કપડવંજના એક ગામમાં ગામની એક પરિણીત મહિલા વિશે ખરાબ આક્ષેપો લખાણોવાળા કાગળ ગામના બજારમાં તથા અન્ય જગ્યાઓએ પડેલ મળી આવ્યા હતા. જેથી પરિણીત મહિલા તથા તેના પતિએ ગામમાં તપાસ કરી હતી. સીસીટીવી ફુટેજ તપાસતા ગાડીમાં આવેલ એક ઈસમ રાત્રીના અંધારામાં ગામમાં કાગળો નાંખી ગયો હતો.
તે ગાડીની તપાસ કરતાં કાગળો નાખનાર મહિલાનો બનેવી અંતિસરનો હરેશ વિનુભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું. પરિણીત મહિલાની બહેન અને બનેવીને મનમેળ ન થતાં કપડવંજ કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલતો હતો.
વીસેક દિવસ અગાઉ પણ બનેવીએ કોર્ટમાં કેસ કરેલ છે તે પાછો ખેંચી લો નહીંતર તમારુ જીવવું હરામ કરી નાંખીશ, તારા પતિને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી. જેથી બનેવીએ જ પરિણીત સાળીની બદનામી થાય તેવા લખાણોવાળા કાગળો ગામમાં વહેતા કર્યા હોવા અંગેની ફરિયાદ કપડવંજ રુરલ પોલીસ મથકે નોંધાવા પામી છે.