પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૩૮ વર્ષ છે. અમારા ગાયનેકે જણાવ્યું કે મને ગર્ભાશયની કોથળીની સમસ્યા છે. મને ડોક્ટરે D&C કરાવવાનું કહ્યું છે. મને આ વિશે વિગતે માહિતી આપશો. તે કરાવીએ તો ખર્ચ કેટલો થાય તે અંગે પણ જણાવશો અને તે કરાવવાથી કોઇ સમસ્યા નહીં થાય તે વિશે પણ જણાવશો.
જવાબઃ D&Cનો મતલબ ડાઇલેશન અને ક્યૂરેટેજ થાય છે. આને સરળ ભાષામાં સમજવું હોય તો એમ કહી શકાય કે ગર્ભાશયની સફાઇ કરવાની ટ્રીટમેન્ટ. આ સામાન્ય પ્રક્રિયા જ હોય છે, તે ૧૦થી ૧૫ મિનિટના સમયગાળામાં થઇ જતી હોય છે. આ પ્રક્રિયાને ડાઇલેશન અને ક્યૂરેટેજ નામ એટલે આપવામાં આવ્યું છે કે ડાઈલેશન અંતર્ગત ગર્ભાશયના મુખને ખોલવામાં આવે છે અને ક્યૂરેટેજ અંતર્ગત ગર્ભાશયમાં રહેલા નકામા ટિશ્યૂને કાઢી ગર્ભાશયની સફાઇ કરવામાં આવે છે.
મોટાભાગે માસિક ધર્મ દરમિયાન અતિશય પ્રમાણમાં રક્તસ્ત્રાવ થતો હોય કે માસિક ધર્મના સમય પહેલાં વચ્ચેના સમયમાં રક્તસ્ત્રાવ થવા લાગતો હોય તે સ્ત્રીઓને આ ટ્રીટમેન્ટ કરાવવાની સલાહ અપાય છે. ગર્ભપાત માટે તેમજ ગર્ભાશયમાં રક્તસ્ત્રાવ થાય તો આ ટ્રીટમેન્ટ કરાવવાની સલાહ ડોક્ટર આપતાં હોય છે. આ ટ્રીટમેન્ટ થઇ જાય ત્યારબાદ થોડા સમય સુધી શારીરિક સંબંધથી દૂર રહેવું જોઈએ તેમજ વધારે પડતો શારીરિક શ્રમ ન કરવો જોઇએ. આના ખર્ચ વિશે તમે જે ગાયનેકને બતાવતા હોવ તે જ તમને વિગતે માહિતી આપી શકશે.
પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૨૮ વર્ષ છે. છેલ્લા ઘણા સમયથી માસિક શરૂ થાય તે પહેલાં બ્રેસ્ટમાં દુખાવો થાય છે. સ્તન થોડાં ભારે પણ લાગે છે. મને ડર લાગે છે કે શું કોઇ મોટી તકલીફ તો નહીં હોયને? મારી મમ્મીએ કહ્યું માસિક શરૂ થાય તે પહેલાં આવું થતું જ હોય, પણ મને ડર લાગે છે.
જવાબઃ તમારી માતાએ તમને યોગ્ય વાત કહી છે. તમારી માફક જ ઘણી સ્ત્રીઓને માસિક શરૂ થતાં પહેલાં સ્તનપ્રદેશમાં દુખાવો કે તે ભારે લાગવા જેવી સમસ્યા થતી હોય છે. આ ગભરાવા જેવી વાત નથી. તેમ છતાં તમારું મન ન માનતું હોય તો એક વાર કોઇ સારા ગાયનેકને બતાવી જુઓ. આ રીતે તમારી શંકાનું સમાધાન પણ થઇ જશે અને તમારી ચિંતા પણ દૂર થઇ જશે.
પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૨૮ વર્ષ છે. થોડા સમય બાદ મારાં લગ્ન થવાનાં છે. મારે નિતંબનો ભાગ થોડો મોટો થાય તેવો કોઇ ઉપાય જાણવો છે. મારા નિતંબ નાના છે, મારા પતિને એ ભાગ મોટો હોય તેવું ગમે છે, તો મને જણાવશો કે આ માટે કોઇ દવા લઇ શકાય?
જવાબઃ આ માટેની કોઇ દવા નથી બની. આવી કોઇ દવાની જાહેરખબર તમે છાપામાં વાંચી ચૂક્યા હશો, પરંતુ મારા ધ્યાનમાં એકપણ એવો કેસ નથી જે આ દવા લઇને સફળ થયો હોય. અલબત્ત, તમે અમુક કસરત દ્વારા મદદ મેળવી શકો છો.
પ્રશ્નઃ નમસ્તે સર, મારી ઉંમર ૩૦ વર્ષ છે. મારે ચાઇનીઝ કેલેન્ડર વિશે જાણવું છે.
જવાબઃ ચાઇનીઝ કેલેન્ડર મતલબ કે બાળક આવ્યા પહેલાં માસિક ધર્મની તારીખ યાદ રાખીને અમુક ચોક્કસ સમયગાળામાં જાતીય નિકટતા કેળવીને આવનાર બાળક બાબો છે કે બેબી તે નક્કી કરી આપતું કેલેન્ડર. આવા કેલેન્ડર વિશે તમે કોઇ પાસેથી સાંભળ્યું હશે, પણ આ ગપ્પાંબાજી માત્ર છે. હાલના વિજ્ઞાનના સમયમાં જ્યારે દીકરો દીકરી એકસમાન છે ત્યારે આવા કેલેન્ડર વિશે જાણવાની જિજ્ઞાસા રાખવી પણ અયોગ્ય છે. અગાઉ દીકરાના જન્મનું મહત્ત્વ હતું ત્યારે લોકો કેલેન્ડર જોતા.