ગુજરાતના ખેડૂતો પર કુદરત જાણે રૂઠી હોય તેમ વરસાદની અનિશ્ચિતતાએ ચિંતા વધારી દીધી છે. અગાઉ ચોમાસાની વિદાય વેળાએ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ હતી. હવે ભરશિયાળે વરસાદની આગાહીના પગલે ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.
હકીકતમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરના કરાણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જેથી આગામી 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.
આ ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આણંદ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર-સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની વકી છે.
આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે. જેના કારણે રાજ્યમાં ઠંડીનો જોર વધશે.