કિશન ભરવાડ હત્યા કેસ: વધુ 3 આરોપીની ગુજસીટોક હેઠળ ધરપકડ

GUJARAT

ધંધૂકાના કિશન ભરવાડ હત્યા કેસમાં હથિયાર આપનાર, નાણાંકીય મદદ કરનાર વધુ ત્રણ આરોપીની ATSએ ધરપકડ કરી છે. આ સાથે આરોપીઓ સામે ગુજસીટોકની પણ કલમો લગાવાઇ છે. ત્રણેય આરોપીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરાશે. આ હત્યા કેસમાં કુલ દસ આરોપીની ધરપકડ થઇ ચૂકી છે. તપાસનીશ એજન્સીને આરોપીઓ પાસેથી દેશવિરોધી સાહિત્ય અને કેટલાક પુરાવા મળતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) પણ આગામી દિવસોમાં તપાસમાં ઝંપલાવી શકે તેમ છે.

ધંધૂકા હત્યા કેસમાં સાત આરોપી પકડાઇ ચૂક્યા છે ત્યારે પોલીસે બુધવારે વધુ ત્રણ આરોપીની ગુજસીટોક એક્ટ હેઠળ ધરપકડ કરી છે. કિશન ભરવાડની હત્યા માટે રાજકોટમાં રહેતા રજાક સેતાએ હથિયાર પૂરા પાડયા હતા. જ્યારે પોરબંદરમાં રહેતા હુસેન મિસ્ત્રીએ સાજણ ઓડેદરા ઉપર હુમલો કરવા માટે રેકી કરવામાં મદદ કરી હતી. આ ઉપરાંત મતીન મોદને હત્યારાઓને રહેવા ખાવા પીવાની સગવડ કરી આપી હતી.

આ ત્રણેય આરોપીને આવતીકાલે ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવાશે. બીજી તરફ તપાસ એજન્સી હાલ રિમાન્ડ પરના આરોપીઓને સાથે બેસાડીને પૂછપરછ કરી રહી છે. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવી રીતે સ્લીપર સેલ સહિતની કામગીરી કરાઇ રહી છે તેની વિગતો એકત્ર કરી છે. જેમાં ઉત્તરપ્રદેશના પણ કેટલાક લોકોના નામ બહાર આવ્યા છે. જો કે, સત્તાવાર રીતે તપાસનીશ એજન્સીના અધિકારીઓ કંઈ બોલવા તૈયાર નથી.

મૌલાના સંગઠનમાં સામેલ થવા માટે યુવાનો પાસેથી રૂ. 365 ફી લેતો હતો
મૌલાનાએ જજબા-એ-શહાદત નામનું પુસ્તક લખ્યું છે. તેની 1500થી વધુ કોપી છપાવી હતી. કટ્ટરવાદી પુસ્તકો મસ્જિદમાં આવતા તેમજ સંપર્કમાં આવેલા યુવાનોને ફ્રીમાં વહેંચાતી હતી. મૌલાના યુવાનોને પોતાના સંગઠનમાં જોડાવવા બદલ રૂ.365 ફી લેતો હતો.

શબ્બીરે ‘અસ્સલામુ અલૈકુમ’ કહેતા જ મૌલાનાને પરસેવો છૂટી ગયો
મૌલાના કમન ગની ઉસ્માનીએ 6 માસમાં ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં મુલાકાત લીધી હતી. તપાસનીશ એજન્સીએ મૌલાના કમન ગની ઉસ્માનીની પૂછપરછ કરતા હતા. તેણે જણાવ્યું હતું કે, તે ક્યારેય શબ્બીરને મળ્યો નથી અને ઓળખતો પણ નથી. જોકે એેજન્સીએ મૌલાના અને શબ્બીરને એક રૂમમાં બેસાડતાની સાથે જ શબ્બીરે તુરંત મૌલાનાને ‘અસ્સલામુ અલૈકુમ’ કહીને આવકાર્યા હતા. જે સાંભળતા જ મૌલાનાને પરસેવો છૂટી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published.