લગ્નજીવનમાં પત્નીને જાતીય સંબંધ નકારવાનો હક : 69 ટકા પુરુષો સહમત

GUJARAT

બોલીવુડ ફિલ્મ ‘પિંક’ની કથાવસ્તુનો મુખ્ય આધાર જાતીય સંબંધમાં ‘નો મીન્સ નો’ વિષય આસપાસ રહેલી છે. આ બાબતને અનુલક્ષીને તાજેતરના એક સર્વેમાં અનેક વિગતો જાણવા મળી છે. વર્ષ 2019-20ના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)-5 મુજબ 78 ટકા મહિલાઓ અને 69 ટકા પુરુષો કહે છે કે, પરિણિત મહિલાઓ પતિ સાથે જાતીય સંબંધ બાંધવા મુદ્દે ના પાડી શકે છે. સર્વે કહે છે કે, પત્નીને જાણ હોય છે કે તેના પતિને કોઈ જાતીય સંબંધિત રોગ છે કે નહીં, તેનો પતિ અન્ય મહિલા સાથે જાતીય સંબંધ ધરાવે છે કે નહીં અથવા તો તે થાકી ગઈ હોય અથવા તે જાતીય સંબંધ બાંધવા તેની ઈચ્છા ન હોય ત્યારે તે ના પાડે છે.

વર્ષ 2015-16ના સર્વેની સરખામણીમાં જાતીય સંબંધ બાધવો કે નહીં તે તેમનો હક છે તેવુ માનતી પરિણિત મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2005-06માં 65 ટકા પરિણિત મહિલાઓ માનતી હતી કે, જાતીય સંબંધ બાંધવા માટે પતિને ના પાડવી તે તેનો હક છે. આ બાબતને સમર્થન આપતા પુરુષોની સંખ્યામાં નજીવો વધારો થયો છે. જો કે, મહારાષ્ટ્રની સરખામણીમાં આ મુદ્દે ગુજરાત પાછળ છે. મહારાષ્ટ્રમાં 86 ટકા મહિલાઓ અને 76 ટકા પુરુષો માને છે કે, લગ્ન જીવન દરમિયાન જાતીય સંબંધ બાંધવાની ના પાડવાનો પત્નીને હક છે.

ગુજરાતમાં 85 ટકા પુરુષો માને છે કે, જો પત્ની ના પાડે તો આ સમયે પતિએ ગુસ્સે થવાની કે તેની સાથે ઝઘડો કરવાની કે તેને નાણાકીય મદદ રોકી દેવાની અથવા પરાણે જાતીય સંબંધ બાંધવા માટે દબાણ કરવાની કોઈ જરુરત નથી. જો કે, 181 મહિલા હેલ્પલાઈન સાથે સંકળાયેલ મહિલા કર્મચારી કહે છે કે, જાતીય સંબંધના મુદ્દે પત્ની ઈચ્છા સંદર્ભે સર્વેમાં જે વાત કરાઈ છે, તે વાસ્તવિકતાથી ઘણી અલગ છે. મહિલાઓ ઘણું બધુ સહન કરે છે, તે ત્યારે જ ફોન કરે છે જ્યારે તેની સહનશક્તિની હદ આવી ગઈ હોય. ગુજરાતમાં NHFS-5ના સર્વેમાં 33.343 મહિલાઓનો સર્વે કરાયો છે.

જેમાં, 18 થી 49 વર્ષની વચ્ચેની 13 ટકા મહિલાઓએ શારીરીક હિંસાનો સામનો કરેલો છે. જ્યારે 3 ટકા મહિલાઓએ જાતીય હિંસાનો સામનો કરેલો છે. 14 ટકા મહિલાઓ એવી છે જેમણે બંને બાબતોનો સામનો કરેલો છે. આ સર્વે એ પણ દર્શાવે છે કે, સમાજમાં લગ્નજીવન દરમિયાન મહિલાઓ શારીરિક અને જાતીય હિંસાનો ભોગ બને છે. આ બાબતમાં શિક્ષણ પણ કોઈ બદલાવ લાવી શક્યુ નથી. 25 થી 39 વર્ષની મહિલાઓના જૂથમાં 3.8 ટકા કેસમાં આ બાબત જોવા મળે છે. શહેરી વિસ્તારમાં આ રેશિયો 3 ટકા અને ગ્રામીણ વિસ્તારમાં 3.7 ટકાનો છે. ઉચ્ચ શિક્ષણ ધરાવનાર વર્ગમાં આ સ્થિતિ 2.8 ટકામાં જોવા મળે છે. જેની સામે ઓછુ શિક્ષણ ધરાવતા વર્ગમાં આ સ્થિતિ 3.1 ટકા છે. દારુનુ વ્યસન ધરાવતા પતિ દ્વારા પત્ની સાથે શારીરીક અને જાતીય હિંસાત્મકતા આચરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *