતોષ આપવાની તો તેમાં લિંગની સાઇઝ સાથે વધારે કાંઇ લેવાદેવા નથી હોતી.

 

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૩ વર્ષ છે. મારી પત્નીની ઉંમર ૨૦ વર્ષ છે. અમારાં લગ્નને બે વર્ષ થઇ ગયાં છે. જોકે, અમારે હમણાં બાળક નથી જોઈતું, પણ મારો પ્રોબ્લેમ એ છે કે મારી પત્નીને છેલ્લા ત્રણ મહિનાથી માસિક આવતું બંધ થઇ ગયું છે. અમે ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કરી જોયો પણ નેગેટિવ જ આવે છે. અમે ઘણીવાર ટેસ્ટ કર્યાં છે, પણ નેગેટિવ જ આવે છે. તો માસિક બંધ થવાનું કારણ શું હશે? શું મારી પત્ની ગર્ભવતી હશે? શું અમારે ડોક્ટરને બતાવવું જોઇએ?

જવાબ : ઘણીવાર એવું બનતું હોય છે કે ઘરે પ્રેગ્નન્સી ટેસ્ટ કિટથી ટેસ્ટ કરીએ તો સ્ત્રી ગર્ભવતી હોય તો પણ નેગેટિવ રિપોર્ટ આવતો હોય છે. પણ તમારી વાત પરથી લાગે છે કે તમે એકથી વધારે વાર આ ટેસ્ટ કર્યો હશે. અને આ તમામ ટેસ્ટમાં નેગેટિવ રિપોર્ટ આવતા હોય તો બને કે પત્ની ગર્ભવતી નહીં હોય. પણ બીજી ચિંતાની વાત એ છે કે માસિક આવતું બંધ થઇ ગયું છે. આ માટે તમારે ચોક્કસ કોઇ સારા ગાયનેકને બતાવવું જોઇએ, કેમ કે આગળ ઉપર પણ જ્યારે તમારે બાળક રાખવું હશે ત્યારે જો માસિક રેગ્યુલર હશે તો બાળક રહેવામાં બીજી કોઇ તકલીફ નહીં થાય અને જો માસિક નિયમિત નહીં હોય તો ગર્ભ રહેવામાં જરૂર તકલીફ થઈ શકશે, માટે આ અંગે ગાયનેક પાસે ચેકઅપ કરાવડાવીને યોગ્ય ઉપાય જાણી લો.

 

પ્રશ્ન : નમસ્તે સર, મારી ઉંમર ૨૩ વર્ષ છે, જ્યારે મારી ગર્લફ્રેન્ડની ઉંમર ૨૫ વર્ષ છે. તે મારા કરતાં બે વર્ષ મોટી છે તો શું આ કારણે અમને શારીરિક સંબંધમાં કોઇ તકલીફ થઇ શકે? શું હું તેની સાથે સેક્સ કરું તો તેને સંતોષ મળશે? કે ઉંમરમાં રહેલા તફાવતને કારણે કોઇ સમસ્યા નડશે?

જવાબ : અહીં એક વાત તમને જણાવું કે માત્ર મજા માટે લગ્ન પહેલાં ક્યારેય શારીરિક સંબંધ ન બાંધવો જોઇએ. રહી વાર ઉંમરના ગેપની તો આપણી સામે એવા કેટલાંય દાખલા છે કે જેમાં પત્નીની ઉંમર પાંચથી દસ વર્ષ મોટી હોય તો પણ તેમનું લગ્નજીવન ખૂબ જ સફળ હોય. સેક્સને અને ઉંમરના ગેપને કોઇ જ સંબંધ નથી. તમે જેને પ્રેમ કરતાં હોવ તેની સાથે શારીરિક સુખ મેળવવાનું મન થાય અને તેમાં ઉંમરનો તફાવત કોઇ જ તકલીફ નથી ઊભો કરતો.

પ્રશ્ન : નમસ્તે, મારી દીકરીની ઉંમર ૧૫ વર્ષ છે. તે બાર વર્ષની હતી ત્યારથી માસિકની શરૂઆત થઇ છે. જ્યારથી માસિકની શરૂઆત થઇ ત્યારથી જ અનિયમિત હતું અને અત્યારે પણ અનિયમિત છે. છેલ્લા છ મહિનાથી બંધ થઇ ગયું છે. તો શું મારે ડોક્ટરને બતાવવું જોઇએ?

જવાબ : છોકરીને જ્યારે માસિકની શરૂઆત થાય ત્યારે જો તેનો શારીરિક બાંધો પાતળો હોય તો માસિક અનિયમિત રહેતું હોય છે. જોકે દરેક કેસમાં આ કારણ નથી હોતું. ઘણીવાર છોકરીઓનું વજન સાવ ઓછું હોય તો આ તકલીફ થતી હોય છે. પાતળી કાયાવાળી છોકરીઓના પ્રમાણમાં તંદુરસ્ત કાયા ધરાવતી દીકરીઓને માસિક મોડું શરૂ થતું હોય છે. પણ આ વાત વિશે ગંભીર બનીને તમારે ડોક્ટરને બતાવવું જોઇએ, કેમ કે ઘણીવાર આ અનિયમિતતા લાંબો સમય સુધી રહેતા આગળ ઉપર દીકરીઓને તકલીફ થતી હોય છે. માટે આ અંગે સમય વેડફ્યા વગર એકવાર ગાયનેકને ચોક્કસ બતાવી દેવું જોઇએ.

 

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૪૪ વર્ષ છે. પત્નીની ૪૨ વર્ષ છે. પત્નીને હાલ માસિક અનિયમિત આવે છે. અમને લાગે છે કે તેનો મેનોપોઝ પીરિયડ શરૂ થઇ ગયો છે, કેમ કે એકવાર માસિક આવે અને તે પણ સાવ થોડું, ત્યારબાદ ત્રણથી ચાર મહિનાનો સમય જતો રહે છે. હાલ છ મહિનાથી તેને માસિક નથી આવ્યું, તો મારે જાણવું છે કે શું હવે અમે લોકો કોન્ડોમ વગર સેક્સ માણી શકીએ? કે હજી પણ ગર્ભ રહેવાનો ભય રહે?

જવાબ : સળંગ એક વર્ષ સુધી માસિક ન આવે તો કોન્ડોમ વગર સંભોગ કરી શકાય. હજી કોન્ડોમ વગર સંભોગ કરવામાં ગર્ભ રહી જવાનો ભય રહેશે, માટે હમણાં કોન્ડોમનો ઉપયોગ કરવો. અને જો એવું લાગે તો એકવાર ગાયનેકને બતાવી દો. એમ કરવાથી તમને ખાતરીથી ખબર પડી જશે કે પત્નીને મેનોપોઝ આવી ગયું છે કે નહીં.

પ્રશ્ન : નમસ્તે, મારી ઉંમર ૨૩ વર્ષ છે, મારાં લગ્ન થોડા સમયમાં જ થવાનાં છે, મારે જાણવું હતું કે શું લગ્ન બાદ પહેલી વાર સેક્સ માણીએ ત્યારે પત્નીને લોહી નીકળવું જરૂરી છે? મારા ઘણાં મિત્રો આ અંગે વાત કરતાં હોય છે. તેઓનું કહેવું છે કે દરેક સ્ત્રીને લોહી નીકળતું હોય, અને તે સારું કહેવાય. તો આ વિશે મને થોડું જણાવશો.

જવાબ : સ્ત્રીઓની યોનિમાં એક પડદો હોય તે તૂટે એટલે લોહી નીકળે. પહેલાંના જમાનામાં સ્ત્રીઓ સાઇકલ નહોતી ચલાવતી, કસરત નહોતી કરતી તેથી તેમનો આ પડદો લગ્ન બાદ પતિ જ્યારે સંભોગ કરે ત્યારે જ તૂટતો. હવેનો સમય બદલાયો છે. હવે સ્ત્રીઓ શરીરને મજબૂત રાખવા કસરત કરે છે, સાઇકલિંગ કરે છે, ડાન્સ કરે છે, આ કારણે ઘણીવાર ઘણી સ્ત્રીને પડદો તૂટી ગયો હોય તો પ્રથમવાર સંભોગ સમયે લોહી ન પણ નીકળે. લોહી નીકળવું ફરજિયાત જ હોય એવું નથી. સંભોગનો અનુભવ દરેકને અલગ હોય, માટે કોઇની સાંભળેલી વાત પર ક્યારેય વિશ્વાસ કરવો નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *