જેલમાંથી ફેનિલે બહેનને ફોન કરવો છે તેમ કહીને ગ્રીષ્માની ફ્રેન્ડ ક્રિષ્નાને ફોન કર્યો

GUJARAT

ફેબ્રુઆરી મહિનાની 12મી તારીખે સુરતમાં બનેલી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસની હચમચાવી દેનારી ઘટનાનો આરોપી ફેનિલ ગોયાણી હજુ પણ જેલમાંથી ચાલાકી કરી રહ્યો છે. આરોપીએ પોતાની બહેનને ફોન કરવો છે તેમ કહીને ગ્રીષ્માની ફ્રેન્ડ ક્રિષ્નાને ફોન કરી દીધો હતો. આરોપી ફેનિલે જેલ ઓથોરિટીને ગેર માર્ગે દોરી હોવાના ગુનામાં તની સામે કાર્યવાહી કરવા માટે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું છે.

રિપોર્ટ્સ મુજબ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલ સામે સુનાવણી ચાલી રહી છે, આ દરમિયાન જેલ ઓથિરિટીને ફેનિલે બહેનને ફોન કરવો છે તેમ કહીને ક્રિષ્ના નામની યુવતીને ફોન કરી દીધો હતો. તેણે ગ્રીષ્માની ફ્રેન્ડ ક્રિષ્નાને ફોન કરીને કહ્યું કે, તું બે વાગ્યે કોર્ટમાં આવજે અને મારી ફેવરમાં જુબાની આપજે.

ગ્રીષ્માની ફ્રેન્ડ ક્રિષ્નાએ જુબાની આપતા જણાવ્યું હતું કે, બનાવના દિવસે ફેનિલે મેસેજ કરીને કહેલું કે આજે હું તને મારી નાખવાનો છું. કિષ્નાએ કોર્ટને જણાવ્યું કે સવારે તેને ફેનિલનો ફોન આવ્યો હતો અને તેની ફેવરમાં જુબાની આપવા માટે કહ્યું હતું. કિષ્નાએ કોર્ટમાં અગાઉની ઘટના અંગે પોતાની જુબાની દરમિયાન જણાવ્યું કે, તેણે ફેનિલને કહ્યું હતું કે તને ભાવ નથી આપતી તો છોડીને દેને, પાછળ કેમ પડ્યો છે. જોકે, બનાવના દિવસે જ ફેનિલે ક્રિષ્નાને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને કહ્યું હતું કે આજે હું તને મારી નાખવાનો છું.

ક્રિષ્નાની જુબાની દરમિયાન જેલમાંથી ફેનિલે ફોન કર્યો હોવાની ઘટનાનો ઘટસ્ફોટ થતા સરકારી વકીલ નયન સુખડવાલાએ આરોપીની સામે આ મામલે કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. તેમણે જેલનું રજિસ્ટર મંગાવીને જેલ ઓથોરિટીને આરોપી ફેનિલે ગેરમાર્ગે દોરીને પોતાના હકનો દુરોપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું. ક્રિષ્નાએ પણ ફેનિલે ફોન કર્યો હોવાનું સમર્થન આપ્યું હતું.

સુરતના ચકચારી હત્યા કેસ સુરત જિલ્લા સેશન્સ જજ વિમલ કે વ્યાસની કોર્ટમાં જુબાની ચાલી રહી છે. જેમાં ગ્રીષ્માની ફ્રેન્ડ ક્રિષ્ના સહિત એફએસએલ અધિકારી, નોડલ ઓફિસર, સ્કૂલ કૉલેજના આચાર્ય મળીને કુલ 100થી વધુ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે.

પોલીસે સુરતના પાસોદરામાં બનેલી હત્યા કેસમાં ઝડપથી આરોપી ફેનિલ સામેની ચાર્જશીટ રજૂ કર્યા બાદ કોર્ટમાં પણ ઝડપી કાર્યવાહી ચાલી રહી છે. આ જોતા ફેનિલને નજીકના સમયમાં સજા સંભળાવવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *