જાણો સુંદરકાંડનો મહિમા, કેવી રીતે પાઠ કરવાથી ભગવાન થાય છે પ્રસન્ન

DHARMIK

રામાયણના સુંદરકાંડનો પાઠ નિયમિત રીતે કરવાથી જીવનમાં રહેલ તમામ મુશ્કેલીઓ દુર થાય છે. સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ છે. જ્યાં રાક્ષસોની વસાહત છે, બીજા શિખરનું નામ સુબેલ છે. જ્યાં યુદ્ધ થાય છે. અને ત્રીજા શિખરનું નામ છે સુંદર. જેની ઉપર અશોકવાટિકા આવેલી છે. રાવણે અપહરણ કરી શ્રી સીતાજીને પધરાવ્યાં છે તે શિખર. અહીં સુંદરકાંડનો પ્રાદુર્ભાવ થયો હોવાથી આ કાંડનું નામ સુંદરકાંડ આપવામાં આવ્યું છે. મહાભારતમાં જેમ વિરાટ પર્વ શ્રેષ્‍ઠ છે તેમ રામાયણમાં સુંદરકાંડ શ્રેષ્‍ઠ છે.

જેની સાધના ઉપાસના કરવાથી જીવનનાં તમામ પાસાં સુંદર બની જાય છે. તે સુંદરકાંડ છે. માનવ જીવનને સુંદર બનાવવામાં સુંદરકાંડ માર્ગદર્શક છે. સુંદરકાંડ એ હનુમાનજી મહારાજની પરાક્રમગાથા છે.

જીવનમાં જ્યાં સુધી ભક્તિનો પ્રવેશ થતો નથી ત્‍યાં સુધી જીવન વિધ્‍નોથી ભરેલું રહે છે. પરંતુ જીવનમાં ભક્તિનો પ્રવેશ થતાં જ તમામ વિધ્‍નોનો નાશ થાય છે અને શાશ્વત શાંતિનો અનુભવ થાય છે. સુંદરકાંડમાં જ્યાં સુધી હનુમાનજી મહારાજને શ્રી સીતાજીનાં દર્શન થતાં નથી ત્‍યાં સુધી તેમના માર્ગમાં પ્રલોભન રૂપી મૈનાક, સ્‍પર્ધકરૂપી સુરસા, ઇર્ષારૂપી સિંહિકા, અને ભેદબુદ્ધિરૂપી લંકિનીએ વિધ્‍નો ઊભાં કર્યાં છે.

પરંતુ હનુમાનજીને વિભીષણજી જેવા સંતનું માર્ગદર્શન મળ્યું અને હનુમાનજી મહારાજ વિભીષણજીના બતાવેલા માર્ગે ચાલ્‍યા તો તેમને શ્રી સીતાજીનાં દર્શન થયાં. ત્‍યાર બાદ રાક્ષસોને મારી લંકાને બાળી શ્રીરામજીના ચરણે પહોંચ્‍યાં.

સુંદરકાંડ બતાવે છે કે માણસ જ્યારે કોઇ સત્કાર્ય હાથ ઉપર લે છે ત્‍યારે હનુમાનજીનાં માર્ગમાં નડેલાં વિધ્‍નો જ તેને નડે છે. આ વિધ્‍નોને પાર કરવાનું માર્ગદર્શન સુંદરકાંડ આપે છે. સુંદરકાંડ હનુમાનજીના માધ્‍યમથી બતાવે છે કે સંતોના બતાવેલા માર્ગે ચાલવાથી જ શ્રી સીતાજી એટલે કે ભક્તિ મળે છે.

ભક્તિ મળ્યા પછી પણ વિધ્‍નો તો આવે જ છે. પરંતુ ભક્તિની શક્તિથી તે વિધ્‍નોમાંથી પાર ઉતારી ભવ સાગર તરી જવાય છે. અંતે શ્રીરામનું શરણ મળી જાય છે. જીવનમાં આવતાં વિધ્‍નોને કેવી રીતે પાર કરી શકાય તેનું સુંદર માર્ગદર્શન સુંદરકાંડ આપે છે. સુંદરકાંડ એ હનુમાનજી મહારાજની ભક્તિનો કાંડ છે.

Leave a Reply

Your email address will not be published.