જે સર્જરીના USમાં 1 કરોડ કીધા તે ભારતના ડોક્ટરે 1.50 લાખમાં કરી

nation

હાલમાં રાજસ્થાનની SMS હોસ્પિટલ એક કેસને લઈને ચર્ચાનો વિષય બની છે. જે ઓપરેશન માટે અમેરિકામાં લગભગ એક કરોડ રૂપિયાનો ચાર્જ કહેવામાં આવ્યો હતો, તે જ ઓપરેશન જયપુરની SMS હોસ્પિટલના ડોક્ટરોએ માત્ર દોઢ લાખ રૂપિયામાં કર્યું. આ ઓપરેશનથી અમેરિકન યુવતીની ઊંચાઈ 15 સે.મી. વધી ગઈ છે. આ માટે 2 અલગ-અલગ સર્જરી કરવી પડી હતી.

જે યુવતીની સર્જરી કરવામાં આવી તે કેલિફોર્નિયાની રહેવાસી છે. અગાઉ તેની ઊંચાઈ 4 ફૂટ હતી. છેલ્લા 14 વર્ષમાં SMS માં આ બીજી સર્જરી થઈ છે. અત્યાર સુધી અહીં કોઈ ભારતીયે આ પ્રકારની સર્જરી કરાવી નથી. SMS હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વરિષ્ઠ પ્રોફેસર અને હોસ્પિટલના ભૂતપૂર્વ અધિક્ષક ડૉ. ડી.એસ. મીણાએ જણાવ્યું કે જુલી (નામ બદલ્યું છે)ની આનુવંશિક રીતે ઊંચાઈ ઓછી છે. રશિયન ટેકનિક (લેથિંગ ઓવર નેલ) વડે સર્જરી કરીને પગની ઊંચાઈ 15 સે.મી. સુધી લંબાવવામાં આવી છે. આ સર્જરીમાં ડો.રાજકુમાર હર્ષવાલ, ડો.શ્રીફલ મીના, ડો.સોનાલીએ પણ સહયોગ આપ્યો હતો.

2007માં કરવામાં આવી હતી પ્રથમ સર્જરી

ડૉ.ડી.એસ. મીણાએ જણાવ્યું કે જુલીએ વર્ષ 2007માં પણ અહીં સર્જરી કરાવી હતી. પછી તેની જાંઘના હાડકા પર સર્જરી કરતી વખતે 7 સે.મી. ઊંચાઈ વધી હતી. 14 વર્ષ પહેલા સર્જરી બાદ કોઈ પણ પ્રકારની સમસ્યા નહોતી. તેથી, બુધવારે તેણે જાંઘની નીચે પગની ઊંચાઈ વધારવા માટે બીજી સર્જરી કરાવી. તેનાથી 8 સે.મી. ઊંચાઈ વધી છે. આ રીતે, બે સર્જરીમાં, તેની ઊંચાઈ 15 સેમી વધી છે.

અમેરિકામાં બે સર્જરીનો ખર્ચ 1 કરોડ

ડૉ. મીણાએ જણાવ્યું કે અમેરિકામાં આવી એક સર્જરી કરાવવાનો ખર્ચ 50 લાખ રૂપિયા આવે છે, જ્યારે છોકરીની બે સર્જરી થઈ છે. આવી સ્થિતિમાં અમેરિકામાં તેની બે સર્જરીનો ખર્ચ લગભગ એક કરોડ રૂપિયા થાત. પરંતુ જયપુરમાં આ બંને સર્જરીનો કુલ ખર્ચ 1.50 લાખ રૂપિયા આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.