હિન્દુ ધર્મમાં કારતક મહિના દરમિયાન તુલસીની પૂજાનું વિશેષ મહત્વ છે. એમ તો તુલસીની પૂજા આખું વર્ષ કરવામાં આવે છે, પરંતુ એવું કહેવાય છે કે કારતક મહિનામાં તુલસીની સામે દીવો પ્રગટાવવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવું માનવામાં આવે છે કે ઘણા મહિનાઓ સુધી લાંબી નિંદ્રામાં પોઢેલા ભગવાન વિષ્ણુ આ મહિને જાગી જાય છે. કારતક મહિનામાં તુલસીની નિયમિત પૂજા કરવાથી અને દીવો પ્રગટાવવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.
પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં તુલસી હોય ત્યાં એવા ઘરમાં યમદૂત પ્રવેશ નથી કરતા. તુલસીના વિવાહ શાલિગ્રામ સાથે થયા હતા, તેથી કહેવાય છે કે જે તુલસીની પૂજા કરે છે તેને ભગવાનના આશીર્વાદ મળે છે. એક દંતકથા અનુસાર ભગવાન વિષ્ણુએ તુલસીને વરદાન આપ્યું હતું કે મારી શાલીગ્રામના નામથી જ તુલસીની સાથે પૂજા કરવામાં આવશે અને જે વ્યક્તિ તુલસી વગર મારી પૂજા કરશે એનો પ્રસાદ હું સ્વીકાર નહીં કરું.
આ રીતે પૂજા કરો
શાસ્ત્રો અનુસાર તુલસીની ચારો બાજુ સ્તંભ બનાવીને તેને તોરણથી શણગારવી જોઈએ. સ્તંભો પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવવું જોઈએ. રંગોળીમાંથી અષ્ટદલ કમળની સાથે શંખચક્ર અને ગાયના પગ બનાવીને પૂજા કરવી જોઈએ. તુલસીનું આવાહન કર્યા પછી, ધૂપ, દીવો, રોલી, સિંદૂર, ચંદન, નૈવેદ્ય અને વસ્ત્ર અર્પણ કરવા જોઈએ. તુલસીની ચારે બાજુ દીવો પ્રગટાવિને તેની વિધિવત પૂજા કરવી જોઈએ.
મહિનાઓમાં કારતક માસને શ્રેષ્ઠ મહિનો ગણવામાં આવે છે
શાસ્ત્રોમાં વેદ, નદીઓમાં ગંગા અને યુગોમાં સતયુગને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેવી જ રીતે, કારતક મહિનો પણ શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમારું કામ અટકી ગયું હોય, ધંધામાં કોઈ નફો ન હોય તો તમારે કારતક મહિનામાં તુલસીની વિધિવત પૂજા કરવી જોઈએ. આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય.