આજે નર્મદાના પાણી મુદ્દે DyCM નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે, કડાણા અને નર્મદા ડેમમાંથી ખેડા, આણંદમાં ડાંગર માટે ખેડૂતોને ડાંગર માટે પાણી આપવામાં આવશે. નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે 15 દિવસ સુધી ખેડૂતોને પાણી આપવામાં આવશે. અને અંદાજે 6 હજાર ક્યુસેક પાણી ખેડૂતોને અપાશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.
નીતિન પટેલે ખેડા અને આણંદના ખેડૂતોને ખુશખબર આપતાં કહ્યું હતું કે, કડાણામાંથી 3 હજાર ક્યુસેક પાણી આપવામાં આવશે. તેમજ નર્મદા ડેમમાંથી પણ 3 હજાર ક્યુસેક પાણી ખેડૂતોને આપવામાં આવશે. આગળ જતાં નીતિન પટેલે કહ્યું હતું કે, આગામી 2 દિવસમાં પાણી છોડવાની શરૂઆત કરવામાં આવશે.
આ ઉપરાંત નીતિન પટેલે કહ્યું હતું, કે આ વર્ષે વરસાદની ખેંચ છે. અને નર્મદા ડેમમાં પણ પાણીનો જથ્થો મર્યાદિત છે. પીવા માટેના પાણીનો જથ્થો રિઝર્વ કર્યાં બાદ વધારાનું પાણી ખેડૂતોને ખેતી માટે આપવામાં આવશે. 1 લાખ 60 હજાર હેક્ટરમાં ખેડા, આણંદ અને અમદાવાદ જિલ્લાના ખેડૂતોએ ડાંગરના પાક માટે પાણીની જે માગણી કરી છે તેને સરકારે મંજૂરી આપી છે.