જાણો સ્વ.નરેશ કનોડિયાની જાણી-અજાણી વાતો, 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું પણ સૌથી ફેવરિટ કઈ હતી?

GUJARAT

ગુજરાતી ફિલ્મોના રજનીકાંત કહેવાતા નરેશ કનોડિયાના નિધનને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આપણે જાણીશું એમની અમુક એવી વાતો કે જે તમને નરેશ કનોડિયાની યાદ અપાવી દેશે

નરેશ કનોડિયા..એક એવું નામ જેનાથી કોઈ ભાગ્યે જ અજાણ હશે. ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ મેગાસ્ટાર, ઉમદા સંગીતકાર અને સવાયા રાજકારણી. તેઓ તો આજે અનંતની વાટે નીકળી પડ્યા છે, પણ આજે પણ તેમના જાણ્યા અજાણ્યા કેટલીક રહસ્યમય વાતો છૂપાયેલી છે.

એક વાર ગુજરાતી ફિલ્મના સ્ટાર નરેશ કનોડિયાને જ્યારે એવું પુછવામાં આવ્યું કે, તમને ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન કહેવામાં આવે છે ત્યારે કેવું લાગે છે. નરેશ કનોડિયાએ તેના જવાબમાં કહ્યું કે, હરખ પણ થાય અને દુઃખ પણ થાય. હરખ એ વાતનો કે આપણને એ સ્થાને લોકો માને છે. અને દુઃખ એ વાતનું કે ‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી’..અમિતાભ અમિતાભ છે અને નરેશ કનોડિયો નરેશ કનોડિયો છે.

સ્નેહલતાજી છે નરેશ કનોડિયાના ફેવરિટ

નરેશ કનોડિયાએ આમ તો ગુજરાતી ફિલ્મોમાં ઘણી બધી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, એક અહેવાલ મુજબ તેમણે 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, જ્યારે પણ તેમને સવાલ કરવામાં આવતો કે સ્નેહલતા, રોમા માણેક, અરૂણા ઈરાનીમાંથી તેમની ફેવરિટ હિરોઈન કઈ છે. તો તેમનો જવાબ હતો કે,’આમ તો બધી જ હિરોઈન સરસ છે. બધા સાથે કામ કરવાની મજા આવી. પરંતુ લોકોની દ્રષ્ટિએ જુઓ તો મને મારી અને સ્નેહલતાની જોડી ખૂબ જ ગમે છે.’

નરેશ અને હિતુ કનોડિયાના જમાનામાં કેટલો ફેર છે

નરેશ કનોડિયાએ પુત્ર અને પોતાના જમાના વિશે જણાવ્યું હતું કે, મારો જમાનો અને આજનો જમાનો ઘણો અલગ છે. નરેશ કનોડિયા હંમેસાં કહેતા હતા કે, આ વિશે હું એટલું જ કહીશ કે, ‘મારા જમાનામાં નદીનો કિનારો હતો અને હિતુના જમાનામાં સ્વિમિંગ પુલ છે.’ આજની ગુજરાતી ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતા નરેશ કનોડિયા કહે છે કે, ‘પહેલાની અને અત્યારની ફિલ્મોમાં આસમાન-જમીનનો ફેર છે. આજની ફિલ્મોને ઈન્ટરનેશનલ અવૉર્ડ પણ મળે છે.

પહેલાની ફિલ્મો 20-25 લાખમાં બનતી હતી અને કરોડો કમાતી હતી. જ્યારે આજની ફિલ્મો અઢી ત્રણ કરોડમાં બને છે, તેમાંથી કેટલીક જ સફળ થાય છે. કારણ કે જે જુનું ઑડિયન્સ છે એમને જે જોઈએ છે એ તેમના નસીબમાં નથી. હવે ટિકિટ પણ નથી પોસાતી. સિંગલ થિએટર રહ્યા નથી. થોડો પ્રોબ્લેમ થાય છે પણ ઈન્ડસ્ટ્રી આગળ વધતી જાય છે’.

Leave a Reply

Your email address will not be published.