આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને એકમાત્ર ગોલ્ડ મેડલ જીતાડનાર અને દેશનું ગૌરવ વધારનાર નીરજ ચોપરા હાલ સમગ્ર દેશમાં છવાયો છે. એવામાં ગુજરાતમાં આવેલા ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન લિમિટેડના એક પેટ્રોલ પંપે જાહેરાત કરી છે કે, જે વ્યક્તિનું નામ નીરજ હશે, તેને મફત પેટ્રોલ આપવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યના ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આવેલ એક પેટ્રોલ પંપે આ ઑફરની જાણ કરતું બોર્ડ લગાવી દીધું છે. આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે, જે કોઈ વ્યક્તિનું નામ નીરજ હશે, તેને 501 રૂપિયાનું પેટ્રોલ ફ્રીમાં મળશે.
આ પેટ્રોલ પંપના માલિકે આ બોર્ડ લગાવ્યું છે. તેમણે 8 ઓગસ્ટે આ જાહેરાતનું બોર્ડ લગાવ્યું છે. આ ઑફરનો લાભ આજે એટલે કે સોમવાર સુધી જ મળશે. સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી નીરજ નામનો જે વ્યક્તિ પોતાના વાહનમાં પેટ્રોલ પૂરાવવા આવશે, તેને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ વિજેતા નીરજ ચોપરાના સમ્માનમાં 501 રૂપિયાનું પેટ્રોલ નિ:શૂલ્ક આપવામાં આવશે. બસ આ માટે ગ્રાહકે પોતાનું ઓળખ કાર્ડ દેખાડવાનું રહેશે.
જણાવી દઈએ કે, ભાલા ફેંક એથલિટ નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચ્યો છે. નીરજ દેશ માટે વ્યક્તિગત ગોલ્ડ જીતનાર બીજો ખેલાડી અને પ્રથમ એથલિટ છે. નીરજે પોતાના બીજા પ્રયત્નમાં 87.58 મીટરના અંતર સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. નીરજ પહેલા અભિનવ બિન્દ્રાએ બીજિંગ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો હતો. જો કે અભિનવનો ગોલ્ડ મેડલ નિશાનેબાજીમાં હતો. જો કે ટોક્યોમાં નીરજે જે કર્યું તે એટલા માટે ઐતિહાસિક છે, કારણ કે અગાઉ ભારતને ઓલિમ્પિકમાં એથેલેટિક્સ ઈવેન્ટમાં ક્યારેય ગોલ્ડ મેડલ નથી મળ્યો.