લગ્નના એક જ વર્ષમાં હું માતા બની ગઈ તો પતિનું વર્તન બદલાઈ ગયું,જાણો એક યુવતીની આપવીતી

GUJARAT

પ્રશ્ન : હું સંયુક્ત પરિવારમાં રહું છું. મારી ત્રણ વર્ષની પુત્રી છે અને હું વર્કિંગ વુમન હોવાથી મારી દીકરીને મારા સાસુ-સસરા જ સાચવે છે. મારી દીકરીને મારા સાસુ-સસરા ઘણા લાડ લડાવે છે. તેને રડતી જોઈ શકતા ન હોવાથી મારા સાસુ-સસરા તેની દરેક જીદ પુરી કરે છે. મને આ ગમતું નથી. હું માનું છું કે નાનપણમાં જો બાળકની આદત બગડી જાય તો એને સુધારવામાં બહુ સમય લાગે છે. હું મારી દીકરીને થોડી શિસ્તમાં રાખવાના પ્રયત્નો કરું છું. આથી તે મારી પાસે આવતી જ નથી. આ સંજોગોમાં શું કરવું એ મને સમજાતું નથી. એક યુવતી (અમદાવાદ)

ઉત્તર : દરેક માતાની ઉછેર પદ્ધતિ એકબીજા કરતા અલગ હોય છે. કહેવાય છે ને કે વડીલોને સંતાનનું સંતાન અત્યંત લાડલું હોય છે અને એના પર પોતાના પ્રેમનો અભિષેક કરતા હોય છે. હવે જો માતા તરીકે તમને એમ લાગતું હોય કે તમારા સાસુ-સસરા વધારે લાડ કરીને તેને બગાડી રહ્યાં છે તો તમારે સત્તાવાહી શબ્દોમાં તેમને સૂચના આપવાને બદલે પ્રેમથી તમારો અભિગમ સમજાવાનો પ્રયાસ કરવો જોઇએ. તમે જણાવ્યું છે કે તમે વર્કિંગ મધર છો એટલે તમારી દીકરી તમારાં સાસુ-સસરા સાથે વધારે સમય ગાળતી હોવાના કારણે તેનું બોન્ડિંગ તેમની સાથે વિશેષ હોય એ સ્વાભાવિક છે.

આના કારણે તમારે ગુસ્સે થવાની કે અકળાઇ જવાની જરૂર નથી. તમારે આ વાતને હકારાત્મક રીતે વિચારવાની જરૂર છે. તમારે સમજવાની જરૂર છે કે તેઓ તમારી દીકરીનું ધ્યાન રાખે છે ત્યારે જ તમે તમારી કરિયર પર સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. જો તમારાં સાસુ-સસરા દીકરીની જવાબદારી ન ઉઠાવતા હોત તો તમારા માટે કામની સાથે દીકરીને સંભાળવાનું બહુ મુશ્કેલ સાબિત થાત અને એને કદાચ કોઇ ત્રાહિતના હાથમાં પણ સોંપવી પડતી. આ સંજોગોમાં તમને આખો દિવસ તેની ચિંતા સતાવત.

જો તમે ઇચ્છતા હો કે તમારી દીકરી સાથે તમારું બોન્ડિંગ મજબૂત બને તો તમારી પુત્રી સાથે શક્ય હોય એટલો વધુ સમય પસાર કરો. શિસ્ત ઉપરાંત તેને પ્રેમ પણ કરો. તેને ફરવા લઈ જાવ. તેની સાથે રમો. તમે તેના સારા માટે તેની સાથે કડક રીતે વર્તો છો એ સમજવા માટે તે હજુ ઘણી નાની છે. બળથી નહીં પણ કળથી કામ લો.

પ્રશ્ન : હું 22 વર્ષની યુવતી છું. હું 19 વર્ષની હતી ત્યારે મેં ભણતાં-ભણતાં જ મારી સાથે ભણતા એક યુવક સાથે લગ્ન કર્યાં હતાં. આના કારણે મારો અભ્યાસ પણ અધૂરો રહી ગયો હતો. ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયમાં મારાં માતા-પિતા સંમત નહોતાં, પરંતુ મેં તેમની સલાહ માન્યા વગર જ લગ્ન કરી લીધા હતા. લગ્નના એક જ વર્ષમાં હું માતા બની ગઇ હતી. હવે મારા પતિ રોજ જ મારી સાથે ઝઘડો કરે છે અને મારા નિર્ણયનો પસ્તાવો થાય છે. છૂટાછેડા લેવાનો મારો નિર્ણય યોગ્ય છે? એક યુવતી (સુરત)

ઉત્તર : યુવાન પેઢી સમજ્યા-વિચાર્યા વગર પ્રેમમાં અંધ બની નિર્ણય લઈ લે છે અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે અને વાત છૂટાછેડા સુધી પહોંચે છે. આવા કિસ્સા અવારનવાર સાંભળવા મળે છે. એક વાર તમે ભૂલ કરી છે. હવે બીજી વાર એ ભૂલનું પુનરાવર્તન કરતા નહીં. ભૂતકાળ પર નજર ફેરવીને તમારા સંબંધને મજબૂત બનાવવાનો પ્રયાસ કરો.

વિવાહિત જીવન સુખી બનાવવા સમય આપવાની જરૂર છે. આ ઉપરાંત તમારે સંતાનનાં ભવિષ્યનો વિચાર કરવાની જરૂર છે. જો બહુ પ્રયાસ કર્યા પછી પણ તમે લાગતું હોય કે તમે હવે તમારા પતિ સાથે રહી જ નહીં શકો તો ગભરાવાને બદલે સૌથી પહેલાં માતા-પિતાનો સંપર્ક કરીને તમારી આપવીતી જણાવો. મોટાભાગે સમજદાર માતા-પિતા દીકરીને મુશ્કેલીના સમયમાં ટેકો જ આપે છે. જો તમને માતા-પિતાનો સહારો મળે એમ હોય તો સૌથી પહેલાં તમારો અભ્યાસ પૂર્ણ કરીને તમારા પગ પર ઉભા રહેવાનો પ્રયાસ કરો. આ રીતે તમે જીવનમાં હકારાત્મક રીતે આગળ વધી શકશો.

Leave a Reply

Your email address will not be published.